આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઍરપોર્ટ નજીક પાર્ક કારમાંથી પિસ્તોલ મળતાં પુણેના એસ્ટેટ એજન્ટની ધરપકડ

મુંબઈ: ડોમેસ્ટિક ઍરપોર્ટ નજીકના મલ્ટિ-લેવલ કાર પાર્કિંગમાં લાઈસન્સ પ્લૅટ વિના પાર્ક બીએમડબ્લ્યુ કારમાંથી વિદેશી બનાવટની 7.65 કૅલિબરની પિસ્તોલ મળી આવતાં પોલીસે રવિવારે પુણેના એસ્ટેટ એજન્ટની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ તુષાર કાળે (41) તરીકે થઈ હતી. બીએમડબ્લ્યુ કાર કાળેની હોવાનું તપાસમાં જણાયું હતું.

પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કાળે તેના મિત્ર સાથે મુંબઈ આવ્યો હતો. બન્ને જણ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં આવેલી ક્લબમાં ગયા હતા. ત્યાંના કર્મચારીએ કાળેની કાર રવિવારના મળસકે ત્રણ વાગ્યે ઍરપોર્ટ નજીક પાર્ક કરી હતી.

પાર્કિંગ લોટના સિક્યોરિટી ગાર્ડને લાઈસન્સ પ્લૅટ વિનાની કાર પર શંકા ગઈ હતી. કાર નજીક જઈ તપાસ કરતાં ડ્રાઈવરની સીટ પાસેના કપ હોલ્ડરમાં પિસ્તોલ હોવાનું નજરે પડ્યું હતું. તેણે તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરી હતી. ઍરપોર્ટ પોલીસે કાર પાર્ક કરનારાની પૂછપરછ પછી કાળેને તાબામાં લીધો હતો. કારમાંથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્તોલ મળી આવી હતી. તેમાં પાંચ કારતૂસ પણ હતી. પિસ્તોલનું લાઈસન્સ ન હોવાથી કાળેની આર્મ્સ ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે પિસ્તોલ સાથે શખસની ધરપકડ કરી હોવાની માહિતી મળતાં રવિવારની સવારે આઈપીએસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઍરપોર્ટ પોલીસ સ્ટેશને પહોંચી હતી. રવિવારની વહેલી સવારે અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારની ઘટના બની હતી. કારમાંથી મળેલી પિસ્તોલ ગોળીબારમાં તો ઉપયોગમાં લેવાઈ નહોતીને તેની તપાસ પોલીસ કરી રહી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button