આપણું ગુજરાત

ગુજરાતમાં કમોસમી વરસાદ છતાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, લોકોને તંત્રની આ સલાહ

ગાંધીનગરઃ ગુજરાતમાં માવઠા વચ્ચે વડોદરા, અમદાવાદ, સુરત, અમરેલી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુઆ, કેશોદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે 16 એપ્રિલના રોજ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદની એલર્ટ જાહેર કરી છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસમાં કમોસમી વરસાદ થયો છે. તેમ છતાં પણ વડોદરામાં 41.6, અમરેલીમાં 41.3, મહુવામાં 41.2, કેશોદમાં 41.1, રાજકોટમાં 40.9, સુરેન્દ્રનગરમાં 40.7, અમદાવાદમાં 40.2, સુરતમાં 40 અને પોરબંદરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગામી સમયમાં હીટવેવથી સુરક્ષા માટે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રમ અને રોજગાર, વોટર મેનેજમેન્ટ, શિક્ષણ, ઉર્જા, પરિવહન, શહેર વિકાસ અને પંચાયત વિભાગના અધિકારીઓ સાથે મળીને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હીટવેવની પરિસ્થિતીમાં શું કરવાનું છે અને શું નહીં, આ અંગે પબ્લિક માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને હિટ વેવથી સુરક્ષા પુરી પાડવા માટે વિવિધ વિભાગોને આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે તથા કાર્યયોજના પર સંપુર્ણ અમલ કરવાનો આગ્રહ કર્યો છે. મુખ્યમંત્રીએ માનવ જીવન અને પશુધનની સુરક્ષા માટે ઝીરો કેઝ્યુએલ્ટી એપ્રોચ સાથે કામ કરવાની અધિકારીઓને સુચના આપી હતી.

આ સંબંધમાં રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું કે છાશ અને ઓઆરએસનું વિતરણ કરવામાં આવશે, હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે હોસ્પિટલોમાં ખાસ બેડ પણ પુરા પાડવામાં આવશે, બપોરના સમયે પર્યટન સ્થળ પર જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button