મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો ફફડાટ, નાશિકમાં એકનું મોત
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં ગરમીનો પારો એકબાજુ વધી રહ્યો છે, જ્યારે અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમીના વધારા સાથે હવે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થવાથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
નાશિક જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થતાં પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. નાશિકમાં સ્વાઇન ફ્લૂના ત્રણ કેસ મળી આવ્યા છે, જેથી નાશિક શહેરની સાથે આખા જિલ્લામાં સ્વાઇન ફ્લૂના ફેલાવાને રોકવા માટે સરકારે સૂચનો જાહેર કર્યા છે.
નાશિક જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ ફરી એક વખત માથું ઉચક્યું છે. ગરમીની સાથે સ્વાઇન ફ્લૂના કેસ પણ વધી રહ્યા છે. તેમ જ એક વ્યક્તિનું સ્વાઇન ફ્લૂને લીધે મૃત્યુ થયું હતું અને બીજા બે દર્દીઓ પર સારવાર ચાલી રહી છે.
આ દર્દીમાં સિન્નરની એક મહિલાનું સ્વાઇન ફ્લૂને લીધે ત્યુ થયું હતું તેમ જ બીજા બે દર્દીઓની તબિયત હાલમાં સ્થિર છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી. સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો આવતા પ્રશાસને જિલ્લામાં લોકો માટે અમુક ગાઈડલાઇન્સ જાહેર કરી છે. જેમાં લોકોને ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવાની સાથે ઠંડા પીણાં પીતી વખત પણ સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.
શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, ઉલ્ટી, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો વગેરે લક્ષણો સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં મળી આવ્યા છે. સ્વાઇન ફ્લૂ હવામાંથી ફેલાય છે, જેથી માસ્કના વપરાશથી સંક્રમણને ટાળી શકાય છે, એવું એક નિષ્ણાત ડૉક્ટરે કહ્યું હતું.