‘તમે કોઈનો ઊંઘવાનો અધિકાર છીનવી ના શકો’ બોમ્બે હાઈ કોર્ટે EDને આવું શા માટે કહ્યું?
મુંબઈ: એક કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈ કોર્ટ(Bombay High court)એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) ઠપકો આપ્યો હતો. એક કેસની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે કહ્યું કે ઊંઘ લેવાનો અધિકાર માનવીની મૂળભૂત જરૂરિયાત છે અને કોઈને ઊંઘ ન લેવા દેવીએ કોઈ પણ વ્યક્તિના માનવ અધિકારોનું ઉલ્લંઘન છે.
જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેની ખંડપીઠે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને આ નિર્દેશ આપ્યો કે જ્યારે એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કોઈને પણ સમન્સ પાઠવે, ત્યારે નિવેદન રેકોર્ડ કરવા માટે યોગ્ય સમય ફાળવવો જોઈએ.
હાઈ કોર્ટે ગાંધીધામના રહેવાસી 64 વર્ષીય રામ કોટુમલ ઈસરાની દ્વારા તેમની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરી રહી હતી. અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે 7 ઓગસ્ટ, 2023ના રોજ અરજદાર દિલ્હીમાં સવારે 10.30 વાગ્યે તપાસમાં જોડાયા હતા અને તેમની અંગત સ્વતંત્રતા સાથે ચેડા કરવામાં આવ્યા હતા, તેમનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.
વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અરજદારની આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી, જેથી તેમના ‘ઊંઘના અધિકાર’નું ઉલ્લંઘન થયું હતું. ઊંઘનો અધિકાર બંધારણની કલમ 21 હેઠળના મૂળભૂત અધિકારનો એક ભાગ છે. EDએ રાત્રે 10.30 વાગ્યાથી સવારના 3 વાગ્યા સુધી તેમનું નિવેદન નોંધ્યું હતું, જેનાથી તેમને ઊંઘવાનો અધિકાર છીનવાઈ ગયો હતો.
હાઈ કોર્ટે કહ્યું કે, કોઈને તેના મૂળભૂત માનવ અધિકારમાંના એક ઊંઘવાના અધિકારથી વંચિત કરી શકાય નહીં. યોગ્ય સમએ નિવેદન નોંધવું જોઈએ, રાત્રે નહીં.
કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે, ત્યારે તપાસ એજન્સી એ નિર્ણય પર પહોંચી શકતી નથી કે તે વ્યક્તિ ગુના માટે દોષિત છે કે નહીં. અરજદારની ઉંમર 64 વર્ષ છે, અગાઉ તેનું નિવેદન નોંધવા માટે એજન્સી સમક્ષ હાજર થયા છે. કોર્ટે કહ્યું કે અરજદારને અન્ય કોઈ દિવસે બોલાવી શકાયા હોત. જો કે કોર્ટે અરજદારના વકીલની એ દલીલને ફગાવી દીધી હતી કે તેની ધરપકડ ગેરકાયદે હતી.