બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2024માં કંગાળ દેખાવ કરી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમને મોટો ફટકો પડ્યો છે. RCBના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ(Glenn Maxwell)એ IPL 2024 સીઝનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. ગ્લેન મેક્સવેલે અનિશ્ચિત સમય માટે વિરામ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.
સોમવારે રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH) સામેની મેચમાં ગ્લેન મેક્સવેલ RCBની પ્લેઇંગ-11નો ભાગ પણ નહોતો. આ મેચમાં RCBની કારમી હાર બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે મેક્સવેલે આ નિર્ણયની જાહેર કર્યો હતો. મેક્સવેલે ખુલાસો કર્યો કે તેણે પોતે કેપ્ટન ફાફ ડુપ્લેસીસને બીજા કોઈ ખેલાડીને અજમાવવા માટે કહ્યું હતું.
મેક્સવેલને આ સિઝનમાં તેના ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે, જેને કારણે તેની ઘણી ટીકા થઇ રહી છે. SRH સામેનીની મેચમાં તેની જગ્યાએ પ્લેઇંગ-11માં વિલ જેક્સને સ્થાન મળ્યું હતું.
મેચ બાદ મેક્સવેલે કહ્યું, ‘મારા માટે આ ખૂબ જ સરળ નિર્ણય હતો. હું છેલ્લી મેચ પછી ફાફ (ડુપ્લેસીસ) અને કોચ પાસે ગયો અને મેં કહ્યું કે મને લાગે છે કે આપણે કોઈ બીજા ખેલાડીને અજમાવવો જોઈએ. હું પહેલા પણ આવી પરિસ્થિતિનો સામનો કરી ચુક્યો છું, આવી સ્થિતિમાં તમે રમતા રહો તો તમે પોતાને જ નુકશાન પહોંચાડી બેસો છો.’
તેણે કહ્યું કે મને લાગે છે કે મારા માટે માનસિક અને શારીરિક એમ બંને રીતે વિરામ લેવાનો આ યોગ્ય સમય છે, જેથી હું મારા શરીરને તરોતાજા કરી શકું. જેથી કદાચ ટુર્નામેન્ટ દરમિયાન મારે ટીમ માટે રમવાની જરૂર ઉભી થાય, તો મને આશા છે કે હું મજબૂત માનસિક અને શારીરિક સ્થિતિમાં પાછો આવીશ.
મેક્સવેલે કહ્યું કે મને લાગ્યું કે હું ટીમમાં બેટ વડે સારું યોગદાન આપી નથી શક્યો. આ કારણે ટીમની સ્થિતિ સારી નથી અને અમે પોઈન્ટ ટેબલમાં છેક તળિયે છીએ. મને લાગે છે કે અન્ય કોઈને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપવાનો આ સારો સમય છે અને આશા છે કે કોઈ વ્યક્તિ તે જગ્યાને પોતાની બનાવી શકે.
મેક્સવેલે આ સિઝનમાં અત્યાર સુધીની છ મેચોમાં 5.33ની એવરેજ અને 94.12ની સ્ટ્રાઈક રેટથી માત્ર 32 રન બનાવ્યા છે. આ પહેલા વર્ષ 2020માં પણ તે ખરાબ ફોર્મમાંથી પસાર થયો હતો. એ સમયે તે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતો હતો, એ સીઝનની 11 ઇનિંગ્સમાં તેણે 15.42ની એવરેજ અને 101.88ની સ્ટ્રાઇક રેટથી માત્ર 108 રન બનાવ્યા. તે વર્ષે તેણે એક પણ સિક્સર ફટકારી ન હતી.
વર્ષ 2015, 2016 અને 2018માં પણ મેક્સવેલનું ફોર્મ ખરાબ રહ્યું હતું. વર્ષ 2018માં તેણે 12 મેચમાં 14.08ની એવરેજ અને 140.83ના સ્ટ્રાઈક રેટથી 169 રન બનાવ્યા હતા, 2016માં તેણે 11 મેચમાં 19.88ની એવરેજ અને 144.35ના સ્ટ્રાઈક રેટથી 179 રન બનાવ્યા હતા અને 2015માં તેણે 13.18 ની એવરેજ અને 129.46 ની સ્ટ્રાઈક રેટથી 145 રન બનાવ્યા હતા.
આ સિઝનમાં RCBની હાલત ખરાબ છે, અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી RCB 6 મેચ હારી ચુકી છે, જ્યારે ટીમે માત્ર પંજાબ કિંગ્સ સામે એક મેચ જીતી છે. હવે RCB તેની આગામી મેચ રવિવારે બપોરે કોલકાતામાં રમશે.