સરસ્વતી સાધના: મુનિ અજિતચંદ્ર સાગરજી મહારાજની અનોખી સિદ્ધિના સાક્ષી બનવા થઈ જાવ તૈયાર…
જૈન ધર્મ એ અહિંસા અને શાંતિમાં માને છે અને આવા આ જિન શાસનના ખૂબ જ પ્રખ્યાત ધર્મગુરુ અને 12 વર્ષની નાનકડી વયે દીક્ષા અંગિકાર કરનારા મુનિ અજિતચંદ્ર સાગરજી મહારાજે સરસ્વતી સાધનાની શોધ કરી હતી. આ સાધના માટે તેમણે આઠ વર્ષ સુધી મૌનવ્રત રાખ્યું હતું. આજે મુનિ અજિતચંદ્ર સાગરજીને 23 આગમની 22,000થી વધુ ગાથા કંઠસ્થ છે અને હવે મુનિશ્રી પોતાની આ સાધનાથી એક વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે.
અહીંયા તમારી જાણ માટે કે સરસ્વતી સાધનાની શોધ કરનાના મુનિ અજિતચંદ્ર સાગરજીના નામે પહેલાંથી જ અનેક વિક્રમો નોંધાયા છે અને આવો જ એક વધુ વિક્રમ તેઓ ટૂંક સમયમાં ફરી એક વખત રચવા જઈ રહ્યા છે. આ પહેલાં પણ મુનિશ્રી મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં 3000 શ્રોતાઓની હાજરીમાં 200 અવધાન કર્યું હતું. અવધાન એ એક ધ્યાનનો પ્રકાર છે અને એ જ રીતે મુંબઈના એનએસસીઆઈ સ્ટેડિયમમાં હજારો લોકોની હાજરીમાં 500 અવધાનનો વિક્રમ પણ રચાયો હતો. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય ન્યાયાધિશ સહિત 15 હાઈ કોર્ટમાં ન્યાયાધિશ પણ આ ચમત્કારિક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા હાજર રહ્યા હતા.
19 વર્ષની વયે ગુરુ નયનચંદ્રસાગર સૂરિશ્વરજી મહારાજની નિશ્રામાં મુનિ અજિતચંદ્ર સાગરજી મહારાજે 1500 જણની હાજરીમાં સહસ્ત્રાવધાન કર્યું હતું. જેમાં પ્રેક્ષકોમાં હાજર 100 જણે અલગ અલગ વાતો કહી હતી. આ 100 વાતો કે સવાલો કોઈ પણ જગ્યાએ લખ્યા નોંધ્યા વિના મુનિ અજિતચંદ્રજીએ એ જ ક્રમમાં ફરી જણાવ્યા હતા. આપણને જ્યાં એક તરફ બે વાતો યાદ નથી રહેતી ત્યાં 100 એવી વાતો કે સવાલો જે પોતે આ પહેલાં ક્યારે સાંભળ્યા પણ નથી એ યાદ રાખીને એ જ ક્રમમાં પાછા રિપીટ કરવા એ ચમત્કારથી જરાય કમ નથી.
એટલું જ નહીં પણ જૈન મુનિશ્રીએ એવો દાવો પણ કર્યો હતો કે સરસ્વતી સાધના કરનારા વિદ્યાર્થીઓ અઘરામાં અઘરી પરિક્ષા પણ સરળતાથી પાસ કરી લે છે. દુનિયાભરમાંથી 50,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ આ સાધના કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાધનાને સહસ્રાવધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના અને વર્ગના લોકો દ્વારા પૂછવામાં આવેલા સવાલ-જવાબ કે કહેવામાં આવેલી 1000 વાતોને ધ્યાનમાં રાખીને એ જ ક્રમમાં ફરીવાર રિપીટ કરે છે.
આવા જ એક ઐતિહાસિક અને ચમત્કારિક કાર્યક્રમ પહેલી મે, 2024ના રોજ મુંબઈના વરલી ખાતે આવેલા એનએસસીઆઈ સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે અને એ સમયે પણ મુનિ આ વિક્રમનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે.