Purushottam Rupala: ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું, સમાજને કરી મોટી અપીલ

રાજકોટ: ગુજરાતમાં ક્ષત્રિય સમાજના જોરદાર વિરોધ વચ્ચે, ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા(Purushottam Rupala)એ રાજકોટ લોકસભા બેઠક(Rajkot)પર ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતા પહેલા આજે સવારે તેમણે રાજકોટના યાજ્ઞિક રોડ ખાતે આવેલ જાગનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. તેમણે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધી હતી. ત્યાર બાદ ખુલ્લી જીપમાં રોડ શો કરી રૂપાલા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જીલ્લા કલેક્ટરને ઉમેદવાર પત્ર સોંપ્યું હતું. આ દરમિયાન રૂપાલાએ ક્ષત્રિય સમાજને પોતાને સાથ આપવા આપીલ કરી હતી.
રોડ શોમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ રામભાઈ મોકરીયા, વિધાન સભ્ય રમેશ ટીલાળા, દર્શિતાબેન શાહ તેમજ રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશી તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
ગુજરાતના ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવા ભાજપ હાઈ કમાન્ડને માંગ કરી રહ્યા છે, એવામાં આજે પરષોત્તમ રૂપાલાએ સત્તાવાર રીતે રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવતા ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રૂપાલાને જંગી માર્જિનથી વિજયી બનાવવા લોકોને અપીલ કરી હતી.
લોકોને સંબોધતા રૂપાલાએ કહ્યું કે, “આ મંચ પર એટલા બધા ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા છે તેનો હું આભાર માનું છું, હું સમગ્ર ક્ષત્રિય સમાજના નમ્રતા પૂર્વક વિનંતી કરવાના મતનો છું, દેશ હિત માટે રાષ્ટ્ર હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ પણ જોડાઓ એવી મારી નમ્ર અપીલ છે”
વિજય સંકલ્પ રેલીને સંબોધતા કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ પોતાના સંબોધનની શરૂઆત રામ-રામ અને ભારત માતા કી જયના નારા સાથે કરી હતી. પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી છે કે અમને તમારા સહકારની જરૂર છે.
બીજી તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર અડગ છે. 15 એપ્રિલની રાત્રે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથેની ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક નિષ્ફળ રહી હતી.
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સ્પષ્ટતા કરી હતી કે અમે કોઈ પણ શરતે સમાધાન નહીં કરીએ. આજે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સનું સંબોધી હતી, તેમણે કહ્યું કે આગામી તારીખ 19 સુધીમાં જો રૂપાલાનું ફોર્મ પાછું નહીં ખેંચાય તો ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ શરૂ થશે.
રૂપાલા સામે કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. ધાનાણીએ 2002માં રૂપાલાને હરાવ્યા હતા, એ હાર બાદ રૂપાલા 22 વર્ષ બાદ રાજકોટ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થશે.