ખરાખરીનો ખેલઃ એક તરફ વાજતે ગાજતે રૂપાલાએ ભર્યું ફોર્મ અને બીજી બાજુ ક્ષત્રિય સમાજનો સમાધાનનો સાફ ઈનકાર
અમદાવાદઃ સમગ્ર ગુજરાત જ નહીં પણ દેશમાં ચર્ચાનો વિષય બનેલી રાજકોટ લોકસભાની બેઠક પર હવે ખરાખરીનો ખેલ શરૂ થયો છે. અત્યાર સુધી ક્ષત્રિય સમાજની માગણી હતી કે પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તો તેઓ સમાધાન કરવા તૈયાર હતા, પરંતુ આજે રૂપાલાએ ફોર્મ ભર્યું છે અને શક્તિ પ્રદર્શન પણ કર્યું છે ત્યારે હવે તેમના ફોર્મ પરત લેવાની શક્યતા તદ્દન નહીવત છે, બીજી બાજુ અમદાવાદ ખાતે મોડી રાત્રે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી અને સમાજે ફરી ભાજપના નેતાઓને સાફ જણાવી દીધું કે તેઓ અન્ય કોઈ સમાધાનના મૂડમાં નથી.
મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથેની બેઠક પહેલા સંકલન સમિતિની બેઠક અમદાવાદનાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવનમાં યોજાઇ હતી .ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ ઉમેદવારી રદ્દની પોતાની માગણી પકડી રાખી છે. રાજ્ય સરકાર હજુ પણ રૂપાલા મુદ્દાનું નિરાકરણ લાવવા મથી રહી છે, પણ હવે પરસોત્તમ રૂપાલા એ ફોર્મ તો ભરી દીધું છે ત્યારે મુદ્દો ભર્યા નાળિયેર જેવો બન્યો છે.
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં 90 જેટલી સંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત હતા.એક પારિવારિક ભાવનાઓ સાથે સરકાર સાથે બેઠક થઈ હોવાનું જણાવી તૃપ્તિબા વાળાએ કહ્યું કે, અમે અમારી વાત સરકારને રજૂ કરી છે આમાં બીજું કોઈ સમાધાન શક્ય નથી તૃપ્તિબા એ રવિવારે ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનનો ઉલ્લેખ કરી કહ્યું કે છથી સાત લાખ લોકો આવ્યા હતા.
ક્ષત્રિય સમાજે સરકારને અલ્ટિમેટમ આપી 19 તારીખ સુધીમાં રૂપાલાની ઉમેદવારી પરત લેવરાવા પહેલેથી જ કહી દીધું છે. જો આમ નહીં થાય તો અમદાવાદમા પણ મહા સંમેલન કરવા ચીમકી ઉચ્ચારી છે, આ સાથે દેશવ્યાપી આંદોલનની પણ ચીમકી આપી છે.