પુરુષ

જુવાન હૈયાંનાં ડેટિંગમાં આ ‘ઑનેસ્ટિ બોમ્બિંગ’ વળી શું છે?

કોરોનાના કપરા કાળ પછી નૈતિકતાના ઘણાં જૂના નિયમોને પડતાં મૂકી આજની યુવા પેઢી પોતાનાં જીવનસાથીની શોધ માટે કેટલીક નવી રીતિ-નીતિ સાથે ડેટિંગ કરી રહી છે. કેવું છે એમનું આ નવા પ્રકારનું ડેટિંગ…?

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

આપણી બોલી અને લિપિ એટલે કે બોલચાલની ભાષા અને લખાણમાં નવા નવા શબ્દો ઉમેરાતાં રહે છે. એમ ન થાય તો બન્ને બંધિયાળ થઈ જાય. જુવોને, છેલ્લાં ત્રણેક વર્ષના આ કોરોના-કાળમાં કેટકેટલા નવા શબ્દો આપણી બોલી ને લખાણમાં ઉમેરાઈ ગયા છે…
જો કે, એ બધા વિશે અહીં વાત નથી કરવી. અહીં વાત કરવી છે થોડા સમયથી ઉમેરાઈ ગયેલાં ત્રણેક શબ્દની. ઉદાહરણ તરીકે એ છે :
‘ગ્રે ડિવોર્સ’ -‘હાર્ડ બોલિંગ’ અને ત્રીજો શબ્દ છે ‘ઑનેસ્ટિ બોમ્બિંગ’
આ ત્રણેયમાં ‘ગ્રે ડિવોર્સ’ના અપવાદ સિવાય બાકીના બે શબ્દ હકીકતમાં આજકાલની બહુ પ્રચલિત ઍપ્સમાં એટલે કે ઍપ્લિકેશનમાં વિશેષરૂપે વપરાય છે.
‘ગ્રે ડિવોર્સ’ એટલે લાંબાં લગ્નજીવન પછી એકબીજાની સહમતીથી છૂટાં પડવું- તલાક લેવા તે જાણીતા દાખલા : ‘માઈક્રોસોફટ’ના બિલ ગેટસ-મેલિન્ડા અને ‘એમેઝોન’ના જેફ બેજોસ-મેકેન્ઝી સ્કોટ…
બીજી તરફ, ‘હાર્ડ બોલિંગ’ એટલે કંપનીના ચીફ પોતાના કર્મચારી પાસે જે કામ જોઈતું હોય એ મેળવવા શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ વાત કરે તે.
આ બન્ને શબ્દો વચ્ચે ત્રીજો નવો શબ્દ
‘ઑનેસ્ટિ બોમ્બિંગ ’ એટલે જીવનસાથીની પસંદગી કરવા જાવ ત્યારે એકમેક પોતાની ખામી-ખૂબી વિશે ખુલ્લા મને વાત કરવી એ.
‘ગ્રે ડિવોર્સ’ વિશે ખાસ ચર્ચાની જરૂર નથી એટલે વાતની શરૂઆત આપણે ‘હાર્ડ બોલિંગ’થી કરીએ. ઍપ દ્વારા ડેટિંગ કરતાં યુવક-યુવતીમાં અમુક યુવતી વધુ બોલકી હોય છે. લગ્નજીવન વિશેના એનાં ખ્યાલ-વિચાર એકદમ સ્પષ્ટ હોય છે. ‘જોઈએ, પછી વિચારીશું…’ એવું બોલવા-ચાલવામાં એ માનતી પણ નથી. લગ્ન પછી એને શું શું જોઈએ છે પોતાની પસંદગીનું ઘર-જોબ-રોજિંદી કામગીરીથી માંડીને બેડરૂમ સુધ્ધાંની પોતાની ઈચ્છા- મહેચ્છા-કામેચ્છા સુધ્ધાંની વાત એ જરાય સંકોચ રાખ્યા વગર વ્યકત કરે છે, જેથી લગ્ન સબંધ બંધાય પછી આમચી બમ્બૈયા ભાષામાં કહીએ તો એને ખાલીપીલી માથાપચી પસંદ નથી!
આમ ડેટિંગ ઍપ પર ’હાર્ડ બોલિંગ’ની નીતિ-રીતિ અપનાવતી લગ્ન ઈચ્છુક ક્ધયા કોઈ મોટી કોર્પોરેટ કંપનીની સીઈઓ-ચીફ જેવી પક્કી પ્રોફેશનલ -વ્યવસાયિક હોય છે. પોતાના કર્મચારીઓ પાસે જોઈતું કામ કઢાવે. એમાં દલીલ-બહાનાબાજી ન ચાલે એવું જ વલણ પોતાના મેરેજ રિલેશનમાં દર્શાવવામાં એ સહેજે ઊણી ન ઊતરે. આવી ‘હાર્ડબોલર’ યુવતીનાં મેરેજ કેટલાં લાંબા ટકે એ પણ ચર્ચાનો અલગ વિષય છે.
જો કે, કોરોના-કાળ દરમિયાન જુવાન હૈયાંનાં મન-મેળાપ કરાવી આપતી અનેક ડેટિંગ ઍપમાં અણધાર્યા ફેરફાર આવી ગયાં છે. કોરોનાના પગલે ઝીંકાયેલાં લાંબાં-પહોળાં લોકડાઉનના પ્રતાપે બહુ જાણીતી અને પ્રચલિત એવી ડેટિંગ ઍપ્સ, જેમકે ટિન્ડર-ઓકે ક્યુપિડ- મેચ-હિન્જ પર ૨૦%થી ૬૦% જેટલો ટ્રાફિક-ઉપયોગ વધી ગયો છે. એટલું જ નહીં, ૧૫થી ૨૦% જેટલાં નવા મેમ્બર્સ પણ ઉમેરાયા છે. એમાં કેટલીક ઍપ એની અમુક લાક્ષણિકતાને લીધે સાવ અલગ તરી આવીને એ ખાસ્સી લોકપ્રિય પણ બની છે. આના પ્રતાપે ઍપ દ્વારા થતાં આ ડેટિંગના જમાનામાં જિજ્ઞાસા જગાડે એવો એક મજાનો શબ્દ વહેતો થયો છે.એ શબ્દ છે : ‘ઑનેસ્ટિ બોમ્બિંગ’
હકીકતમાં આ ‘ઑનેસ્ટિ બોમ્બિંગ’ શું છે?
એ વાત અમદાવાદના એક પ્રસિદ્ધ મનોચિકિત્સક કંઈક આ રીતે સમજાવે છે.
એ કહે છે:
‘આજની યુવા પેઢી માટે આ ‘ઑનેસ્ટિ બોમ્બિંગ’ વર્ષોથી ચાલી આવતી મોરાલિટિ-નૈતિકતા સામે એક આડકતરી લડત છે-એક ઑનેસ્ટ-પ્રામાણિક પ્રતિક્રિયા છે, કારણ કે આ પેઢી મક્કમતાપૂર્વક માને છે કે આજની કોવિડ જેવી વિકટ પરિસ્થિતમાં અમુક નૈતિક સિદ્ધાંતોનું હવે બહુ મહત્ત્વ નથી રહ્યું. એનો ખોટો ભાર વેંઢારવાને બદલે જે છે એ જિંદગી માણી લેવી જોઈએ..!’
અન્ય એક જાણીતી ડેટિંગ ઍપએ આ ‘ઑનેસ્ટિ બોમ્બિંગ’ વિશે સ-રસ સર્વેક્ષણ-વિશ્ર્લેષણ કર્યું છે. એ કહે છે કે કોરોના પછી પરિસ્થિતિ એવી ડરામણી-ભયજનક થઈ ગઈ છે કે ડેટિંગ ઍપ પર જીવનસાથીની શોધ ચલાવનારામાંથી ૭૨% યુવક-યુવતી પોતા વિશે ખુલ્લે મને વાત કરવા તૈયાર છે, તો ૮૨% તો એમની પ્રથમ ડેટ વખતે જ કશું છૂપાવ્યા વગર બધું જ કહેવા તત્પર છે. માનસિક-શારીરિક-આર્થિક સ્થિતિ-પરિસ્થિતિને છુપાવવા નથી માગતા. કારણ એ જ કે ડેટિંગને નામે જીવન સાથીની શોધની વાત લંબાયા કરે એને બદલે પહેલી કે પછી ડેટ પર જ એ બન્ને પક્ષ બધું નક્કી કરી નાખવા ઈચ્છે છે.
આ પ્રકારનું કશું જ છુપાવ્યા વગરનું ‘ઑનેસ્ટિ બોમ્બિંગ’ ભયજનક નથી? આપણા વડીલો તો (ખાસ કરીને છોકરીને) એવી સલાહ દેતાં હોય છે કે ‘એણે પોતાનાં ભૂતકાળના પ્રેમસંબંધની વાત ભાવિ જીવનસાથીને કહેવી નહીં. આવી વાત આગળ જતાં એમનાં લગ્ન-સંસારમાં કંકાશનું કારણ ન બની શકે?’
આ પ્રશ્ર્નનો ઉત્તર પુણેની મનો-આરોગ્ય હૉસ્પિટલ સાથે સંકળાયેલા એક ચિકિત્સક દૃઢતા સાથે આપે છે. એ કહે છે:
‘ના, આજના જમાનામાં, ખાસ કરીને કોવિડ પછીના માહોલમાં આજની પેઢી માને છે કે જિંદગીનો ભરોસો નથી. કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે એટલે પ્રેમ-લગ્ન જેવાં નાજુક સંબંધમાં એકમેકથી ભૂતકાળની વાત વિશે સંતાકૂકડી રમવાની જરૂર નથી. ભાવિ લગ્નજીવનને વધુ સુરક્ષિત બનાવવા તમે જેટલા પ્રામાણિક રહો એટલું વધુ સારું.
વધુમાં અહીં અમદાવાદના પેલા મનોચિકિત્સક એ પણ ઉમેરે છે કે આજનાં જુવાન હૈયાં ‘ઑનેસ્ટિ બોમ્બિંગ’ની ડેટિંગ વખતે સામેની વ્યક્તિને એ પણ સ્પષ્ટ કહી દે છે કે ‘તારાં ભૂતકાળના પ્રેમસબંધ-અફેર-લફરાંને હું સ્વીકારી લઉ એટલી જ સહજતાથી તારે મારાં આવાં ભૂતકાળને સ્વીકારી લેવાનો….! ભવિષ્ય માટે પણ આપણી આ જ સમજણ રહેશે’ આ પ્રકારના સ્વીકારથી બન્ને પક્ષ વચ્ચે કોઈ ગુનાહિત લાગણી કે કશું ખોટું કર્યાનો ભાવ રહેતો નથી પરિણામે એમનાં ભાવિ સબંધમાં હળવાશ રહે છે એવું સુરતના અન્ય મનોચિકિત્સક પણ સ્પષ્ટપણે માને છે.
કોવિડ સંકટે માનવજાત માટે જે અપૂર્વ કટોકટી સર્જી છે એને લીધે આજની યુવા પેઢીની વર્ષો જૂની કેટલીક માન્યતા કડડભૂસ થઈ ગઈ છે. આ પેઢીને એવો સાક્ષાત્કાર થઈ રહ્યો છે કે જીવન હવે ક્ષણભંગુર છે. મોરાલિટી-નૈતિકતાને વળગી રહેવાનો હવે કોઈ અર્થ નથી રહ્યો એટલે ‘હાથે એ સાથે’ એ મુજબ જે પણ જીવન મળ્યું છે એને માણી લો…
આવો અભિગમ- તાસિર કેળવી રહેલાં જુવાન હૈયાંને મન તો આ ‘ઑનેસ્ટિ બોમ્બિંગ’ જ એમનાં માટે બની રહ્યું છે ‘ન્યુ નોર્મલ’!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button