આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની છેઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત અપક્ષ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ કરી દીધું છે. આજે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ તેઓએ પૂર્વે પોરબંદર શહેરમાં આવેલા ભાવેશ્વર મંદિર ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિર અને સુદામા મંદિર ખાતે દર્શન કર્યા હતા. ત્યાર બાદ સુદામા ચોકમાં આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં બંને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને જનસભાને સંબોધી હતી.
મનસુખ માંડવીયાએ રિટર્નિંગ ઓફિસરને ઉમેદવારી પત્ર સબમિટ કરતા પહેલા, પોરબંદરના સુદામા ચોકથી કમલા બાગ સુધીના 2 કિમી સુધીનો રોડ શો યોજ્યો હતો. માંડવીયાએ સભાને સંબોધતા એવું જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડવા માટે આવ્યો નથી લોકોના દિલ જીતવા માટે આવ્યો છું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ મારા નામાંકનમાં સમર્થન આપ્યું છે.
પોરબંદરના સુદામા ચોક ખાતે એક સભાને સંબોધતા માંડવીયાએ કહ્યું કે આ સામાન્ય ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની છે. તેમણે કહ્યું કે, જ્ઞાન (GYAN)- ગરીબ, યુવાનો, અન્નદાતા (ખેડૂતો) અને નારી શક્તિ (સ્ત્રીઓ)ના કલ્યાણ માટે મોદીના પ્રયાસોને ધ્યાનમાં રાખીને ચારેય પ્રસ્તાવકર્તાઓ (નોમિનેશન માટે) આ ચાર કેટેગરીના રાખવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે ‘મારા ફોર્મ પર સહી કરનાર કુલ ચાર દરખાસ્તોમાંથી એક માછીમાર પરિવારની મહિલા હતી, જેમના પતિ સરકારી યોજના હેઠળ લોન દ્વારા નવી બોટ ખરીદવામાં સફળ રહ્યા હતા.બીજી મહિલા પ્રસ્તાવક એક ગરીબ મજૂર છે જેને સરકાર તરફથી મકાન મળ્યું છે.” ત્રીજો સમર્થક ખેડૂત છે જેને સરકાર તરફથી દર વર્ષે 6,000 રૂપિયા મળે છે, જ્યારે ચોથો પ્રસ્તાવક યુવક છે જે સરકારની આર્થિક સહાયથી ડૉક્ટર બન્યો છે. એજ્યુકેશન લોન અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું, સરકારી યોજનાઓના લાભાર્થી હોવાને કારણે તેઓ બધા પીએમ મોદીના પ્રતિનિધિ છે. આ ચૂંટણી મોદીજીને ત્રીજી વખત પીએમ બનાવવાની છે.’
મૂળ ભાવનગરના વતની એવા માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપને મળેલો દરેક મત આગામી પાંચ વર્ષ માટે વિકાસની ગેરંટી છે,પોરબંદરમાં મનસુખ માંડવિયાએ રોડ શો કર્યો તેમાં માજી ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને માજી મંત્રી દર્શના જરદોશ સહિત મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ આ જોડાયા હતા.વિશાળ રેલી સ્વરૂપે મનસુખ માંડવિયા જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને 12.39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાને તેમણે ઉમેદવારીપત્ર સોંપ્યું હતુ.