તરોતાઝા

અમર ફળ ઉર્ફે આંબોખરેખર તન, મન અને પર્યાવરણ માટે ઉપયોગી

કવર સ્ટોરી – મુકેશ પંડ્યા

પુરાણોમાં આંબાને અમર ફળ' કહીને નવાજવામાં આવ્યો છે.અમર ફળ’ પરથી અપભ્રંશ થઈને બનેલા `આમ્રફળ’ના દરેક અંગ જેમ કે છાલ, ગર્ભ, ગોટલી તો માનવજાતને ઉપયોગી છે જ પરંતુ આંબાનાં પાન અને થડ પણ એટલાં જ ઉપયોગી છે. પૂજા-પાઠનો પ્રસંગ હોય કે સત્યનારાયણની કથા, મહારાજ પાણીથી ભરેલા તાંબાના કળશ પર આંબાનાં પાંચ પાન અવશ્ય મૂકે પછી તેના પર શ્રીફળ ગોઠવે. વાતાવરણમાંથી હકારાત્મક તરંગો શ્રીફળની માફક આંબાના પાન પણ ખેંચી શકે છે. મહારાષ્ટ્રિયનો ગૂડીપડવાના દિવસે જે ગૂડી બાંધે છે એમાં લીમડાનાં પાન સાથે આંબાનાં પાન પણ હોય છે.

લગ્ન પ્રસંગ કે અન્ય અવસર પર ઘરના બારણે આંબાનાં પાનનું તોરણ અવશ્ય બંધાય છે. આંબાનાં પાન માત્ર હકારાત્મક તરંગો જ ખેંચી નથી લાવતાં, વાતાવરણમાં ગરમીનું નિયમન કરવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. આમ તો દરેક વૃક્ષ પૃથ્વી અને વાતાવરણનું ઉષ્ણતામાન જાળવવામાં મદદરૂપ થાય જ છે, પરંતુ અગાઉના લેખોમાં જણાવ્યું હતું તેમ કેસુડો, બીલી, ગુલમહોર, આંબો અને લીમડો જેવાં વૃક્ષો જ્યારે આપણને જરૂર હોય ત્યારે એટલે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખરા અર્થમાં મદદરૂપ થાય છે. આ ઋતુમાં પડતો સૂર્યનો આકરો પ્રકાશ અને ગરમી પોતે ઝીલીને તેનું ફૂલ કે ફળમાં રૂપાંતર કરતાં હોય છે અને માનવજાતને ઠંડક પ્રદાન કરતાં હોય છે.

હોળીના દિવસે નવા જન્મેલા બાળકોને આંબાનો મ્હોર પાવાનો રિવાજ છે. એ પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. આવનારી ગરમી અને લૂ'થી થતાં દર્દોથી બાળકનું રક્ષણ થાય એવો આશય આ રિવાજ પાછળ હોય છે. ભરબપોરે પણ બાળકો આંબા કે લીમડા નીચે રમતાં હોય તો ઠંડક જ લાગે. આયુર્વેદમાં પણ કેરીની ગરમીનો પ્રતિકાર કરતી ઔષધિ તરીકે જ ગણના થાય છે.આરોગ્યની બારમાસી’ના લેખક વૈદ્ય `ચિકિત્સક’ જણાવે છે કે આજના ઔષધશાસ્ત્રી તો કેરીને ગ્રીષ્મઋતુનું ઊંચા પ્રકારનું ઔષધ જ માને છે. કેરીમાં એવા ગુણો છે જે ગરમ ઋતુના દોષોને દૂર કરી મનુષ્યને પોષણ અને બળ આપી નિરોગી રાખે છે. ભારત જેવા ગરમ પ્રદેશમાં ગરમીની ઋતુમાં કેરીનું આગમન થાય છે એ ખરેખર કુદરતે આપણા પર કરેલો મોટો ઉપકાર જ છે.

એક સર્વેક્ષણ પ્રમાણે યુવાનોને સહુથી વધુ સતાવતો રોગ એટલે એસિડિટી. એમાં પણ આજના ઈન્સ્ટન્ટ અને જંક ફૂડ આરોગતા હોય તેમનામાં પિત્તવર્ધક રોગનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આવા સંજોગમાં કેરીનું વિવેકપૂર્ણ સેવન અમૃત બનીને કામ આપે એમાં કોઈ શંકા નથી. કેરી ગરમીથી થતા તાવ, મરડો, કબજિયાત, લૂ-લાગવી વગેરે બીમારીથી પણ રક્ષણ આપે છે.

લીવરના દોષો, કમળો કે આંતરડાની ગરમીના દર્દોમાં પણ કેરી અને કેરીની ગોટલી ખૂબ જ ઉપયોગી છે. લીવરને જે તત્ત્વોની જરૂર પડે છે તેવા તૂરાં અને ખાટા-મીઠાં રસવાળા તત્ત્વો કેરીમાંથી મળી રહે છે. ક્ષયના અનેક પ્રકારોમાં આમ્રપ્રયોગ પણ મહત્ત્વની ઔષધિ સાબિત થાય છે.
ઘણાં લોકો કેરીને વાયુકર્તા માને છે. પરંતુ અગાઉ કેરી ખાવાની જે પદ્ધતિ હતી તે ખૂબ જ સારી હતી. કેરીને થોડો સમય પાણીમાં પલાળી, પછી ઘોળીને ચૂસીને ખાવાથી કેરી ખાવાનો આનંદ તો મળે જ છે સાથે વાયુકારક બનતી નથી. અત્યારે આપણે કેરીને કાપીને રાખીએ છીએ કે પછી રસ કાઢીને રાખીએ છીએ પછી તેનું સેવન કરીએ છીએ એ વાયુકારક બની શકે ખરો, પરંતુ કેરીના રસમાં સૂંઠ અને ઘી ભેળવીને ખાવામાં આવે તો વાયુની અસરને ઘણા અંશે નાબૂદ કરી શકાય.

આમ્રવૃક્ષનાં લાકડાં પણ હવન-યજ્ઞ કાર્યમાં સમિધ તરીકે વાપરવામાં આવે તો વાતાવરણમાં ઠંડક શુદ્ધિ ફેલાવવામાં નિમિત્ત બની શકે છે.
આમ, પોતાનું અંગેઅંગ માનવજાત માટે ન્યોછાવર કરતો આંબો, આંબો વાવનારા અને તેનું રક્ષણ કરનારા પૂર્વજો તેમ જ આંબાને ધાર્મિક ક્રિયા, પૂજા અને સામાજિક પ્રસંગો સાથે સાંકળી લેનાર ઋષિમુનિઓને કોટિ કોટિ પ્રણામ.

કેરીની જ વાત નીકળી તો એક આડ વાત કહેવાનું મન થાય છે. આજે તમે કોઈને પણ પૂછશો તો એમ જ કહેશે કે આ વખતે કેરી ખાવાની મજા ન આવી. પૈસા ખર્ચીનેય સારી ગુણવત્તા ધરાવતી કેરી નથી મળતી. કેરીમાં જે અસલી સ્વાદ અને કુદરતી મીઠાશ છે એ માણવા મળતાં નથી.
ઉતાવળે આંબા ન પાકે' કેધીરજના ફળ મીઠાં હોય છે.’ આવી ઉક્તિઓ કહેવતમાં જ સ્થિર થઈ ગઈ છે. આજના ધંધાદારી યુગમાં આ કહેવતનો અમલ થાય છે કે નહિ એ એક શંકાનો વિષય છે. માત્ર કેરી જ નહિ કોઈ પણ ફળ એની સિઝન પહેલાં માર્કેટમાં દેખાવા લાગે છે. ફળ ઝાડ પર પરિપક્વ થાય પછી જ તોડવા જોઈએ. કેરીની સાખ પડે, એક બે કેરી પીળી દેખાવા લાગે, તેનું બહારનું પડ નરમ કપડે અને આપોઆપ નીચે પડે ત્યારે જ કેરી પાડવાની હોય. પરંતુ આજે તો કેરી વેચવાનો અને નિકાસ કરવાનો ધંધો થઈ ગયો છે.

આમાં જરૂર કરતાં વહેલી કેરીઓ ઉતારીને, પછી રસાયણથી કૃત્રિમ રીતે પકાવવામાં ક્યાંક કુદરતના નિયમનું ઉલ્લંઘન તો થતું નથી ને? ખરેખર તો કેરી વૈશાખ-જેઠનું ફળ છે. પણ શહેરોમાં તો ચૈત્ર મહિનામાં જ દેખાવાની શરૂઆત થઈ જાય છે. અરે, કેટલાંક સ્ટેટસ સિમ્બોલ ધરાવતા ધનિકો તો ફાગણમાં હોળી પછી તરત જ સરસ આકર્ષક બૉક્સમાં કેરીઓની ભેટ આપી વટ પાડવાનો પ્રયત્ન કરતાં હોય છે. પછી ભલે અંદરથી કેરી ખાટી બટ્ટ નીકળે. કુદરત ઋતુ પ્રમાણે જ અલગ અલગ ફળનું ઉત્પાદન કરતી હોય છે. જે તે ઋતુની અસરથી બચવા તે પ્રકારના ફળો ઉત્પન્ન થતાં હોય છે. આજે કોઈ પણ ઋતુમાં કોઈ પણ ફળ મળે એ ખરેખર પ્રગતિ કહેવાય કે અધોગતિ?

ફળોને સમય કરતાં વહેલાં ઉતારી લેવાથી વૃક્ષના માતૃત્વ પર કારમો ઘા તો નહિ પડતો હોય ને? નવ મહિના પછી સંપૂર્ણ વિકસિત બાળક દુનિયામાં આવે તે સારું કે અધૂરા માસે અથવા તો ધીરજ અને સહનશક્તિના અભાવથી સિઝેરિયનથી બાળક અવતરે એ સારું? ફળોને ઝડપથી પકાવવા રસાયણોનો ઉપયોગ જરૂરી જ છે કે પછી કુદરતી સૂર્યપ્રકાશ અને ગરમીનો ઉપયોગ કરી વૃક્ષ પોતે જ પોતાના બાળકોને પરિપક્વ બનાવે તે વધુ હિતકારક છે? ફળ પકાવવાની વૃક્ષની પ્રક્રિયામાં વાતાવરણમાં ઉષ્ણતામાનનું પ્રમાણ ઘટે છે, પરંતુ એ જ પ્રક્રિયા રસાયણથી થાય અને વૃક્ષો બિચારા સૂર્યપ્રકાશ અને ગરમીનો ઉપયોગ કરી જ ન શકે તે કારણે પણ ગ્લોબલ વોર્મિંગના આ જમાનામાં ગરમી વધતી હશે? ખેતી નિષ્ણાતો, ખેડૂતો કે ફળોના વેપારીઓ આ બાબત પર કંઈ પ્રકાશ પાડી શકે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…