બાન્દ્રામાં ગોળીબાર કરનારા શૂટર્સ મહિનાથી પનવેલમાં રહેતા હતા
ગુનામાં વપરાયેલી બાઈકના મૂળ માલિક, પનવેલના મકાનમાલિકની પૂછપરછ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રામાં અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરનારા બન્ને શૂટર્સ એક મહિનાથી નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં ધામા નાખીને બેઠા હતા. પનવેલમાં જ રહેતા બાઈકના મૂળ માલિક સહિત મકાનમાલિકની પણ ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી હતી.
ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર કરી ફરાર થઈ ગયેલા એક શૂટરને મુંબઈ પોલીસે કાલુ ઉર્ફે વિશાલ તરીકે ઓળખી કાઢ્યો હતો. જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈની ગૅન્ગ માટે કાલુ શૂટર તરીકે કામ કરતો હોવાનું તપાસમાં જણાયું હતું.
દરમિયાન ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલી બાઈક પોલીસને બાન્દ્રાના માઉન્ટ મૅરી ચર્ચ નજીકથી મળી આવી હતી.
બાઈકના રજિસ્ટ્રેશન નંબર પરથી તેનો માલિક નવી મુંબઈના પનવેલ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પનવેલ પહોંચી બાઈકના માલિક અને બાઈક વેચવામાં મદદ કરનારા એજન્ટની પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બાઈકના માલિકે થોડા દિવસ અગાઉ જ બાઈક વેચી નાખી હતી. એ બાઈક શૂટરોએ ખરીદી હતી. બન્ને શૂટર પનવેલના હરિગ્રામ પરિસરમાં એક મહિનાથી ભાડેની રૂમમાં રહેતા હતા. નોંધનીય છે કે સલમાન ખાનનું ફાર્મ હાઉસ પણ પનવેલમાં આવેલું છે. પોલીસે હરિગ્રામ સ્થિત રૂમના માલિકની પૂછપરછ કરી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ કેસમાં સોમવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નહોતી કે કોઈને તાબામાં પણ લેવાયા નહોતા. માત્ર આ કેસ સંબંધિત અમુક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.
ગોળીબારની ઘટના બાદ પોલીસે આરોપીઓનું પગેરું મેળવવા માટે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ગોળીબાર કરી આરોપીઓ માઉન્ટ મૅરી ચર્ચ નજીક ગયા હતા. ત્યાં બાઈકને પાર્ક કરી બન્ને થોડે અંતર સુધી ચાલતા ગયા હતા અને પછી રિક્ષામાં બાન્દ્રા રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. બાન્દ્રાથી બોરીવલીની ટ્રેન પકડી બન્ને સાંતાક્રુઝ સ્ટેશને ઊતરી ગયા હતા. બન્ને જણ સ્ટેશન બહાર જતા ફૂટેજમાં નજરે પડે છે.