ફડણવીસના નિવેદનને લઇ ઉદ્ધવ ઠાકરેનું અમિત શાહ પર નિશાન
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાલમાં જ આપેલા નિવેદનનો વળતો જવાબ આપી તેમના પર નિશાન સાધ્યું હતું. હાલમાં જ અમિત શાહે રવિવારે કહ્યું હતું કે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ શિવસેના અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)માં ભાગલા નથી પાડ્યા. અમિત શાહના આ નિવેદનનો જવાબ આપતા ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હાલમાં જ આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ફડણવીસે પોતે બે પક્ષના ભાગલા પાડીને સત્તામાં ફરી આવ્યા હોવાનું જણાવ્યું હતું.
અમિત શાહે દાવો કર્યો હતો કે શિવસેના ભાગલા ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે પ્રત્યેના પ્રેમને કારણે પડ્યા હતા અને એનસીપીમાં શરદ પવારના તેમના પુત્રી સુપ્રિયા સુળે પ્રત્યે પ્રેમના કારણે ભાગલા પડ્યા હતા.
જોકે આ મુદ્દે શાહ પર નિશાન તાકતા ભંડારા જિલ્લાના સકોલી ખાતે રેલીને સંબોધતા ઉદ્ધવે કહ્યું હતું કે અમિત શાહે ભૂલવું જોઇએ નહીં કે તેમના જ સાથીદાર દેવેન્દ્ર ફડણવીસે ઘણા ગર્વથી કહ્યું હતું કે અમે બે પક્ષના ભાગલા પાડીને સત્તામાં પાછા ફર્યા છીએ. શાહ અને તેમના પક્ષના નેતાઓએ એકસરખું રાજકીય વલણ રાખવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે જૂન 2022માં શિવસેનાના ભાગલા પાડ્યા ત્યાર બાદ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકર ભાંગી પડી હતી અને એકનાથ શિંદે જૂથની શિવસેના સાથે મળીને મહાયુતિની સરકાર મહારાષ્ટ્રમાં બનાવી હતી.
અલબત્ત, જુલાઇ 2023માં એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના બે ફાંટા પડી ગયા અને શરદ પવાર સાથે છેડો ફાડીને ભત્રીજા અજિત પવારે પોતાની એનસીપી સ્થાપી, જેને પછીથી ખરી એનસીપી ગણવામાં આવી અને તેને એનસીપીનું ઘડિયાળનું ચિહ્ન પણ સોંપવામાં આવ્યું. આ જ રીતે એકનાથ શિંદેની શિવસેનાને પણ અસલી શિવસેના હોવાનો ચુકાદો અપાયો અને ધનુષ્ય બાણનું ચિહ્ન પણ તેમને ફાળવવામાં આવ્યું હતું.