એકસ્ટ્રા અફેર

ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે યુદ્ધરેખા અંકાઈ ગઈ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાના મુદ્દે ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે યુદ્ધરેખા અંકાઈ ગઈ છે. રવિવારે રાજકોટના રતનપરમાં મળેલા ક્ષત્રિય મહાસંમેલનમાં ક્ષત્રિય આગેવાનોએ ભાજપને પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરવા 19 એપ્રિલની સાંજ સુધીનું અલ્ટિમેટમ આપી દીધું. સાથે સાથે ક્ષત્રિય સમાજે રૂપાલાને નહીં બદલાય તો લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના તમામ 26 લોકસભા બેઠકોની વિરુદ્ધ મતદાન કરવાની ધમકી પણ આપી છે.

ક્ષત્રિય સમાજે રતનપરના મહાસંમેલનમાં લાખોની સંખ્યામાં ઉમટીને શક્તિ પ્રદર્શન કરીને હુંકાર કર્યો છે કે, ભાજપ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર ક્ષત્રિય સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે. સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી ક્ષત્રિયોની નોંધપાત્ર વસતી ધરાવતી બેઠકો પર ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષને મત આપશે. ક્ષત્રિય આગેવાનોએ હુંકાર કર્યો છે કે, અમારે જેટલાં આવેદનો આપવાનાં હતાં એટલાં આપી દીધા છે.

અમારા વડીલોએ જેટલાં નિવેદનો કરવાનાં હતા એટલા કરી દીધાં છે. હવે આર યા પારની લડાઈ છે. 19 તારીખે પાંચ વાગ્યા પછી આ આંદોલન અને ક્ષત્રિયોનો આ ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે પણ લોકસભાની ચૂંટણીમાં રૂપાલા ઉપરાંત ભાજપના બીજા 25 ઉમેદવારોને પણ આ ગુસ્સો ઉડાવી દેશે.

ભાજપે ક્ષત્રિયોના હુંકાર સામે કોઈ પ્રતિક્રિયા નથી આપી પણ રૂપાલા નહીં જ બદલાય એવું સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ભાજપે સત્તાવાર રીતે એલાન કરી દીધું છે કે, રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલ ને મંગળવારે ઉમેદવારી નોંધાવશે. મતલબ કે, આજે તો રૂપાલા ઉમેદવારી કરી દેવાના છે. આ જાહેરાતનો મતલબ એ કે, ભાજપનું વલણ સ્પષ્ટ છે. ક્ષત્રિયોને જે હોંકારા પડકારા કરવા હોય એ કરે કે બીજું જે કંઈ કરવું હોય એ કરે પણ ભાજપ તેમની માગણી સ્વીકારવાનો નથી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ કરવાનો નથી જ. આ સંજોગોમાં હવે ક્ષત્રિય સમાજ પાસે લડી લેવા અને ભાજપને પોતાની તાકાત બતાવવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી.

ભાજપ આ વલણ લઈને બેઠો છે તેનાં ઘણાં કારણો છે પણ સૌથી મોટું કારણ એ છે કે, ક્ષત્રિય સમાજ પાસે ખરેખર એવી તાકાત જ નથી કે ગુજરાતમાં ભાજપને પછાડી શકે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર નહીં પણ પાંચ-સાત લોકસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવારોને હરાવી શકાય એવી તાકાત ક્ષત્રિય સમાજ પાસે હોત તો ભાજપે ક્ષત્રિય સમાજ અલ્ટિમેટમ આપે ત્યાં સુધી રાહ જ ના જોઈ હોત. ભાજપે બહુ પહેલાં રૂપાલાને બદલી નાંખ્યા હોત પણ તેના બદલે ભાજપે ક્ષત્રિય સમાજને અવગણીને રૂપાલાને મહત્વ આપ્યું. તેનો અર્થ એ થયો કે, ક્ષત્રિય સમાજ પોતાને કશું નુકસાન કરી શકે એવી સ્થિતિમાં નથી એવું ભાજપને લાગે છે.

ભાજપની આ માન્યતા ખોટી પણ નથી કેમ કે ગુજરાતમાં જ્ઞાતિના આધારે બનેલી મોટી મતબૅન્કોમાં ક્ષત્રિય સમાજ ક્યાંય આવતો નથી એે વાસ્તવિકતા છે. ગુજરાતમાં સૌથી મોટી મતબૅન્ક ઓબીસી મતદારોની છે. ગુજરાતની વસતીમાં ઓબીસી મતદારોનું પ્રમાણ 50 ટકાની આસપાસ છે. ઓબીસી મતદારો અલગ અલગ જ્ઞાતિઓનો બનેલો છે. ઓબીસી મતદારોમાં પણ સૌથી વધારે મતદાર કોળી અને ઠાકોર સમાજના છે. ગુજરાતના કુલ મતદારોમાં 22 ટકા કોળી હોવાનું કહેવાય છે જ્યારે ઠાકોર સમાજના મતદારોની સંખ્યા 15 ટકાની આસપાસ છે તેથી ગુજરાતના ત્રણેય મુખ્ય પક્ષો ઓબીસીને સૌથી વધારે સાચવે છે.

ગુજરાતમાં મીડિયાનો એક વર્ગ ફલાણી બેઠક પર 50 ટકા ક્ષત્રિય મતદારો છે ને ઢીંકણી બેઠક પર 60 ટકા ક્ષત્રિય મતદારો છે એવું લખીને ક્ષત્રિયોની વસતી મોટા પ્રમાણમાં છે એવી ગેરસમજ ફેલાવે છે કેમ કે તેમને ગુજરાતના સામાજિક જીવન વિશે કશી ખબર નથી, ગુજરાતનાં જ્ઞાતિનાં સમીકરણો વિશે ગતાગમ નથી. મીડિયા જે ક્ષત્રિયોની વાત કરે છે એ ક્ષત્રિય-ઠાકોર સમાજ છે અને આ ક્ષત્રિય-ઠાકોર ઓબીસીમાં આવે છે જ્યારે રૂપાલા સામે પડેલા ક્ષત્રિય રાજપૂત સવર્ણ એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે.

ગુજરાતની વસ્તીમાં પાટીદારોની સંખ્યા લગભગ 20 ટકા છે જ્યારે આદિવાસીઓ લગભગ 14 ટકા છે. મુસ્લિમ વસતી લગભગ 10 ટકા છે જ્યારે દલિત સમાજની વસતી લગભગ સાત ટકા છે. ક્ષત્રિય સમાજ આ બધાં પછી આવે છે. ક્ષત્રિય નેતાઓનો દાવો છે કે, તેમની વસ્તી આઠ ટકા જેટલી છે પણ વાસ્તવમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજની વસતી પાંચ ટકાની આસપાસ છે. ગુજરાતની સાત કરોડથી વધુની વસ્તીમાં રાજપૂત-ક્ષત્રિય સમાજની વસતી 35 લાખની આસપાસ છે.

ગુજરાતમાં ક્ષત્રિયોની વસતી ઓછી છે તેથી તેમનો રાજકીય પ્રભાવ નહિવત છે. લોકસભાની એક પણ બેઠક પર ક્ષત્રિય રાજપૂતોના મતો નિર્ણાયક નથી. કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી લોકસભા બેઠકો પર ક્ષત્રિયોની નોંધપાત્ર વસતી છે પણ આ વસતી એટલી નથી કે, ભાજપના ઉમેદવારને હરાવી શકે કે કૉંગ્રેસના ઉમેદવારને જીતાડી શકે. ભાવનગર અને કચ્છ લોકસભા બેઠકમાં લગભગ ત્રણ લાખ જેટલા ક્ષત્રિય મતદારો હોવાનું મનાય છે જ્યારે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય મતદારોની સંખ્યા બે લાખની આસપાસ હોવાનું મનાય છે.

આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, જામનગર, આણંદ, ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ લોકસભા બેઠકો પર ક્ષત્રિય રાજપૂત મતદારોની સંખ્યા એક લાખથી બે લાખની વચ્ચે હોવાનું મનાય છે. એક લોકસભા બેઠક પર 20 લાખથી વધારે મતદારો હોય છે એ જોતાં બે લાખ મતદારો સાગમટે એક તરફ ઢળે તો કંઈ ફરક ના પડે. આ કારણે જ ભાજપ ક્ષત્રિય સમાજને ગણકારતો નથી અને ભાજપને ક્ષત્રિય સમાજની ધમકીની પરવા નથી.
ભાજપના વલણ પછી ક્ષત્રિય સમાજ માટે વટનો સવાલ આવીને ઊભો રહી ગયો છે. ક્ષત્રિય સમાજ હવે રૂપાલાને હરાવી બતાવે તો તેને મહત્વ મળે, બાકી હવે પછી કોઈ તેમનો ભાવ પણ નહીં પૂછે. ક્ષત્રિયોનાં સદનસીબે કૉંગ્રેસે પરેશ ધાનાણીને રાજકોટ લોકસભા બેઠક પરથી ઉતાર્યા પછી ક્ષત્રિય સમાજ પાસે રૂપાલાને હરાવીને ભાજપને ચમત્કાર બતાવવાની તક આવી ગઈ છે.

ધાનાણી લેઉઆ પાટીદાર છે જ્યારે રૂપાલા કડવા પાટીદાર છે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. ક્ષત્રિય આગેવાનો ધાનાણીની તરફેણમાં એકતરફી મતદાન કરાવે તો ભાજપના ગઢ રાજકોટમાં ધાનાણી રૂપાલાને હરાવી શકે છે. ક્ષત્રિય સમાજ બીજી બેઠકો પર ભાજપને હરાવી શકે તેમ નથી પણ રૂપાલાને જ હરાવી દે તો પણ તેમનું નાક સાવ વઢાતું રહી જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button