લાડકી

કેરોલિના રીપરપ્રકરણ-૬

લાઇફમાં હવે ચિયર્સ જેવું કંઈ બચ્યું નથી

પ્રફુલ શાહ

પછી ગૌરવ પુરોહિત જે બોલતો ગયો એ સાંભળીને વિકાસને પોતાના કાન પર વિશ્ર્વાસ ન બેઠો: મોના આવું કરી શકે?

ખાર પોલીસ સ્ટેશને મોના લાપતા હોવાની ફરિયાદ લખાવીને ઘરે આવ્યા બાદ વિકાસનું મન અંજપો અનુભવી રહ્યું હતું. “શા માટે? શા માટે મોના આવું કરે છે જીજુ સાથે? પોતે જ જીદ કરીને લવ-મેરેજ કર્યા પછી વાંધો આવ્યો ક્યાં?
એક શિક્ષિત, આઈ.ટી. એન્જિનિયર્સ અને એથિકલ હેકર તરીકે વિકાસ ખૂબ વ્યસ્ત રહેતો હતો, પરંતુ અત્યારે કામમાં જરાય મન ચોટતું નહોતું. “પહેલેથી જ સૌને ખબર હતી કે મોનાનો સ્વભાવ એકદમ અલગ હતો. ઉછાંછળી કહી શકાય એ હદની બિન્દાસ હતી. એને રોકટોક જરાય ન ગમે. મસ્તી, પાર્ટી અને બેફિકરાઈથી જીવવું ગમે. ક્યારેક પપ્પા, મમ્મી કે પોતે ટોકે તો પણ મોઢું તોડી લેવામાં બેવાર વિચારતી નહીં. હકીકતમાં તો જીજુના પ્રેમમાં નહોતી. એના પ્રોફેશનના ગ્લેમર ભણી આકર્ષાઈ હતી. મોટા મોટા લોકોને મળવું, એમના તરફથી મળતા માનપાન, ન્યૂઝ પેપરમાં છપાતું નામ અને નામાંકિતોની પાર્ટીમાં આમંત્રણ એ બધાથી મોના અંજાઇ ગઈ હતી, પણ એમાં જીજૂનો શો વાંક? એ તો એકદમ જેન્ટલમેન છે, કેરિંગ છે. સાસરિયામાં ય બધી ફ્રિડમ આપી. કહો કે વધુ પડતી છૂટછાટ આપી. મોનાએ ક્યારેય પોતાના સિવાય બીજા વિશે ન વિચાર્યું.
પોતાની બહેન વિશે આવું વિચારવું ગમતું નહોતું પણ હકીકતને કેવી રીતે ટાળી શકાય? વિકાસને આઠ મહિના અગાઉ જીજાજી સાથે લીધેલી ડ્રિન્કવાળી ઘટના યાદ આવી ગઇ. ન્યૂઝ પેપરમાં ફ્રન્ટ પેજ પર ગૌરવ પુરોહિતની બાયલાઈન જોઈને વિકાસે અભિનંદન આપવા ફોન કર્યો, તો ગૌરવે ડિનર પર બોલાવી લીધો. વિકાસે આગ્રહ કર્યો કે પ્રેસ ક્લબમાં મળીએ પણ ગૌરવ ધરાર તૈયાર ન થયો. મેટ્રો સિનેમાની પાછળના એક નાનકડા બારના ફેમિલી રૂમમાં બંને બેઠા. સાવ એકલા. ઓર્ડર કરીએ એ સિવાય કોઈ ડિસ્ટર્બ ન કરે એવી સૂચના ગૌરવે નીચે કાઉન્ટર પર આપી દીધી.
વિકાસને થોડું વિચિત્ર લાગ્યું. એને થયું કે ફ્રન્ટ પેજ સ્કુપના સેલિબ્રેશન માટે બંને ડિનર પર મળ્યા છે. પણ ગૌરવ વધુ પડતો ગંભીર દેખાયો. વ્હિસ્કીના ગ્લાસનું ચિયર્સ કરીને ગૌરવે ગ્લાસ નીચે મૂકી દીધો. “લાઈફમાં હવે ચિયર્સ જેવું કંઈ બચ્યું નથી.
“શું થયું જીજીં? ઓફિસ પોલિટિક્સ?
“ના, એ બધું તો ફોડી લઈએ. તારી બહેન મોના શાંતિથી જીવવા દેતી નથી…
પછી ગૌરવ પુરોહિત જે બોલતો ગયો એ સાંભળીને વિકાસને પોતાના કાન પર વિશ્ર્વાસ ન બેઠો. “મોના આવું કરી શકે?


“કરંદીકર, તારો સીએમ એક કાંકરે બે પક્ષી મારી ગયો. ગૃહ ખાતું પોતાની પાસે છે એ ફરી સાબિત કરી દીધું. રાયગઢનો પોલીસ વડો વિવેક મોરે મારા ઇશારે ચાલશે એ એને ખબર હતી. એટલે એટીએસને વચ્ચે લાવ્યો. મહારાષ્ટ્રનો એટીએસ હેડ કૌશલ નાગરે એનો વિશ્ર્વાસુ છે, વિશ્ર્વનાથ આચરેકરે વ્હિસ્કીનો અડધો ભરેલો ગ્લાસ ટેબલ પર પછાડતા આકરો વસવસો વ્યક્ત કર્યો.
નિશિથ કરંદીકરે ગજવામાંથી રૂમાલ કાઢીને હાથ પર ઉડેલા વ્હિસ્કીના છાંટા સાફ કર્યા. “સર, એ પોતાની ચાલ ભલેને ચાલ્યા. તમે તો સોગઠી મારવામાં કેટલા ઉસ્તાદ છો એ સૌ જાણે છે. આપના મગજમાં ય કંઈક તો હશે જ ને? એમાં મારે જે કરવાનું હોય એના માટે માત્ર હુકમ છોડી દેજો.
માંડમાંડ ગ્લાસ હાથમાં ઉપાડીને મોઢાં સુધી લઈ જતા આચરેકરે એક સામટા ત્રણ-ચાર અપશબ્દો ઉચ્ચાર્યા. “મને છંછેડ્યો છે તો હવે હું શેનો શાંત બેસું. જો ધ્યાનથી સાંભળ. સીએમને જ નહીં એટીએસ ચિફને પણ ખબર પડી જવી જોઈએ કે આ વિશ્ર્વનાથ આચરેકર ચીજ શું છે?
આટલું બબડીને એ ટેબલ પર ગ્લાસ મૂકવા જરાક નમ્યો તો એકદમ નીચે ગબડી પડ્યો. બે પળ ગુસ્સા અને સ્મિત સાથે એની સામે જોઈ રહ્યા બાદ પરાણે ફરજ નિભાવવા માટે નિશિથ આગળ વધ્યો. પડવા છતાં આચરેકરની કેસેટ ચાલું હતી, “એક એકને જોઈ લઈશ. હું એક એકને…


એટીએસના રાયગઢ એકમના ઇનચાર્જ અને આસિસ્ટન્ટ કમિશનર પરમવીર બત્રાનીનો કાફલો મુરુડ પોલીસ સ્ટેશને આવીને ઊભો રહ્યો. પરમવીર બત્રા સાથેના પાંચ જણાને ઈશારો કરીને એકલા નીચે ઊતર્યા. તેઓ આસપાસ જોતા-જોતા ઈનચાર્જ પ્રશાંત ગોડબોલેની કેબિન બહારની નેઈમ પ્લેટ જોઈને મર્માળુ હસ્યા. હળવેથી ટકોરો મારીને દરવાજો ખોલીને અંદર ડોકિયું કર્યું. “અંદર આ જાઉ જી?
ફાઈલમાંથી ઊંચું જોઈને ગોડબોલે એકદમ ઊભા થઈ ગયા. તરત જ આગળ વધીને હળવા સ્મિત સાથે બોલ્યા, “પ્લીઝ, પ્લીઝ. વેલકમ સર.
બત્રા બરાબર ગોડબોલેની સામેથી ખુરશી પર બિરાજમાન થયા પણ ગોડબોલે ઊભા જ રહ્યા. “અરે બૈઠોજી. નો ફોર્માલિટી. હમ તો આપકી મદદ માંગને આયે હય જી.
ગોડબોલે અચકાટ સાથે બેઠા. અંદરથી ગભરામણ હતી. આજ સુધી એટીએસ વિશે સાંભળ્યું, વાંચ્યું હતું. મુરુડમાં અગાઉ ક્યારેય મોટો કાંડ થયો નહોતો કે એટીએસ પિક્ચરમાં આવે. ગોડબોલે થોડો ટટ્ટાર બેઠો. એ જોઈને બત્રા હસી પડ્યા, “અરે રિલેક્સ હોકર બૈઠો જી.
‘આઈ એમ ફાઈન સર,’ ‘થેન્ક્યુ.’
“હમમ. એક કામ કરતે હૈ જી. પહેલે બતાઓ કિ હમે ક્યાં પીલાઓગે જી?
“સર, જો આપ કહે?
“આપ ક્યાં પસંદ કરતે હો પીના, ઈસ વક્ત?
“ચાય.
“કૈસી.
“એકદમ સ્ટ્રોંગ, મસાલેવાલી, ઔર કમ સક્કર ઔર દૂધવાલી.
“અરે વાહ, એક વહ મંગાઓ ઔર બેસ્ટ લસ્સી મંગાવો. ઉપર મલાઈ, કેસર, ડ્રાયફ્રૂટ મારકર. ઠીક હયજી?
ગોડબોલેએ બેલ મારીને હવાલદારને ઝડપભેર ચા-લસ્સી લાવવાની તાકીદ કરી.
“વેરી૨ ગુડ જી. અબ દેખો મુરુડ બૉમ્બ બ્લાસ્ટ બારે મેં આપ જો જાનતે હો વો સબ મુઝે બતાઓજી. સબ કા સબ ક્યોં કિ મેં ઇસ મામલે મેં ઠહરા પૂરા કા પૂરા અજ્ઞાની. આટલું કહીને બત્રા એકદમ ખડખડાટ હસી પડ્યા.
પ્રશાંત ગોડબોલેએ પોલીસ સ્ટેશને આવેલા ફોનથી લઈને વિગતો આપવાની શરૂઆત કરી. વચ્ચે જરાય ચૂં કે ચા કે હસ્તક્ષેપ કર્યા વગર બત્રા એકચિત્તે બધું સાંભળતા રહ્યા. દશેક મિનિટમાં વાત પૂરી થવામાં હતી ત્યાં હવાલદાર એક મોટી ડિશમાં ચાનો કપ અને લસ્સીનો ગ્લાસ લઈને આવ્યો. તેણે લસ્સીવાળો ભાગ પરમવીર બત્રા અને ચાવાળો ભાગ પ્રશાંત ગોડબોલે તરફ મૂક્યો. બત્રાએ એની સામે જોયું. ધીમેથી ‘થેન્ક યુ’ કહ્યું ને ઉમેર્યું “થોડા ઠહરાના જી.
પ્રશાંતે લસ્સીનો ગ્લાસ ઉપાડીને પરમવીર સામે ધર્યો. પરમવીર હસવા માંડ્યા. “નહીં જી નહીં. યે આપ કે લિએ હય જી.
“ક્યાં સર?
“હા, આપ હમારી લસ્સી પીઓ ઔર હમ આપકી પસંદ કી ચાય પીએંગે જી.
પછી ચાનો કપ ઉપાડીને બત્રાએ અડધી ચા હવાલદાર તરફ લંબાવી. “લો હમેં કંપની દોંગે ન જી? હવાલદાર અચકાયો પણ ગોડબોલેના ઇશારા બાદ રકાબી લઈ લીધી. વો ક્યાં હૈ ના ચાય તો આધી, કિસી કે સાથ હી પીને મેં મજા હય જી.
બન્ને બત્રાને જોઈ રહ્યા. પણ એ તો ચાની ચૂસકી પીવામાં મશગૂલ થઈ ગયા. હવાલદાર ફટાફટ ચા પીને રકાબી સાથે બહાર નીકળી ગયો.
ગોડબોલેએ લસ્સીનો ઘૂંટડો ભર્યો. એને સારું લાગ્યું. “સર થેન્કસ ફૉર લસ્સી
“કમાલ કરતે હો જી. લસ્સી ભી તો આપ કી હી હય જી. ઉસમેં મુઝે કૈસા થેન્કસ જી?
“સર, ખૂબ લાંબા સમય બાદ લસ્સી પીધી અને ખૂબ સારું લાગ્યું. મસ્ત ઠંડક લાગી પેટમાં.
“દેખો ભાઈ, અસલી બાત હય ચાહ કી જી. ફિર આયા કુછ પીના, પીલાના… કૈસે એક દૂસરે સે મિલ ગયે ના જી?
ગોડબોલેને ગમ્યું. તેણે હસીને માથું હલાવીને ‘હા’ પાડી. બત્રાએ કપ નીચે મૂક્યો. એ જોઈને ગોડબોલે ઝડપભેર લસ્સી પીવા માંડ્યો. “આરામ સે, આરામ સે જી. મૈં પ્લેન થોડા હું જો ઉડ જાઉંગાજી?
લસ્સીનો ગ્લાસ મૂકીને ગોડબોલેએ રૂમાલથી હોઠ લૂછ્યા, પછી બત્રા સામે જોયું.
બત્રાએ બે હાથ હળવેકથી ટેબલ પર ફટકાર્યા. “એકદમ ફ્રેશ કર દિયાજી આપ કી ચાયને. અબ શાયદ દિમાગ ભી જ્યાદા ચલેગા જી.
“સર, ઔર ક્યાં જાનના હૈ. આપકો?
“ઔર ક્યાં બાકી હય? સબ કુછ આપને બહુત અચ્છે સે બતાયા જી. વેરી વેરી ગુડ વર્ક જી.
એટીએસને કેસ સોંપાયા પછી મનમાં પેઠેલા ફફડાટનું સંપૂર્ણ બાષ્પીભવન થવાથી ગોડબોલે એકદમ હળવો થઈ ગયો. “થેન્ક યુ, પ્લીઝ કંઈ પણ કામ હોય તો કહેજો સર.
“કામ હોય તો? અરે આ કામ તમારું જ છે… સમજી લો કે આતંકવાદીઓ પોતાનું રાજકારણ રમે છે. હિંસાનું અને વેરનું રાજકારણ. આપણા નેતાઓ પોતાનું રાજકારણ રમતા હોઈ શકે. આપણે બન્નેએ તો એક જ કામ કરવાનું છે. તપાસ કરીને ગુનેગાર પકડવાનું. સમજ ગયે જી?
“પણ સર હવે કેસ એટીએસ પાસે છે ને?
“પણ ભાઈ, આ વિસ્તાર તમારો છે. તમારા વગર હું શું કરી શકું? તમે સતત સાથે ને સાથે જ હશો. શું સમજ્યા જી? આ એકલા તમારું કે એકલા મારું કામ નથી. બરાબર ને જી?


મહાજન પરિવારના લાંબા ઈતિહાસમાં ક્યારેય પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાનો વારો આવ્યો નહોતો. આકાશ મહાજન લાપતા હોવાની ફરિયાદ લખાવાયા બાદ ઘરમાં એક પ્રકારની બેચેની અને અજંપો છવાઈ ગયા હતા, જે ડર-ફફડાટને છુપાવવાનું આવરણ હતું.
માલતીએ કિરણને હિમ્મત બંધાવી. “બેટા, તું જરાય મન પર લેતી નહીં. મને ગળા સુધી ખાતરી છે કે આમાં તારો જરાય વાંક નથી. હોઈ જ ન શકે. આકાશ બાળપણથી છે જ તોફાની, ન સમજાય એવો.
કિરણ કંઈ ન બોલી, ન બોલી શકી. મમતાએ એનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. “ભાભી, ભાઈના રૂમમાં ચેક કરી જુઓ. કદાચ કોઈ ઉપયોગી જાણકારી મળે.
“ના, ના. તેમણે એ રૂમમાં મારા માટે નો એન્ટ્રી જાહેર કરી હતી. કહેતા કે એ મારી અલગ દુનિયા છે. એકલાની દુનિયા છે. ક્યારેય એમાં પગ ન મૂકતી મને પૂછ્યા વગર.
“પણ બેટા સવાલ એની સલામતીનો છે. આમાં તું ક્યાં આદેશ આપે છે. જા આકાશની મમ્મી તને પરમિશન આપે છે, ઓર્ડર આપે છે.
મમતાએ પણ આંખથી આજીજી કરી. કિરણ પરાણે ઊભી થઈ. તે આકાશના પર્સનલ રૂમના દરવાજે પહોંચી. હેન્ડલ પર હાથ લગાવ્યો તો ડર લાગ્યો કે હમણાં આકાશ ત્રાડ પાડશે. તેણે માંડમાંડ દરવાજો ખોલ્યો. અંદર નજર નાખતા જાણે પોતે કોઈ અલગ જ ગ્રહ જોતી હોય એવી લાગણી થઈ. બેડ નજીકના ટેબલ પર થોડા કાગળિયા હતા. ફોનના બિલ, ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટ, ધંધાના પેપર્સ વગેરે. તેણે કબાટ ખોલ્યો. એનાં વૉર્ડરોબમાં આડેધડ કપડાં લટકતા હતા. આમાંથી અમુક શર્ટ-પેન્ટ કિરણે ક્યારેય જોયા નહોતા. અમુક શર્ટ-પેન્ટ, સ્પ્રે, બેલ્ટ હજી પેક હતા. કદાચ કોઈએ આપેલી ગિફ્ટ હશે. એક નાના ડ્રોઅરમાં કફલીન્ક, વીંટી, બ્રેસલેટ દેખાયા. “આ બધું આકાશ પહેરતો હશે ખરો?
કબાટ બંધ કરીને એ પલંગ પર બેસવા ગઈ. અચાનક અટકી ગઈ, જાણે આકાશ જોતો ન હોય. અર્ધ-ગોળાકાર ફરીને તે ટિપૉય પાસે આવી. એનું ધ્યાન નીચેના ડ્રોઅર પર ગયું. તેણે આંગળીથી ડ્રોઅર ખોલ્યું. અંદર જે દેખાયું એ જોઈને કિરણ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, ડઘાઈ ગઈ. એ બે ડગલા પાછળ હટી ગઈ. એ ત્યાં જ ફસડાઈને બેસી પડી ને આંખમાં આંસુ વહેવા માંડ્યા. માથું ફાટફાટ થવા માંડ્યું. તેણે બે હાથે માથું પકડી લીધું. એને થયું કે પોતે મોટેથી ચીસ પાડે. પણ અવાજ ગળામાં જ અટકી ગયો. એ ત્યાં જ પડી ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button