લાડકી

ભારતીય સેનાની પહેલી જવાન: શાંતિ તિગ્ગા

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

જેના બાળવિવાહ થયાં હોય અને કુમળી વયે બે બાળકોની માતા બન્યાના થોડા સમય પછી પતિનું મૃત્યુ થાય એવા સંજોગોમાં સ્ત્રીની સ્થિતિ કેવી થાય?
એની સ્થિતિ શાંતિ તિગ્ગા જેવી થાય… ઉરાંવ આદિવાસી પરિવારની શાંતિ તિગ્ગાને માથેથી ઘરનો મોભ કહેવાય એવું છત્ર દૂર થઈ ગયા પછી એણે જીવનમાં જબરો સંઘર્ષ કર્યો. પડકારને એણે ઝીલી લીધો. આકરા સંઘર્ષ અને અથાક પરિશ્રમને પગલે શાંતિ તિગ્ગા ભારતીય સેનાની પહેલી મહિલા જવાન બની.
શાંતિ તિગ્ગા પશ્ર્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાની રહેવાસી. જન્મ ૧૯૭૬માં… એનું બાળપણ સંઘર્ષમય વીત્યું. કુટુંબની આર્થિક સ્થિતિ કથળેલી હોવાથી શાંતિ ઝાઝું ભણી ન શકી. સત્તર વર્ષની માસૂમ વયે એનાં બાળવિવાહ થયેલાં. નાની ઉંમરના લગ્નને પગલે વીસ વર્ષની નાની ઉંમરે જ બે બાળકોની માતા બની. પતિ રેલવેમાં નોકરી કરતો. એના પગારમાંથી ઘરનું ગુજરાન જેમતેમ ચાલી જતું. ઝાઝી મુશ્કેલી વેઠવી પડતી નહોતી. પરંતુ શાંતિના નસીબમાં શાંતિ નહોતી. અશાંતિ નામનો ગ્રહ એની જન્મકુંડળીમાં કુંડળી મારીને બેઠેલો. સમય આવ્યે એની અસર વર્તાઈ. બે બાળકોની માતા બન્યાના થોડા વર્ષ પછી ૨૦૦૫માં શાંતિ તિગ્ગાના પતિનું મૃત્યુ થયું. શાંતિની ઉંમર માંડ ત્રીસેક્ની. ઘરના મોભીના ગામતરે ચાલ્યા જવાથી શાંતિ અને બાળકો નોધારાં થયાં. પણ શાંતિએ હાર ન માની. પતિ રેલવેમાં નોકરી કરતો હતો, એથી રહેમરાહે શાંતિને પતિની જગ્યાએ નોકરી મળી. ઘર ચલાવવા અને બાળકોના ઉછેર માટે શાંતિ નોકરી કરવા લાગી. શાંતિને પશ્ર્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના ચાલસા રેલવે સ્ટેશન પર પોઈન્ટમેન તરીકે નિયુક્ત કરવામાં આવી.
પોઈન્ટમેન પરિચાલન વિભાગની મહત્ત્વપૂર્ણ કડી હોય છે. પોઈન્ટમેનની ફરજ રેલવે ક્રોસિંગ પર કે પ્લેટફોર્મ પર દ્વારની પહેરેદારી કરવાની છે. આવતીજતી બધી ટ્રેનોને જોઈને કોઈ ટ્રેનમાં મુશ્કેલી છે કે નહીં એ નક્કી કરવાનું કામ પણ પોઈન્ટમેનનું હોય છે. પોઈન્ટમેન પાટા પાસે ઊભા રહીને ટ્રેન આવતાં પહેલાં પાટા બદલે છે. ટ્રેનની દિશા પણ પોઈન્ટમેન જ નક્કી કરે છે. ઉપરાંત પોઈન્ટમેન રેલગાડીના ડબ્બા જોડવાથી માંડીને એને એન્જિન સાથે જોડવાનું જોખમી કામ પણ કરે છે. જયારે ટ્રેનને એન્જિનથી છૂટી પાડી દેવામાં આવે ત્યારે ટ્રેન હલે નહીં, એ માટે ટ્રેનના અંતિમ ડબ્બાના પૈડાંની આગળ લોઢાના પંક્ચર્સ લગાવવાનું કામ પણ પોઈન્ટમેનની ફરજમાં આવે છે. એને રેલગાડીનું ઈન્ટરલોકિંગ પણ કહી શકાય. પોઈન્ટમેન તરીકે પાંચ વર્ષ નોકરી કર્યા પછી શાંતિ તિગ્ગાને ભારતીય સેનામાં જવાનો મોકો મળ્યો. શાંતિ બાળપણથી જ સેનામાં જવાની ઈચ્છુક હતી. કારણ કે એના ઘણા સંબંધીઓ સેનામાં કાર્યરત હતા. વર્ષ ૨૦૧૦માં શાંતિ તિગ્ગાને ટેરિટોરિયલ આર્મી વિશે ખબર પડી.
ટેરિટોરિયલ આર્મી એટલે પ્રાદેશિક સેના. પ્રાદેશિક સેનામાં ભરતી થવું એ સ્વૈચ્છિક સેવા છે. પ્રાદેશિક સેના ભારતીય સેનાનું જ એક એકમ છે. પ્રાદેશિક સેના સુરક્ષાની બીજી હરોળ પણ કહેવાય છે. પ્રાદેશિક સેના અંગેની માહિતી મળ્યા પછી શાંતિ તિગ્ગાએ ૯૬૯ રેલવે એન્જિનિયર રેજીમેન્ટ ટેરિટોરિયલ આર્મીમાં પ્રવેશ મેળવવા ૨૦૧૧માં અરજી કરી. ઓફિસર રેન્કની નીચેની પોસ્ટ પર આ પહેલાં કોઈ પણ મહિલાની ભરતી કરાઈ નહોતી. શાંતિ તિગ્ગાને આ વાતની જાણ થઈ. પોતે ઓફિસર રેન્ક નીચેની પોસ્ટ પર દાવેદારી કરનારી પહેલી જ મહિલા હોવાનું જાણ્યા પછી શાંતિ ગભરાઈ નહીં. એણે પાછીપાની ન કરી. પ્રજ્વલિત દીવાની વાટની જેમ પોતાનું સપનું સંકોર્યે રાખ્યું. ટેરિટોરિયલ આર્મીમાં ભરતી થવું આમ તો એનું સપનું
હતું, પણ એ સપનું શાંતિ તિગ્ગાના જીવનનો અગત્યનો હિસ્સો બની ગયું. ઓલિવ ગ્રીન ડ્રેસ પહેરીને બંદૂક ચલાવવી એના જીવનનું ધ્યેય બની ગયું. જોકે બે બાળકોની મા હોવું અને નોકરી કરતાં કરતાં ધ્યેયને પૂરું કરવું એ ઝાંઝવાના જળ સમાન હતું, પણ શાંતિએ થાળીનો ચાંદ પકડવા બીડું ઝડપ્યું.
સેનામાં ભરતી થવા માટે શાંતિ તિગ્ગાએ ખૂબ મહેનત કરી. મનમાં લેશમાત્ર ભય રાખ્યા વિના ટેરિટોરિયલ આર્મી માટેની જેટલી લેખિત પરીક્ષાઓ હતી તે બધી જ પાસ કરી. ૧૫ નવેમ્બર ૨૦૧૦થી ૧૫ ડિસેમ્બર ૨૦૧૦ સુધી ભરતી પ્રશિક્ષણ ચાલ્યું. પછી જયારે ફિઝિકલ ટેસ્ટ આપવાની થઈ ત્યારે હજારો પુરુષોની ભીડમાં શાંતિ તિગ્ગા એકમાત્ર સ્ત્રી હતી. પણ એનાથી એ વિચલિત ન થઈ. બીજું કોઈ હોય તો એનું જોમ કદાચ ઓસરી જાય, પણ શાંતિનો જુસ્સો ચરમ પર હતો. એણે પોતાનું ધૈર્ય અને મનોબળ ટકાવી રાખ્યું. પુરુષોને ટક્કર આપવાની હામ હતી એના હૈયામાં.
શારીરિક પરીક્ષણ દરમિયાન શાંતિ તિગ્ગા પુરુષોથી મૂઠી ઊંચેરી પુરવાર થઈ. દોઢ કિલોમીટરની દોડમાં શાંતિ બધા પુરુષ દોડવીરોથી આગળ નીકળી ગઈ. એણે પાંચ સેક્ધડ વહેલી દોડ પૂરી કરી. પચાસ મીટરની દોડ માત્ર બાર સેક્ધડમાં પૂરી કરીને શાંતિ તિગ્ગાએ વિક્રમ સર્જ્યો. ત્યાર પછી નિશાનબાજીમાં પણ એણે તમામ પુરુષોને હંફાવ્યા. શાંતિએ ભરતી માટેના તાલીમ કેમ્પમાં પોતાના ફાયરિંગ પ્રશિક્ષકને અચંબિત કરી દીધેલા. એ પ્રશિક્ષક શાંતિના બંદૂક સાથે ખેલવાના નિરાળા ઢંગથી બેહદ પ્રભાવિત થયેલા. શાંતિને માર્ક્સમેન એટલે કે લક્ષ્યવેધી તરીકેનું સૌથી ઊંચું પદ મળ્યું. આ રીતે તમામ પરીક્ષાઓ પાસ કર્યા પછી શાંતિ તિગ્ગાને બેસ્ટ ટ્રેની-શ્રેષ્ઠ તાલીમી ઘોષિત કરવામાં આવી. પાંત્રીસ વર્ષની ઉંમરે શાંતિ તિગ્ગા ૯૬૯ રેલવે એન્જિનિયર રેજીમેન્ટ ઓફ ટેરિટોરિયલ આર્મી – પ્રાદેશિક સેનામાં જોડાઈ ગઈ. બે બાળકોની માતા અને સેનાની પહેલી મહિલા જવાન તરીકે શાંતિ તિગ્ગાની રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે સન્માનિત કરેલી.
શાંતિ તિગ્ગાએ સેનામાં ભરતી થયેલી પહેલી મહિલા જવાન તરીકે ઈતિહાસ રચ્યો, પણ પછી ફરી એક વાર એની કુંડળીના અશાંતિના ગ્રહે માથું ઊંચક્યું. બન્યું એવું કે નોકરીના આરંભિક દિવસોમાં જ શાંતિએ બદનામીનું કલંક વહોરવું પડ્યું. શાંતિ તિગ્ગા નાણાં લઈને લોકોને નોકરી અપાવે છે એવો એના પર આરોપ મુકાયો. શાંતિ પર શારીરિક હુમલાઓ પણ થવા લાગ્યા. ૯ મે, ૨૦૧૩ના દિવસે કેટલાક લોકોએ શાંતિ તિગ્ગાનું અપહરણ કર્યું. થોડા સમય પછી દેવપાની ગામમાં રેલવે ટ્રેક પર એક થાંભલા સાથે દોરડાથી બંધાયેલી અવસ્થામાં શાંતિ મળી આવી. એની આંખો પર સફેદ પટ્ટી બાંધેલી હતી.
તાબડતોબ શાંતિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પોલીસ તપાસ શરૂ થઈ. હૉસ્પિટલના શાંતિ તિગ્ગાના કમરાની સુરક્ષા વધારી દેવામાં આવી. શાંતિએ પોલીસને જણાવ્યું કે, અપહરણકારોએ પોતાને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડી નથી. જોકે શાંતિનું અપહરણ શા માટે કરાયું હતું એ કોયડો ઉકેલવા પોલીસ મથતી રહી.
પાંચ દિવસ પછી, ૧૪ મે, ૨૦૧૩ના શાંતિ તિગ્ગા હૉસ્પિટલના કમરામાં આવેલ બાથરૂમમાં ગયેલી. ઘણો સમય થયો છતાં એ બહાર ન આવી, એટલે એના દીકરાએ પોલીસને ચેતવણી આપતી ઘંટડી વગાડી. પોલીસ દોડી આવી. બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો. જોયું તો શાંતિ તિગ્ગાનો મૃતદેહ છત સાથે લટકતો હતો. રહસ્યમય સંજોગોમાં મોત થયું હોવાથી શાંતિના પરિવારે એની હત્યાની શંકા વ્યક્ત કરી, પણ કોઈ પુરાવા ન મળતાં પોલીસે શાંતિના મૃત્યુને આત્મહત્યા ગણાવીને કેસ બંધ કરી દીધો. શાંતિ તિગ્ગાના સંઘર્ષમય જીવન અને રહસ્યમય મૃત્યુ અંગે જાણીને એટલું જ કહી શકાય કે, ન જાણ્યું જાનકીનાથે કે સવારે શું થવાનું છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button