Iran-Israel War: ઈરાનના ઇઝરાયલ પર હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ફેરફાર થશે!
ઈરાનના ઈઝરાયલ પર હુમલા(Iran attacked Israel) બાદ મધ્યપૂર્વમાં તાણાવ વધી ગયો છે, એવામાં એવી આશંકા સેવાઈ રહી હતી કે ક્રૂડ ઓઈલના ભાવમાં તોતિંગ વધારો થઇ શકે છે. મધ્ય પૂર્વના દેશો વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના મુખ્ય સપ્લાયર હોવાને કારણે આ ધારણા છે. વિશ્લેષકોના અંદાજ મુજબ જો સ્થિતિ વધુ વકરે તો બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $100ને પાર કરી શકે છે. જો કે આ બધી આશંકાઓ વચ્ચે એશિયન માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે.
છેલ્લે કેટલાક દિવસોથી એવી આશંકાઓ હતી કે ઈરાનની ઇઝરાયલ પર કોઈ પણ સમયે આક્રમણ કરી શકે છે અને યુદ્ધ ફાટી નીકળશે, જેને કારણે ગયા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડનો ભાવ છ મહિનાની ટોચની નજીક પહોંચી ગયો હતો. પરંતુ હાલ ઇઝરાયલે ઈરાને કરેલા હુમલાનો વળતો જવાબ આપ્યો નથી, અને ઈરાને પણ વધુ હુમલા ન કરવાની જાહેરાત કરી હતી, જે ને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો થયો ન હતો.
નિષ્ણાતોના મતે, ઓઇલ માર્કેટ પર હાલ કોઈ વધારાનું જોખમ નથી. નિષ્ણાતોના મત મુજબ બ્રેન્ટ ક્રૂડનો ભાવ $ 90 ની નીચે આવી શકે છે, પરંતુ વેપારીઓ ગાઝા અને યુક્રેનમાં સંઘર્ષ બાબતે ચિંતિત છે. વિશ્લેષકોએ એમ પણ જણાવ્યું હતું કે આગામી દિવસો અને અઠવાડિયામાં વૈશ્વિક બજારો માટે ઇઝરાયેલનો પ્રતિભાવ મહત્વપૂર્ણ રહેશે.
ગયા અઠવાડિયાના અંતમાં, બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $92.18 પર પહોંચી હતી, જે ઓક્ટોબર પછીની સૌથી વધુ હતી, પરંતુ તે પછી ઘટીને $90.45 પર અટકી હતી. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, ઈરાન વિશ્વનો સાતમો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે અને OPEC તેલ ઉત્પાદકોની કાર્ટેલનો ત્રીજો સૌથી મોટો સભ્ય છે.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ કે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે શિપિંગને અસર થશે તો ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે. ઓમાન અને ઈરાન વચ્ચે સ્થિત આ સ્ટ્રેટ એક મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે, કારણ કે વિશ્વના લગભગ 20% તેલ પુરવઠા માટેના જહાજ તેમાંથી પસાર થાય છે.
ઓપેકના સભ્યો સાઉદી અરેબિયા, ઈરાન, યુએઈ, કુવૈત અને ઈરાક મોટાભાગના ઓઈલની નિકાસ આ સ્ટ્રેટ મારફતે કરે છે. શનિવારે, ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતી વખતે ઇઝરાયલનું એક કોમર્શિયલ જહાજ જપ્ત કર્યું હતું.
આજે પણ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડની કિંમત 33 ટકા ઘટીને $85.38 પ્રતિ બેરલ થઈ ગઈ છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને $90 પ્રતિ બેરલ થઈ ગઈ છે.