Happy Birthday: પહેલી ડેઈલી શૉપની શરૂઆતથી માંડી ઘણા ક્ષેત્રોમાં પાયોનિયર બની આ અભિનેત્રી
દુરદર્શનની ટીવી સિરિયલો હંમેશાં ગુણવત્તાવાળી અને સામાજિક સુધારણાના વિચારથી પ્રેરિત રહેતી. તે સમયની ટીવી સિરિયલોએ સામાજિક પરિવર્તન લાવવામાં અને ખાસ કરીને મહિલાઓને લગતા મુદ્દાઓને સમાજ અને સરકાર સમક્ષ મૂકવામાં મહત્વનો ભાવ ભજવ્યો છે.
પહેલા દરેક સિરિયલ અઠવાડિયે એક વાર આવતી આથી લોકોનો રસ જળવાઈ રહેતો. પણ વિદેશોમાં ડેઈલી શૉપની શરૂઆત થઈ અને દુરદર્શન પણ આ બદલાવ સાથે જોડાયું. લગભગ 1993-1994માં ભારતની પહેલી ડેઈલી શૉપ શરૂ થઈ અને એટલી તો લોકપ્રિય થઈ કે બપોરે આવતી આ સિરિયલ જોવા લોકો બે વાગ્યે ટીવી સામે ગોઠવાઈ જતા. ઘણા પુરુષો પણ શક્ય બને ત્યારે અડધી કલાકનો આ એસિપસૉડ જોઈ લેતા.
આ સિરિયલ એટલે શાંતિ…એક ઔરત કી કહાની અને તેની તેની શાંતિ એટલે કે મંદીરા બેદી. આજે મંદીરા બેદીનો જન્મદિવસ છે. 15 એપ્રિલ, 1972માં કોલકત્તામાં જન્મેલી મંદીરાએ માત્ર ડેઈલી શૉપ કે વિમેન સેન્ટ્રીક સિરિયલોની શરૂઆત નથી કરી તેણે ઘણું નવું કર્યું છે જે અગાઉ મહિલાઓએ કર્યું ન હતું.
શાંતિ સિરિયલની વાર્તા પણ તે સમયે બૉલ્ડ ગણવામાં આવતી. શાંતિ એક એવી યુવતીની વાર્તા હતી, જેની માતા પર બળાત્કાર થયો હતો અને તે સગર્ભા રહી ગઈ હતી. તેણે જે દીકરીને જન્મ આપ્યો તે શાંતિ અને દીકરીએ માને ન્યાય આપવા મોટા બિઝનેસ મેન સાથે બાથ ભીડીની વાર્તા આ સિરિયલનો કેન્દ્રભાગ હતો.
મંદીરાએ આ રોલ ખૂબ જ સરસ નિભાવ્યો. તેનો સીધી લીટીનો ચાંદલો પણ એટલો જ લોકપ્રિય બન્યો હતો. ત્યાર બાદ મંદિરા ફિયર ફેક્ટર નામના એક સ્પોર્ટ્સ શૉની વિનર બની હતી. ખૂબ જ અઘરા ટાક્સ કરી વિનર બનનારી તે પહેલી મહિલા હતી.
મંદીરાને એક અલગ ક્ષેત્રમાં પગદંડી જમાવતી જોવા મળી હતી. માત્ર પુરુષોનો અખ્યાર ગણાતા ક્રિકેટની દુનિયાની તે પહેલી એન્કર કે હૉસ્ટ બની. ક્રિકેટની મેચ પૂરી થાય કે બીજી ઈનિંગ શરૂ થવાની હોય તે પહેલાના બ્રેકમાં બે ત્રણ એસ્કપર્ટ ક્રિકેટર મેચ વિશે પોતાનો અભિપ્રાય આપે તેવા કાર્યક્રમો તે સમયે શરૂ થયા હતા અને તેમાં મંદીરાએ સિક્કો જમાવ્યો હતો.
તે સમયે તેનાં એન્કરીંગ સાથે તેનાં આઉટફીટ્સ પણ ચર્ચાના ચકડોળે ચડ્યા હતા ને ટીકા પણ થતી, પણ મંદીરા પાછી પડી નહીં. ફિટનેસ ફ્રિક મંદીરાએ શાહરૂખ કાજલની દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે અને જાણીતા ટીવી શૉ સાસ ભી કભી બહુ થીમાં પણ યાદગાર ભૂમિકા નિભાવી છે.
કોરોના સમયે પતિને ખોઈ બેસેલી મંદીરા ફરી ઊભી થઈ છે અને સંતાનોને એકલી ઉછેરી રહી છે. તાજતેરમાં જ તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે સર્જરી કરાવી હોય તેમ લાગતું હતું. જોકે મંદીરાએ આ વાતને ખોટી ગણાવી હતી.