કોચીન: શાળામાં અભ્યાસ કરતા બાળકોને રમતો રમવામાં સમય પસાર કરવા બદલ ઠપકો પડતો હોય છે. એવામાં કેરળ હાઈકોર્ટ(Kerala Highcourt)એ એક ચુકાદો મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારે દરેક કેટેગરીની શાળાઓમાં જરૂરી રમતના મેદાનો(Play grounds)નું વિસ્તરણ કરવું જોઈએ અને તેમની આસપાસ જરૂરી સુવિધાઓ નક્કી કરવા માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે રમતગમત એ બાળકોનો મૂળભૂત અધિકાર છે.
કેરળ હાઈકોર્ટના જસ્ટિસ પીવી કુન્હીક્રિષ્નને રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે શાળાઓ સંબંધિત આ માર્ગદર્શિકા ચાર મહિનામાં લાગુ કરવામાં આવે અને કેરળની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે તેનું કડકપણે પાલન કરવામાં આવે. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે, જે શાળાઓમાં રમતગમત માટે યોગ્ય મેદાન નથી, એવી શાળાઓ સામે સરકારે સામે કડક પગલાં લેવા જોઈએ, જરૂર પડ્યે શાળાઓ બંધ કરવી જોઈએ.
હાઈકોર્ટે એમ પણ કહ્યું કે એકવાર માર્ગદર્શિકા જાહેર થઈ જાય, પછી શિક્ષણ અધિકારીઓએ ખાતરી કરવી પડશે કે આ માર્ગદર્શિકાનું પાલન થઇ રહ્યું છે. જો શાળાઓ માર્ગદર્શિકાનું પાલન ન કરી રહી હોય, તો તેનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના અધિકારીઓ કેરળ શિક્ષણ નિયમો હેઠળ જાહેર કરાયેલી ચોક્કસ માર્ગદર્શિકામાં ખામીઓનો લાભ લઈ રહ્યા છે અને રમતો અને રમતગમત માટે પૂરતી ખાલી જગ્યા સાથે યોગ્ય રમતના મેદાનની જાળવણી કરી રહ્યાં નથી, જેના પરિણામે બાળકો માટે રમતગમતની જગ્યા ઉપલબ્ધ નથી.