નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કોંગ્રેસે ત્રણ રાજ્યોના 10 ઉમેદવારોના નામ કર્યા જાહેર, કન્હૈયા કુમાર ભાજપના મનોજ તિવારીને આપશે ટક્કર

લોકસભા ચૂંટણી 2024નો ચૂંટણી પ્રયાર શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસે આજે રવિવારે (14 એપ્રિલ)ના રોજ તેના ઉમેદવારોની વધુ યાદી બહાર પાડી છે. કોંગ્રેસે આ યાદીમાં ત્રણ રાજ્યોના 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ઉત્તર પૂર્વ દિલ્હીથી કન્હૈયા કુમારને ટિકિટ આપી છે. આ સીટ પર કન્હૈયા કુમાર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મનોજ તિવારી વચ્ચે મુકાબલો થશે. તે ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં ત્રણ, પંજાબમાં છ અને ઉત્તર પ્રદેશમાં એક લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

કોંગ્રેસે દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી જેપી અગ્રવાલ અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પટિયાલાથી ધર્મવીર ગાંધી, સંગરુરથી સુખપાલ સિંહ ખૈરા, અમૃતસરથી ગુરજીત ઔજલા, જલંધરથી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને અલ્હાબાદથી ઉજ્જવલ રેવતી રમણ સિંહને ટિકિટ આપી છે.

જો કે આ તમામ ઉમેદાવોરમાં સૌથી રસપ્રદ નામ 37 વર્ષીય કન્હૈયા કુમારનું છે, બિહારના બેગુસરાયનો રહેવાસી કન્હૈયા કુમાર આ વખતે તે બીજી વખત લોકસભાની ચૂંટણી લડશે. 2019ની લોકસભા ચૂંટણીમાં, તેમણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ની ટિકિટ પર બેગુસરાય લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામે ચૂંટણી લડી હતી. તે ચૂંટણીમાં તેમને 4 લાખથી વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ JNUSU પ્રમુખ કન્હૈયા કુમાર 2021માં કોંગ્રેસમાં જોડાયા હતા અને 2023માં તેમને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

જ્યારે કન્હૈયા કુમારના કટ્ટર હરિફ મનોજ તિવારી ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી બે વખત સાંસદ છે. મનોજ તિવારીએ ગત લોકસભા ચૂંટણીમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર જેપી અગ્રવાલ ચાંદની ચોક લોકસભા બેઠક પરથી ભાજપના પ્રવીણ ખંડેલવાલ સામે ચૂંટણી લડશે. જય પ્રકાશ અગ્રવાલ વર્ષ 1984, 1989 અને 1996માં આ બેઠક પરથી જીત્યા હતા. ઉદિત રાજ ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ભાજપના નેતા યોગેન્દ્ર ચંદોલિયા સામે ચૂંટણી લડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button