ધર્મતેજ

દૈત્ય શક્તિ ચરમસીમા પર પહોંચશે ત્યારે દેવરક્ષક, માનવરક્ષક ને ધર્મરક્ષક તરીકે હું મારી ફરજ જરૂર પૂર્ણ કરીશ

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
અસુરમાતા દિતિ અંધકની અસુરીવૃત્તિ જોવા તેમના મહેલ પર પધારે છે. માતા દિતિ અંધકને જોઈ પ્રસન્નતા અનુભવે છે અને કહે છે, ‘પુત્ર હિરણ્યાક્ષ તમે અસુર માતાના પુત્ર છો તમે પિતાના માર્ગે ચાલીને મારી મહેચ્છાને પૂર્ણ વિરામ મૂકી દીધો છે. હું ચાહું છું કે હવે અંઘરને નગરની જવાબદારી આપીને દેવગણો પર આક્રમણ કરો, સ્વર્ગલોક જીતી પૃથ્વીને પાતાળલોકમાં લઈ જાવ, જેથી દરેક પૃથ્વીવાસીઓ તમારા દાસ બની જાય.’ માતાની આજ્ઞા લઈ હિરણ્યાક્ષ સમસ્ત સંસારના અસુરોને જમા કરી સ્વર્ગલોક પર આક્રમણ કરે છે. અસુરોની સંખ્યાથી ગભરાઈને દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો સ્વર્ગથી પલાયન કરે છે. સ્વર્ગલોક પર વિજય મળતા હિરણ્યાક્ષ અને અસુરોનું મનોબળ ખૂબ ઊંચું થઈ જતાં પૃથ્વીલોક પર ઋષિ-મુનિઓ પર આક્રમણ કરી તેમને રંજાડે છે. હિરણ્યાક્ષ પોતાને મહાકાયરૂપમાં પરિવર્તિત કરી પૃથ્વીને પાતાળમાં લઈ જવાની કોશિશ કરે છે પણ પૃથ્વી નીચે જતી નથી. હિરણ્યાક્ષને અસુરગુરુ શુક્રાચાર્ય સમજાવે છે કે જ્યાં સુધી કૈલાસ પર્વત પૃથ્વી પર છે ત્યાં સુધી પૃથ્વીને પાતાળલોક લઈ જવાશે નહીં. હિરણ્યાક્ષ કૈલાસ પર્વતને પોતાના હાથે સ્થિર રાખી પૃથ્વીને નીચેની તરફ ધકેલે છે. એમાં તેને સફળતા મળતાં કૈલાસ સ્થિર રહે છે અને તે પૃથ્વીને પાતાળલોક લઈ જવામાં સફળ થાય છે. સમસ્ત દેવતાગણ ભગવાન વિષ્ણુની આરાધના કરે છે. ભગવાન વિષ્ણુ તુરંત પરાક્રમી યજ્ઞમય વિકરાળ વારાહમય શરીર ધારણ કરી પાતાળ લોકમાં પહોંચે છે. હિરણ્યાક્ષ ભગવાન વિષ્ણુ પર આક્રમણ કરે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ કરોડો સૂર્યો સમાન પ્રકાશમાન સુદર્શન ચક્રથી હિરણ્યાક્ષના પ્રજ્વલિત મસ્તકને કાપી લે છે અને ત્યાં રહેલા કરોડો અસુરોને સળગાવીને ભસ્મ કરે દે છે. વરાહરૂપી લાંબા મુખવાળા ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાના બે દાંત વચ્ચે પૃથ્વીને ઊંચકીને બહાર લાવે છે અને ફરી એની જગ્યાએ પ્રસ્થાપિત કરે છે.

હિરણ્યાક્ષના માર્યા જવાથી હિરણ્યકશ્યપુ ક્રોધથી રાતો-પીળો થઈ જાય છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને પોતાનો શત્રુ માનતા અસુરોને આદેશ આપે છે કે ભગવાન વિષ્ણુને આરાધ્ય માનનારી પ્રજા અને ઋષિ મુનિઓને પ્રતાડિત કરવામાં આવે. સંહારપ્રિય અસુરો સ્વામીની આજ્ઞાને માથે ચઢાવી ઋષિ અને માનવોનો વિનાશ કરવા લાગ્યા. બીજી બાજુ હિરણ્યકશ્યપુએ વિચાર કર્યો કે ‘હું અજય, અજર અને અમર થઈ જાઉં, મારું જ એકછત્ર રાજ રહે અને મારો પ્રતિદ્વંદ્વી કોઈ જ ન રહે’ એમ વિચારી મંદરાચલ પર્વત પર તપસ્યા કરવા ગયો. ત્યાં એક ગુફામાં બ્રહ્માજીની અત્યંત ઘોર તપસ્યા કરવા લાગ્યો.


હિરણ્યકશ્યપુ મંદરચાલ પર્વતની ગુફામાં ઘોર તપસ્યા કરવા લાગ્યો, હજારો વર્ષ વિતી ગયા, તેની આરાધના વધુ ને વધુ ઉગ્ર બની રહી હતી. એ સમયે એ એક પગના અંગૂઠા ઉપર ઊભો હતો એની ભૂજાઓ ઉપર ઉઠેલી હતી. એની આરાધનાનો સ્વર સ્વર્ગલોક સુધી પહોંચવા માંડયો હતો, એક બાજુ હિરણ્યકશ્યપુ ઘોર તપસ્યા કરતો હતો તો બીજી તરફ તેના અસુરો પૃથ્વીલોક પર ભગવાન વિષ્ણુના આરાધકોની હત્યા કરવા લાગ્યા. સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર સહિત અન્ય દેવગણો પણ ભયભીત થવા માંડયા, એક પછી એક અસુર ભગવાન વિષ્ણુ અથવા બ્રહ્માજીની આરાધના કરી વરદાન મેળવતા હતા અને વરદાન મળતાં જ એ અસુર સ્વર્ગલોક પર આક્રમણ કરતાં હોવાથી દેવગણોએ હવે શું કરવું તે સમજ પડતી નહોતી, દેવરાજ ઇન્દ્ર અને દેવગણો મંદરાચલના પર્વત પર પહોંચી હિરણ્યકશ્યપુની આરાધના કેમ અટકાવવી તેનો વિચાર કરી રહ્યા હતા. દેવરાજ ઇન્દ્ર વજ્રનો ઘાત કરે છે, પણ વજ્ર હિરણ્યકશ્યપુ પાસે જઈ પરત આવે છે, અગ્નિદેવ અગ્નિના ગોળા છોડે છે પણ હિરણ્યકશ્યપુની આરાધના તૂટતી નથી. દેવતાઓના આક્રમણથી એ વધુને વધુ આક્રમણ રીતે તપસ્યા કરવા લાગ્યો. અંતે થાકી હારી દેવગણો મંદરાચલથી ચાલ્યા જાય છે.

હિરણ્યકશ્યપુ બ્રહ્માજીની આરાધના કરતો હોવાથી સમગ્ર દેવગણ બ્રહ્માજી પાસે પહોંચે છે.

દેવરાજ ઇન્દ્ર: ‘માતા સરસ્વતી અને બ્રહ્મદેવની જય હો.’

માતા સરસ્વતી: ‘દેવરાજ ઇન્દ્ર અને દેવગણો સહિત અહીં કેમ પધાર્યા છો એ બ્રહ્મદેવને જાણ છે, પણ તેઓ કોઈ સહાય તમને નહીં કરી શકે.’

બ્રહ્માજી: ‘દેવરાજ, તમારી માતા સાચું કહે છે, હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. આરાધના કોણ કરે છે એનાથી આરાધ્યને મતલબ હોતો નથી, આરાધના કરતા આરાધકને આરાધ્યએ મનવાંછિત વરદાન આપવું જ પડે છે, વરદાન એ તેમનું ફળ છે. હવે નજીકના ભવિષ્યમાં જ મારે હિરણ્યકશ્યપુને વરદાન આપવું પડશે, હું વરદાન આપતા ધ્યાન રાખીશ કે દેવગણોનું ઓછું અહિત થાય, તમારે ભગવાન શ્રીહરિ વિષ્ણુની શરણમાં જવું જોઈએ,’

એ જ સમયે હિરણ્યકશ્યપુની આરાધનાનો સ્વર બ્રહ્મલોક સુધી પહોંચવા માંડે છે અને ગભરાયેલા દેવગણો ત્યાંથી વિદાય લે છે અને વિષ્ણુલોક તરફ પ્રયાણ કરે છે .
માતા પાર્વતી: ‘બ્રહ્મદેવ, મને દેવગણોની ચિંતા
થાય છે.’

બ્રહ્માજી: ‘દેવી, સમય થઈ ગયો છે હું મંદરાચલ જઈ રહ્યો છું, હિરણ્યકશ્યપુને વરદાન આપવું જ પડશે.’


દેવરાજ ઈન્દ્ર, દેવર્ષિ નારદ અને દેવગણ વૈકુંઠલોક
પહોંચે છે
દેવરાજ ઇન્દ્ર: ‘ભગવાન શ્રીહરિ વિષ્ણુનો જય હો, માતા લક્ષ્મીનો જય હો. ભગવંત મંદરાચલ પર હિરણ્યકશ્યપુ ઉગ્ર તપસ્યા કરી રહ્યો છે અને એનો સ્વર ત્રણે લોક સુધી પહોંચી રહ્યો છે, ભગવંત બ્રહ્મદેવને વરદાન આપતાં આપ જ રોકી શકો છો.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવરાજ હું પણ બ્રહ્મદેવને વરદાન આપતા નહીં રોકી શકું, વિધાતાએ જે લખ્યું છે એ થવાનું જ છે, સૃષ્ટિકર્તા બ્રહ્માજીએ વિધિના વિધાનમાં દેવતા અને દાનવોમાં સંઘર્ષ લખી જ દીધો છે, એટલે તમારે દેત્યો સાથે સંઘર્ષ માટે સદાય તત્પર જ રહેવું પડશે.’

દેવરાજ ઇન્દ્ર: ‘પ્રભુ દેવગણો પર તમારી કૃપા હોવા છતાં પણ આ પિડા કેમ?’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘વિધિના લેખ હું પણ બદલી નહીં શકું, પણ એટલું જરૂર કહીશ કે દૈત્યશક્તિ ચરમસીમા પર પહોંચશે ત્યારે દેવરક્ષક, માનવરક્ષક અને ધર્મરક્ષક તરીકે હું મારી ફરજ જરૂર પૂર્ણ કરીશ, પણ તમારે એ ધ્યાન રાખવું પડશે કે દૈત્યશક્તિ ચરમસીમાએ પહોંચે તે દરમિયાન તમારે ધૈર્યપૂર્ણ સંકટોનો સામનો કરી ધર્મનું આચરણ કરવું જોઈએ અન્યથા તમારો પક્ષ નબળો પડશે અને હું તમારી કોઈ મદદ નહીં કરી શકું.’

દેવર્ષિ નારદ: ‘દેવરાજ હું પણ તમને એટલું જ કહીશ કે, શ્રીહરિ વિષ્ણુની ચેતવણીને ન અવગણતાં કાયરતા, કપટ અને ક્રૂરતાથી દૂર રહેશો તો તમારું કલ્યાણ નિશ્ર્ચિત છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ યોગ્ય સમયે તમને અવશ્ય સહાય કરશે.’


બ્રહ્માજી મંદરાચલ પર્વત પહોંચે છે.

બ્રહ્માજી: ‘આંખ ખોલો હિરણ્યકશ્યપુ અને માગો વરદાન.’

હિરણ્યકશ્યપુ: ‘પરમપિતા, મને મારી આંખો પર વિશ્ર્વાસ થતો નથી, શું ખરેખર તમે વરદાન આપશો? કે હંમેશાં થઈ રહી છે તેવી છેતરપિંડી કરશો.’

બ્રહ્માજી: ‘નહીં હિરણ્યકશ્યપુ, હું તમને વરદાન આપવા માટે જ આવ્યો છું.’

હિરણ્યકશ્યપુ: ‘પરમપિતા હું અજય, અજર અને અમર થઈ જાઉં, મારું જ એકછત્ર રાજ રહે અને મારો પ્રતિદ્વંદ્વી કોઈ જ ન રહે, તેવું વરદાન આપો.’ (ક્રમશ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો…