ધર્મતેજ

જિત દેખું ઉત રામહિં રામા

કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક

શ્રી વાલ્મીકિ રામાયણના બાલકાંડના પ્રથમ સર્ગમાં શ્રી નારદ મુનિ, શ્રી વાલ્મીકિજીને શ્રીરામના મહિમાનું વર્ણન કરતા બે શ્ર્લોકમાં કહે છે, તેઓ ગંભીરતામાં સમુદ્ર જેવા, ધૈર્યમાં હિમાલય જેવા, બળમાં વિષ્ણુ સમાન છે, તેમનું દર્શન ચંદ્રમા સમાન મનોહર છે, તેઓ ક્રોધમાં કાલાગ્નિ સમાન અને ક્ષમામાં પૃથ્વી સમાન છે, ત્યાગમાં કુબેર અને સત્યમાં બીજા ધર્મરાજ સમાન છે.

જે રીતે સમુદ્ર, અને અગ્નિ વિશ્ર્વમાં સર્વવ્યાપ્ત છે, જેમ ચંદ્ર પૃથ્વીના પ્રત્યેક ખૂણે દ્રશ્યમાન થાય છે, અને જેમ પૃથ્વી વિના તો વિશ્ર્વની કલ્પના જ અશક્યવત લાગે, તો તેમની સાથે જેની સરખામણી થતી હોય, તે ભગવાન રામ વિશ્ર્વના દરેક દેશમાં અત્ર, તત્ર, સર્વત્ર હાજર હોય જ, એ કહેવાની જરૂર ખરી? એટલે તો સંત રૈદાસ કહે છે,

રૈદાસ હમરૌ રામજી, દસરથ કરિ સુત નાહી,

રામ હમઉ માંહી રહ્યો, બિસબ કુટુંબ માંહી
અર્થાત્ રૈદાસ કહે છે કે મારા આરાધ્ય રામ દશરથના પુત્ર નથી, પરંતુ સમગ્ર વિશ્ર્વના ઘર-ઘરમાં જે વ્યાપ્ત છે તે રામ મારામાં પણ વસેલા છે. તો ચાલો, આજે જાણીએ વિશ્ર્વમાં રામ ક્યાં ક્યાં અને કેવી રીતે વ્યાપ્ત છે.

મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં રામ પૂજનીય?!

આ વાત જેટલી અશક્યવત લાગે છે, તેટલી જ સત્યતા પૂર્ણ છે. જી હા, વિશ્ર્વમાં મુસ્લિમ સમુદાયનું બાહુલ્ય ધરાવતો દેશ ઇન્ડોનેશિયા, ત્યાંની પ્રજાના રામ પ્રેમ માટે પણ જાણીતો છે. તમે એમ માનતા હશો કે જકાર્તા (ઇન્ડોનેશિયાની રાજધાની) અને ઇન્ડોનેશિયામાં અન્ય ઘણા સ્થળોએ વિશ્ર્વ વિખ્યાત નેતા સુકર્ણોની મૂર્તિઓ હશે. પણ એવું નથી. ત્યાં તમે ભગવાન શ્રીરામની અસંખ્ય મૂર્તિઓ જોશો અને કેટલીક જગ્યાએ “કળા, સંગીત અને જ્ઞાન ની દેવી સરસ્વતીની મૂર્તિઓ પણ છે. રામકથા એટલે કે રામાયણ ઈન્ડોનેશિયા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. અયોધ્યા પણ આ દેશમાં છે અને અહીંના મુસ્લિમો પણ ભગવાન રામને તેમના જીવનના નાયક માને છે અને રામાયણને તેમના હૃદયની સૌથી નજીકનો ગ્રંથ માને છે. વર્ષ ૧૯૭૩માં સરકારે અહીં આંતરરાષ્ટ્રીય રામાયણ પરિષદનું પણ આયોજન કર્યું હતું. આ પોતાનામાં એક અનોખી ઘટના હતી, કારણ કે પ્રથમ વખત કોઈ સ્પષ્ટપણે મુસ્લિમ રાષ્ટ્ર બીજા ધર્મના ધર્મગ્રંથોના સન્માનમાં આવી ઘટનાનું આયોજન કરી રહ્યું હતું. અહીં દેશના ઘણા વિસ્તારોમાં રામાયણના અવશેષો અને રામકથાનાં ચિત્રો પણ પથ્થરની કોતરણી પર જોવા મળે છે. ભારત અને ઈન્ડોનેશિયાની રામાયણમાં થોડો તફાવત છે. અયોધ્યા ભારતમાં રામનું શહેર છે, તો ઇન્ડોનેશિયામાં યોગ્યાના નામથી આવેલું છે. અહીં રામની વાર્તા કકનીન અથવા કાકાવીન રામાયણ તરીકે ઓળખાય છે. ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક રામાયણના મૂળ લેખક કવિ ઋષિ વાલ્મીકિ છે, જ્યારે ઈન્ડોનેશિયામાં તેના લેખક કવિ યોગેશ્ર્વર છે. હનુમાન ઇન્ડોનેશિયાનું સૌથી લોકપ્રિય પાત્ર છે. હનુમાનની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે પણ દર વર્ષે આ મુસ્લિમ વસ્તીવાળા દેશની આઝાદીની ઉજવણીના દિવસે એટલે કે ૨૭મી ડિસેમ્બરે મોટી સંખ્યામાં યુવાનો હનુમાનના વેશ ધારણ કરીને રાજધાની જકાર્તાના રસ્તાઓ પર આવે છે. અને સરકારી પરેડમાં ભાગ લે છે. તમને જણાવી દઈએ કે હનુમાનને ઈન્ડોનેશિયામાં ‘અનોમાન’ કહેવામાં આવે છે. ૨૦૧૮માં ઈન્ડોનેશિયાની સરકારે ભારતમાં ઘણી જગ્યાએ ઈન્ડોનેશિયાની રામાયણ પર આધારિત રામલીલા યોજવાની માગ કરી હતી.

આજે ‘રામ’ રાજ્ય ક્યાં છે?

ભારતમાં રામરાજ્યની વાત કરીએ તો રાજકીય અને સામાજિક ભૂકંપ આવી જાય એવી સ્થિતિ છે, પણ દુનિયાનો એક દેશ છે જ્યાં હજી, આજે પણ ‘રામ’ રાજ્ય અકબંધ છે! સાંભળીને નવાઈ લાગે ને? તો જણાવી દઉં કે ભારતીયોમાં હરવા-ફરવા માટે મશહૂર એવા થાઈલેન્ડમાં રામરાજ્ય કાયમ છે.

થાઈલેન્ડમાં એક પ્રખ્યાત શહેર અયુત્થયા તરીકે જાણીતું હતું, જ્યાં તેના રાજાઓએ ‘રામાતિબોધિ’ (“અધિપતિ રામ)નું બિરુદ મેળવ્યું હતું. અયુત્થયાને અયોધ્યા સંદર્ભ સાથે જોડવામાં આવ્યું છે જેમાં રામાયણમાં ભગવાન રામની રાજધાની તરીકે અયોધ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થાઈ ધાર્મિક ગ્રંથનું નામ રામકીન છે, જે થાઈ રામાયણ સમાન દરજ્જો ધરાવે છે. ૧૮મી સદીમાં થાઈ રામાયણ રાજા રામ પ્રથમ દ્વારા નવેસરથી રચવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે અને આ પુસ્તકમાં મુખ્ય ખલનાયક, થોત્સાકન, હિંદુ ગ્રંથના રાવણ જેવો છે, આ પુસ્તકના નાયક ફ્રા રામમાં રામનો આદર્શ દર્શાવવામાં આવ્યો છે. જો કે, હવે થાઈ અયોધ્યાના અવશેષો વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. થાઈ પરંપરા મુજબ, જનતાએ રાજાનું નામ ન લઇ શકાય, તેથી તેમણે પોતાના નામ સાથે ઉપનામ તરીકે ‘રામ’ જોડી દીધું હતું. આ પરંપરા આજ સુધી નિભાવવામાં આવી રહી છે.

આ દેશોમાં પણ છે રામાયણ
બર્મામાં, રામાયણને ‘યમયાન’ કહેવામાં આવે છે જે અનૌપચારિક રીતે બર્માનું રાષ્ટ્રીય મહાકાવ્ય છે, તેને યમ (રામ) જાટદવ (જાતક) પણ કહેવામાં આવે છે. બર્મામાં રામને ‘યમ’ અને સીતાને ‘મી થેડા’ કહેવામાં આવે છે.

કંબોડિયામાં રિમકર જેને રામ કરતી તરીકે પણ ઓળખવામાં આવે છે – રામ (રામ) + કીર્તિ (ગૌરવ) એ સંસ્કૃત રામાયણ મહાકાવ્ય પર આધારિત કંબોડિયન મહાકાવ્ય છે. નામનો અર્થ થાય છે “રામનો મહિમા.
મલેશિયામાં હિકાયત સેરી રામ એ હિન્દુ મહાકાવ્ય ‘રામાયણ’નું મલય સંસ્કરણ છે. હિકાયત સેરી રામની મુખ્ય વાર્તા મૂળ સંસ્કૃત આવૃત્તિ જેવી જ છે, પરંતુ તેના કેટલાંક પાસાઓ જેમ કે શબ્દો અને નામોના ઉચ્ચારણ સ્થાનિક ભાષા પ્રમાણે સંશોધિત થયેલા છે.

આજે નાસ્તિક દેશ તરીકે ઓળખાતા વામપંથી ચીનમાં પણ રામની વિવિધ જાતક કથાઓ ખૂબ જ લોકપ્રિય હતી, જેમાં રામાયણની સૌથી પ્રાચીન વાત બૌદ્ધ ગ્રંથ, લિયુડુ જી જિંગમાં મળી આવી હતી. ચાઈનીઝ સમાજ પર રામાયણનો પ્રભાવ રામાયણના હનુમાન જેવો જ વાનર રાજા સન વુકોંગની લોકપ્રિય લોકકથાઓ દ્વારા મળે છે.

યુરોપ પણ રામના પ્રભાવથી મુક્ત રહી શક્યું નથી. ઇટાલીમાં પુરાતત્વીય ખોદકામમાં પ્રાચીન ઇટાલિયન ઘરોની દીવાલો પર વિવિધ ચિત્રો મળી આવ્યાં છે, જે રામાયણનાં દ્રશ્યો પર આધારિત છે. કેટલાંક ચિત્રોમાં બે પુરુષો પૂંછડીવાળા મનુષ્યની સાથે ઊભા છે, અને તેમના ખભા પર ધનુષ્ય અને તીર છે, જ્યારે એક મહિલા તેમની બાજુમાં ઊભી છે. આ ચિત્રો ઈ.સ.પૂર્વે ૭ના હોવાનું મનાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…