IPL 2024સ્પોર્ટસ

વાનખેડેમાં ચેન્નઈના ચાર વિકેટે ૨૦૬, ધોનીની હૅટ-ટ્રિક સિક્સર સાથે ધમાલ

મુંબઈની અસરહીન બોલિંગ સામે શિવમ-ગાયકવાડની ૯૦ રનની અસરદાર ભાગીદારી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ચેન્નઈ સુપર કિંગ્સે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે બૅટિંગ મળ્યા બાદ ચાર વિકેટે ૨૦૬ રન બનાવ્યા હતા. શિવમ દુબે (૬૬ અણનમ, ૩૮ બૉલ, બે સિક્સર, દસ ફોર)એ શાનદાર પર્ફોર્મ કર્યું હતું, પરંતુ વાનખેડેમાં શક્યત: છેલ્લી મૅચ રમનાર ધોની (૨૦ અણનમ, ચાર બૉલ, ત્રણ સિક્સર)એ ધમાલ મચાવી દીધી હતી. તેણે આવતાવેંત હાર્દિકની ૨૦મી ઓવરમાં ફટકાબાજી શરૂ કરીને ઉપરાઉપરી ત્રણ સિક્સર ફટકારી હતી. તેને માત્ર ચાર બૉલ રમવા મળ્યા હતા. હાર્દિકની એ ખર્ચાળ ઓવરમાં ૨૬ રન બન્યા હતા. હાર્દિકને ૪૩ રનમાં બે વિકેટ મળી હતી. એક-એક વિકેટ ગોપાલ અને કોએટઝીને મળી હતી.

મિડલની કેટલીક ઓવર અને ખાસ કરીને હાર્દિકની ૨૦મી ઓવર મુંબઈ માટે ખર્ચાળ નીવડી હતી. ૧૦મી ઓવર હાર્દિકે કરી હતી જેમાં ૧૫ રન બન્યા હતા. ૧૪મી ઓવર શેફર્ડને અપાઈ હતી જેમાં બાવીસ રન બન્યા અને મઢવાલની ૧૫મી ઓવરમાં ૧૭ રન બન્યા હતા.

મૂંઝાયેલા હાર્દિકે બોલિંગમાં અભૂતપૂર્વ ફેરફાર કર્યા હતા:
ઓવર નંબર ૧-નબી, ૨-કોએટઝી, ૩-નબી, ૪-બુમરાહ, ૫-કોએટઝી, ૬-મઢવાલ, ૭-નબી, ૮-ગોપાલ, ૯-બુમરાહ, ૧૦-હાર્દિક, ૧૧-શેફર્ડ, ૧૨-મઢવાલ, ૧૩-કોએટઝી, ૧૪-શેફર્ડ, ૧૫-મઢવાલ, ૧૬-હાર્દિક, ૧૭-બુમરાહ, ૧૮-કોએટઝી, ૧૯-બુમરાહ, ૨૦-હાર્દિક.

ચેન્નઇનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (૬૯ રન, ૪૦ બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) તેની શ્રેષ્ઠમાં ગણી શકાય એવી ઇનિંગ્સ રમ્યો હતો. ૩૮મા રન પર તેને જીવતદાન મળ્યું હતું. મઢવાલના બૉલમાં મિડ વિકેટ પર રોહિતે તેનો કૅચ છોડ્યો હતો. ગાયકવાડ અને શિવમ દુબે વચ્ચે ત્રીજી વિકેટ માટે ૯૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. તેમણે જ ટીમનો સ્કોર ૬૦ ઉપરથી ૧૫૦ સુધી પહોંચાડ્યો હતો.

ચેન્નઇએ બીજી જ ઓવરમાં રહાણેની વિકેટ ગુમાવી હતી. કોએટઝીના બૉલમાં તે મિડ-ઓન પર હાર્દિકના હાથમાં કેચઆઉટ થયો હતો અને વાનખેડેમાં પ્રેક્ષકોમાંથી અભૂતપૂર્વ અવાજ સંભળાયો હતો. રહાણેને ઓપનિંગમાં પ્રમોટ કરવાની સીએસકેની ગણતરી ઊલટી સાબિત થઈ હતી.

આઠમી ઓવરમાં રાચિન વિકેટકીપર કિશનના હાથમાં કેચઆઉટ થયો હોવાની બોલર ગોપાલ અને સાથીઓએ અપીલ કરી હતી, પણ અમ્પાયરે આઉટ ન આપતાં રીવ્યુ લેવામાં આવી હતી અને થર્ડ અમ્પાયરે રાચિન (૨૧ રન)ને આઉટ જાહેર કર્યો હતો.

એ પહેલાં, હાર્દિકે ટૉસ જીતીને ભેજને ધ્યાનમાં રાખી ફિલ્ડિંગ પસંદ કરી હતી કે જેથી રાત્રે ચેન્નઇના બોલર્સને બૉલ પર ગ્રિપ મેળવવામાં તકલીફ થાય અને મુંબઈને ટાર્ગેટ ચેઝ કરવામાં મુશ્કેલી ન પડે.

મુંબઈની ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કરાયો, પણ ચેન્નઇએ થીકશાનાના સ્થાને પથિરાનાને ટીમમાં સમાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button