અસ્મિતા મહાસંમેલનઃ રુપાલાની ટિકિટ પાછી ખેંચવા મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપ્યું અલ્ટિમેટમ

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે દરરોજ મુસીબત વધતી જાય છે. રૂપાલાએ ક્ષત્રિય રાજવીઓ માટે કરેલો બફાટ તેમને અને ભાજપને ભારે પડી રહ્યો છે. તેમણે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ ત્રણ વખત માફી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે, જે આજે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનમાં જોવા મળ્યો હતો. ક્ષત્રિયોના આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.
આ મહાસંમેલનમાં ઉમટેલી લાખોની ભીડ વચ્ચે ક્ષત્રિય સમાજે ભાજપના ટોચના નેતૃત્વને અલ્ટીમેટમ આપ્યું છે કે જો રાજકોટ સીટ પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ટીકીટની કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એક થઈને તેમની સામે વોટ આપશે. રાજકોટ સીટ પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને ફરી એક વખત ગંભીર ચેતવણી આપી છે. રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ રૂપાલાની ટીકીટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે.
અસ્મિતા મહાસંમેલનને સંબોધન કરતા ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ કહ્યું કે શરૂઆત આપણે નથી કરી, જે 70 વર્ષના છે અને જેમના માથાના બધા વાળ સફેદ થઈ ગયા છે તેવા પીઢ નેતા, અનુભવી વ્યક્તિએ ભૂલ કરી છે.કરણસિંહ ચાવડાએ રામાયણના પ્રસંગનું ઉદાહરણ આપીને કહ્યું કે સંયમ રાખવાનો છે. અત્યાર સુધી જે ચાલ્યું એ પાર્ટ-1 હતું, હવે પાર્ટ-2 શરૂ થશે. બે જ વાત છે, શરણાગતિ સ્વીકારો અથવા લડાઈ માટે તૈયાર રહો. ક્ષત્રિય સમાજના અશ્વમેઘના આ યજ્ઞનો અશ્વ સમગ્ર ગુજરાતમાં ફરીને આજે રાજકોટ આવ્યો છે, અને હવે ગાંધીનગર જશે, કોઈનામાં તાકાત હોય તો આ અશ્વ રોકી જુઓ.
શ્રી રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાએ કહ્યું કે, આજે ભાજપ વાળા સમજતા નથી, રૂપાલા તમને રૂપાળા કેમ લાગે છે. આખો સમાજ એક બાજું અને એક વ્યક્તિને હટાવી નથી શકતા. ભાજપને 400 પાર કરવા ટિકિટ જોઈએ છીએ. રાજપૂતોને ટિકિટ આપો તો 500 પાર થઈ જશે. આ સભા પૂર્ણ થાયને અમે ઘરે જઈએ અને તમે બ્રેકિંગ ન્યૂઝ આપો કે રૂપાલા હટી ગયા.
ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનને સંબોધન કરતા તૃપ્તિબા રાઓલે કહ્યું કે ‘પાર્ટીમાં વિખવાદ હોય તો બેઠક પર જાહેર થયૅલા ઉમેદવાર બદલવામાં આવે છે, રાતોરાત મંત્રીમંડળ બદલવામાં આવે છે. તો બહેન-દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનાર રૂપાલાને કેમ બદલવામાં નથી આવતા? શું તમે એવો સંદેશ આપવા માંગો છો કે સત્તા પર બેસવા માટે આવા રાજકારણીઓ જ્ઞાતિ-જાતિની બહેન-દીકરીઓ વિશે ગમે એવું નિવેદન આપે? ‘
મહિપાલસિંહ મકરાણાએ સંબોધન શરૂ કરતા પહેલા તમામ લાઇટો બંધ કરાવી મોબાઈલ લાઇટો ચાલુ કરાવી જય રાજપૂતાના અને જયભવાનીના નારા લગાવ્યા હતા. તેમજ રૂપાલા હાય હાય નહીં બાય બાય કહેવા આહવાન કર્યું હતું.
પદ્મિનિબા વાળાએ જણાવ્યું કે, એકતા હશે તો જીત આપણી જ છે. હવે તો રૂપાલાભાઈને એવું થતું હશે કે કોના અડફેટે ચડી ગયા? હવે થાય શું? ઘોબા તો ઉપાડવાના બાકી છે ભાઈ… ક્ષાત્રત્વ જાળવી રાખજો, હિન્દુત્વનું લોહી જે છે એ આપણામાં તો છે જ. વિનાશકાળે વિપરિત બુદ્ધિ. આ પશુભાઈ શું બોલી ગયા? હવે એમ થતું હશે કે ના બોલ્યો હોત તો સારું હતું. ક્ષત્રિયાણીઓ જો વટે ચડેને તો કાં મરે અથવા તો મરે.
રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આ એક સંસદસભ્યની ટિકિટ રદ કરાવવા પૂરતો મામલો નથી. પણ આ તો ફરજિયાત પ્રશ્ન છે. ભારત દેશમાં છેલ્લા થોડા સમયથી નૈતિક અધઃપતન થઈ રહ્યું છે તેને અટકાવવાની જવાબદારી તો કોઈએ લેવી પડશેને? એને કોણ અટકાવશે? એના માટે જ આ તૈયારી કરી છે. અત્યાર સુધી જે ધૈર્ય રાખ્યું, કુનેહ વાપરી કે જે આયોજનો કર્યા. પરંતુ હવે ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકશાહીઢબે આપણે આપણું કામ કરવાનું છે. કાયદાની મર્યાદામાં કરવાનું છે, શિસ્તબદ્ધ રીતે કરવાનું છે.