નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપનો ચૂંટણી ઢંઢેરો: વિપક્ષોની પસ્તાળ,જૂના વચનોની જવાબદેહી નથી, પોકળ શબ્દોની જાદુગરી

નવી દિલ્હી: ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા લોકસભાની ચૂંટણી માટેના ચૂંટણીઢંઢેરાની ટીકા કરતાં કૉંગ્રેસે તેને જૂમલા પત્ર ગણાવ્યું હતું. લોકસભા ચૂંટણીને માટે ભાજપના મુખ્યાલય ખાતે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ચૂંટણી ઢંઢેરામાં લખેલા મુખ્ય મુદ્દામાં યુસીસીનો અમલ, મફત વીજળી અને ત્રણ કરોડ નવા મકાનો બનાવવાની ગેરંટી સામેલ છે. ભાજપના આ ચૂંટણી ઢંઢેરાને મોદીની ગેરંટી નામ આપવામાં આવ્યું છે. પરંતુ હવે આ ચૂંટણી ઢંઢેરાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાની પ્રતિક્રિયા સામે આવી છે.

ભાજપના ચૂંટણી ઢંઢેરામાંથી બે શબ્દો ગાયબ: રાહુલ ગાંધી
ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે ભાજપના મેનિફેસ્ટો અને નરેન્દ્ર મોદીના ભાષણમાંથી બે શબ્દો ગાયબ છે – મોંઘવારી અને બેરોજગારી. ભાજપ લોકોના જીવન સાથે જોડાયેલા સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવા માંગતી નથી. ઈન્ડી ગઠબંધનની યોજના એકદમ સ્પષ્ટ છે, 30 લાખ પદ પર ભરતી અને દરેક શિક્ષિત યુવાનોને નોકરી. આ વખતે યુવાનો મોદીની જાળમાં ફસાવાના નથી, હવે તેઓ કોંગ્રેસના હાથ મજબૂત કરશે અને દેશમાં રોજગાર ક્રાંતિ લાવશે.

સંકલ્પ પત્ર નહીં, બંધારણ બદલાપત્ર છે: પ્રિયંકા ગાંધી
ભાજપના ચૂંટણી ઢંઢેરા પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે, ભાજપનો ચૂંટણી ઢંઢેરો માત્ર દેખાડો છે. તેમનો વાસ્તવિક ઢંઢેરો બંધારણ બદલાપત્ર છે. ભાજપના નેતાઓ અને ભાજપના ઉમેદવારો બંધારણ બદલાપત્રો લઈને ફરે છે અને તેમના ભાષણોમાં બાબાસાહેબના બંધારણને બદલવાની વાત કરી રહ્યા છે. યાદ રાખો, આ તમામ રાષ્ટ્રવિરોધી, અસામાજિક, લોકશાહી વિરોધી કાવતરા ભાજપે નીચેથી શરૂ કર્યા છે અને આપણે સૌ સાથે મળીને બંધારણ બદલવાનો ઈરાદો ધરાવનારાઓને હરાવીશું.

મલ્લિકાર્જુન ખડગેએ જૂની ગેરેન્ટીની જવાબદેહીનો પ્રશ્ર્ન ઉઠાવ્યો
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પ્રહાર કરતા કહ્યું હતું કે, જૂની ગેરંટી માટે કોઈ જવાબદારી નથી, ખાલી શબ્દોની છેડછાડ છે. મોદીની ગેરંટી = જુમલાની વોરંટી.

ભાજપે માફી માંગવી જોઈએ: પવન ખેડા
કોંગ્રેસના નેતા પવન ખેરાએ ભાજપના ચૂંટણી ઢંઢેરા સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમને ભાજપના ચૂંટણી ઢંઢેરાના નામ સામે વાંધો છે. ભાજપના ચૂંટણી ઢંઢેરાનું નામ માફીપત્ર હોવું જોઈએ. છેલ્લા 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ ભાજપે તમામ ખેડૂતો, મજૂરો અને સૈનિકોની માફી માંગવી જોઈએ.’

સુપ્રિયા શ્રીનેતે ભાજપના ચૂંટણી ઢંઢેરાને જુમલા ગણાવ્યા
કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે ભાજપના ચૂંટણી ઢંઢેરાને જુમલો ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે,ચૂંટણી ઢંઢેરામાં નોકરી શબ્દ માત્ર બે વાર જ લખવામાં આવ્યો છે. ખેડૂતોને એમએસપી (ટેકાના ભાવ)નો કોઈ ઉલ્લેખ નથી. મહિલાઓ, અનામત અને આતંકવાદ જેવા મુદ્દાઓને પણ સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવ્યા છે. મેનિફેસ્ટોમાં મોંઘવારી, મહિલા સુરક્ષા અને મણિપુરનો કોઈ ઉલ્લેખ નથી.

76 પાનાના ઢંઢેરામાં 53 ફોટા કેમેરાજીવીના
કૉંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું હતું કે 76 પાનાના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કેમેરાજીવીના 53 ફોટા મૂકવામાં આવ્યો છે. છેલ્લા દસ વર્ષમાં દેશનું સત્યાનાશ કાઢનારા માટે વિદાયનું સારું સ્મૃતિચિહ્ન છે.

બેરોજગારી, ખેડૂતો અને ફુગાવાની અવગણના કરાઈ: તેજસ્વી યાદવ
પટના: આરજેડીના સિનિયર નેતા તેજસ્વી યાદવે ભાજપના ચૂંટણી ઢંઢેરાની ટીકા કરતાં કહ્યું હતું કે તેમાં બેરોજગારી, ખેડૂતોને લગતા પ્રશ્ર્નો અને મોંઘવારી જેવા મહત્ત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી છે. દેશના 60 ટકા યુવાનો માટે, 80 ટકા ખેડૂતો અને દેશના ગામડાઓ માટે તેમાં કશું જ નથી. વાસ્તવમાં સિદ્ધ થાય છે કે જનતા માટે ભાજપ પાસે કશું જ નથી.

ડૂબેલી બૅન્કનો પોસ્ટ ડેટેડ ચેક: તેલંગણાના મુખ્ય પ્રધાન
હૈદરાબાદ: ભાજપના ચૂંટણી ઢંઢેરાની સરખામણી તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંથ રેડ્ડીએ રવિવારે ડૂબેલી બૅન્કના પોસ્ટ ડેટેડ ચેક સાથે કરી હતી અને જણાવ્યું હતું કે લોકો ભગવી પાર્ટીને નકારી કાઢશે અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની સરકાર લોકોના દુ:ખ દર્દ દૂર કરશે.


તેમણે એવી પણ ટીકા કરી હતી કે વિકસિત ભારતનું વિઝન 2004ના શાઈનિંગ ઈન્ડિયાનું પુનરાવર્તન છે. બે નિષ્ફળ મુદત બાદ હવે ભાજપની શાઈનિંગ ઈન્ડિયાને ફગાવી દીધી છે.

મોદીની શું ગેરેન્ટી છે? સીપીઆઈ
ભાજપ દ્વારા મોદી કી ગેરેન્ટી નામે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો તેની ટીકા કરતાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી ડી. રાજાએ કહ્યું હતું કે વડા પ્રધાનની ગેરેન્ટીનો અર્થ શું થાય છે. મોદીની ગેરેન્ટી એટલે દેશની અધોગતિની ગેરેન્ટી છે. એક રીતે મોદીની ગેરેન્ટીમાં ભાજપ-આરએસએસનું કોમી, ફાસીવાદી આપખુદશાહીનું પ્રતિબિંબ જોવા મળે છે.

મોદી ગેરેન્ટી=ઝીરો વૉરન્ટી: તૃણમુલ કૉંગ્રેસ
તૃણમુલ કૉંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે શું ચૂંટણી ઢંઢેરો? મોદી ગેરેન્ટી= નો વૉરન્ટી. તેમણે પોતાના દ્વારા એક લેખ દર્શાવ્યો હતો જેમાં ભાજપના 25 કરોડ નોકરી, ખેડૂતોની આવક બમણી કરવાના અને કાળા નાણાં પાછા લાવવાની વાતો કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button