મુંબઈ: ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમમાં એક સમયે આઇપીએલના ટોચના બૅટર્સમાં સુરેશ રૈનાની બોલબાલા હતી. 2021માં તે નિવૃત્ત થયો એ અરસામાં તેના રન તમામ ખેલાડીઓમાં સૌથી વધુ હતા. તે રિટાયર થયો ત્યારે તેના નામે 5,528 રન હતા અને તે પાંચમા નંબરે છે. જોકે હવે તો ચાર બૅટર્સ તેનાથી આગળ છે અને એમાંના ત્રણ ભારતના છે. વિરાટ કોહલી (7,528) પહેલા સ્થાને, શિખર ધવન (6,769) બીજા સ્થાને, ડેવિડ વૉર્નર (6,563) ત્રીજા સ્થાને અને રોહિત શર્મા (6,367) ચોથા સ્થાને છે.
રૈનાની વાત પર પાછા આવીએ તો તેના પછી હવે મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈની ટીમ વતી 5,000 રન પૂરા કરનાર બીજા નંબરનો બૅટર બનવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો: સ્ટાર્કનો અસલી સ્પાર્ક, લખનઊની લડતને કાબૂમાં રાખી
રૈના ચેન્નઈ વતી 5,000 રન બનાવનારો પ્રથમ ખેલાડી હતો. ધોનીના નામે કુલ 5,151 રન છે, પરંતુ તે અમુક મૅચો રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ વતી પણ રમ્યો હતો. ચેન્નઈ વતી ધોની 249 મૅચ રમ્યો છે જેમાં તેણે એ ટીમ વતી 4,996 રન બનાવ્યા છે અને આજે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ચાર રન બનાવશે એટલે ચેન્નઈ વતી 5,000 રન બનાવનારો રૈના પછીનો બીજો ખેલાડી બનશે.
ધોનીને રૈના પોતાનો ગુરુ માનતો હતો, પણ આજે ગુરુને શિષ્યના રેકૉર્ડની બરાબરીમાં આવવાની તક મળી છે.
ધોનીએ 2008ની 19મી એપ્રિલે ચેન્નઈ વતી ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી મૅચ કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાઈ હતી. ધોની બે વર્ષ (2016, 2017)માં ચેન્નઈની ટીમને સસ્પેન્ટ કરાઈ હતી ત્યારે બે વર્ષ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ વતી રમ્યો હતો.
Taboola Feed