આમચી મુંબઈમહારાષ્ટ્ર

સક્ષમ નેતા એકનાથ શિંદે ,કૃપાલ તુમાને, શિવતારે પછી ભાવના ગવળીને પણ સમજાવવામાં સફળ: અસંભવ લાગતી બાબતો શક્ય બનાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજ્યના સૌથી મજબૂત નેતા તરીકે સામે આવી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી અનેક પક્ષોમાં નારાજગી અને અસંતુષ્ટિ જોવા મળી રહી છે. બધા નેતાઓમાં ફક્ત એકનાથ શિંદે પોતાના પક્ષમાં રહેલી બધી નારાજીને દૂર કરવામાં સફળ થયા હોવાનું જોવા મળી રહ્યું છે.


સત્તાધારી યુતિમાં સામેલ હોવાને કારણે શિવસેનાના ઉમેદવારો બાબતે કેટલાક નિયંત્રણો આવ્યા હતા અને તેને કારણે કેટલાક સંસદસભ્યોની ઉમેદવારી કાપવાની પણ ફરજ પડી હતી. અન્ય પક્ષોમાં આવી બાબતે ખાસ્સી નારાજી થાય અને બળવાખોરી થાય છે, પરંતુ શિવસેનાના સક્ષમ નેતા એકનાથ શિંદે બધાને ખાળવામાં સફળ રહ્યા હતા અને તેમની પાર્ટીમાંથી કોઈ નેતા ઉમેદવારી મેળવવાની લાલચે અન્ય પક્ષમાં જોડાયો નહોતો. જ્યારે શિસ્તબદ્ધ મનાતી ભાજપમાંથી નેતાઓ પાર્ટીને છોડીને જઈ રહ્યા છે. આમ હવે એકનાથ શિંદેના નેતૃત્વને મજબૂત માનવામાં આવી રહ્યું છે.


આ વખતે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ન આપી શકાય એવી સ્થિતિ કૃપાલ તુમાને અને ભાવના ગવળી સાથે થઈ હતી. બંને વર્તમાન સંસદસભ્ય હતા અને અપેક્ષા રાખી રહ્યા હતા. એકનાથ શિંદેએ પહેલાં રામટેકના કૃપાલ તુમાનેને સમજાવ્યા હતા અને તેઓ બહારથી આવેલા નેેતા માટે આ બેઠક પરથી પ્રચાર કરવા તૈયાર થઈ ગયા હતા.
યવતમાળ-વાશિમના 25 વર્ષથી સંસદસભ્ય રહેલા ભાવના ગવળીને ઉમેદવારી ન આપવામાં આવી તેને મોટું પગલું માનવામાં આવતું હતું અને તેમની નારાજગી પણ ખાસ્સી હતી. બધાને એવું લાગતું હતું કે તેઓ અપક્ષ અથવા અન્ય પક્ષમાં જઈને ચૂંટણી લડશે. આ બેઠક પરથી જેમને ઉમેદવારી આપવામાં આવી તે રાજશ્રી પાટીલનો પરાજય પાક્કો માનવામાં આવતો હતો. એકનાથ શિંદે દ્વારા તેમને બે-ત્રણ વખત બોલાવવામાં આવ્યા, પરંતુ તેઓ પોતાની જીદ પર અડેલા હતા. આખરે શનિવારે ભાવના ગવળી પોતાના કાર્યકર્તાઓ સાથે મુખ્ય પ્રધાનના વર્ષા બંગલો પર પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાન સાથે લગભગ એક કલાકની બેઠક બાદ ભાવના ગવળીના સૂર બદલાઈ ગયા હતા.


ભાવના ગવળીએ કહ્યું હતું કે પાર્ટી મારા માટે સૌથી પહેલી છે અને રાજશ્રી પાટીલ માટે હું પ્રચાર કરીશ.


આ પહેલાં શિંદે સેનાના અન્ય એક નેતા વિજય શિવતારેનો વિવાદ થયો હતો અને તેમણે એનસીપીના બારામતીના ઉમેદવાર સુનેત્રા પવાર અને સુપ્રિયા સુળે સામે ચૂંટણી જંગમાં ઉતરવાનું એલાન કરી દીધું હતું અને ભારે તૈયારીઓ પણ કરી હતી. આ બધાને કારણે યુતિ ધર્મમાં અવરોધ ઊભો થઈ રહ્યો હતો અને એકનાથ શિંદેનું નામ ખરાબ થઈ રહ્યું હતું. પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવે તો પણ ચૂંટણી લડવાની જાહેરાત વિજય શિવતારેએ કરી નાખી હતી અને બળવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો ત્યારે એકનાથ શિંદેએ હસ્તક્ષેપ કરીને વિજય શિવતારેને સમજાવ્યા હતા અને સમજાવટ સફળ થતાં હવે વિજય શિવતારે સુનેત્રા પવારનો પ્રચાર કરવા તૈયાર થઈ ગયા છે. આમ મુશ્કેલ સ્થિતિને સંભાળવામાં એકનાથ શિંદે સક્ષમ હોવાનું વધુ એક વખત સિદ્ધ થયું છે, એવું રાજકીય નિરીક્ષકોનું માનવું છે.


કેટલાક રાજકીય વિશ્ર્લેષકો ત્યાં સુધી કહી રહ્યા છે કે પક્ષમાં રહેલી નારાજગીને દૂર કરવામાં શરદ પવાર અને દેવેન્દ્ર ફડણવીસ કરતાં એકનાથ શિંદે વધુ સક્ષમ પુરવાર થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button