સલમાનના ઘર બહાર ફાયરિંગની જવાબદારી લેનારી ગેંગે કહ્યું ‘આ તો ટ્રેલર છે…’
મુંબઈ: બોલીવુડના અભિનેતા સલમાન ખાનના બાન્દ્રા ખાતે આવેલા ગેલેક્સી નિવાસસ્થાન બહાર આજે સવારે અજાણ્યા લોકોના ફાયરિંગ કર્યાની ઘટનાથી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. સલમાન ખાનના ઘરની બહારના ફાયરિંગના બનાવમાં સત્તાવાર રીતે લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ જવાબદારી સ્વીકારી છે. અમેરિકામાં રહેતા અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ હુમલા અંગે મોટો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો: સલમાન ખાન કોમેડિયન કુણાલ કામરા સામે માનહાનીનો કેસ કરશે? નજીકના મિત્રએ કરી સ્પષ્ટતા
સલમાન ખાનના ઘરની બહાર હુમલાના થોડા સમય બાદ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ હુમલાની જવાબદારી લીધી છે, જે બાબતે તેણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. અનમોલ બિશ્નોઈએ લખ્યું હતું કે આ હુમલો તો માત્ર ટ્રેલર છે અને આ અમારી પહેલી અને છેલ્લી વોર્નિંગ છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અનમોલે લખ્યું છે કે ‘અમે શાંતિ ઈચ્છીએ છીએ. જો જુલમ વિરુદ્ધ યુદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવે તો યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન, અમે તો ફક્ત ટ્રેલર બતાવવા માટે કર્યું છે. પણ આ પહેલી અને છેલ્લી ચેતવણી છે, જે પછી ખાલી ઘર ગોળી ચલાવવામાં આવશે નહીં. પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે તું દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માને છે પણ અમને વધુ બોલાવાની આદત નથી. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ, ગોલ્ડી બ્રાર ગ્રુપ, કાલા જાથેડી ગ્રુપ.’
આ પણ વાંચો: સલમાન ખાનના એપાર્ટમેન્ટની બહાર ફાયરીંગ
સલમાનના ઘરની બહાર ફાયરિંગ બાદ તેના ઘરની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ની બહાર બાઇક પર આવેલા એ અજાણ્યા શખસોએ ચાર રાઉન્ડ ફાયર કરીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ગોળીબાર કરનાર આરોપીઓની શોધ લેવા માટે પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહે છે. સલમાન ખાનને આ પહેલા પણ બિશ્નોઈ ગેંગ તરફથી અનેક વખત મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.