ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની આ સીઝનમાં પણ પંજાબ કિંગ્સ(PBKS) સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે, ટીમ તેના 6 મેચ માંથી માત્ર 2 મેચ જ જીતી શકી છે. ગઈ કાલે રાજસ્થાન રોયલ્સ(RR) સામેની મેચમાં પણ પંજાબ કિંગ્સની કારમી હાર થઇ હતી. એવામાં ટીમને હવે મોટો ઝટકો લાગ્યો છે. હવે પંજાબના કેપ્ટન શિખર ધવન(Shikhar Dhawan)ને અંગે ચિંતાજનક સમાચાર મળ્યા છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં ધવન ઈજાના કારણે ટીમની બહાર રહ્યો હતો. તાજેતરના અહેવાલ મુજબ શિખર ધવન ઈજાને કારણે આગામી કેટલીક મેચમાંથી બહાર રહી શકે છે.
શિખર ધવનની ગેરહાજરીમાં સેમ કુરેને રાજસ્થાન સામે પંજાબ કિંગ્સની કમાન સંભાળી હતી. ધવનની ઈજા અંગે પંજાબ કિંગ્સના હેડ ઓફ ક્રિકેટ ડેવલપમેન્ટ સંજય બાંગરે કહ્યું, “સ્વાભાવિક રીતે શિખરની કમી વર્તાઈ હતી. તેના ખભામાં ઈજા થઇ હતી. મને લાગે છે તે આગામી કેટલીક મેચો માટે ટીમની બહાર રહી શકે છે. આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે તેની સારવારનું પરિણામ કેવું રહે છે, પરંતુ અત્યારે એવું લાગે છે કે તે આગામી 7 થી 10 દિવસ માટે બહાર રહી શકે છે.”
આગામી 10 દિવસમાં પંજાબ તેની આગામી બંને મેચ હોમ ગ્રાઉન્ડ પર જ રમશે. પ્રથમ મેચ 18 એપ્રિલ ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. આ પછી, હોમ 21 એપ્રિલ, રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે મેચ રમાશે.
વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સની હાલત ખૂબ જ નબળી જણાઈ રહી છે. ટીમે સિઝનમાં 6 મેચ રમી છે, જેમાંથી તેને માત્ર 2માં જ જીત મળી છે. ટીમે આઈપીએલ 2024ની શરૂઆત જીત સાથે કરી હતી. પ્રથમ મેચમાં પંજાબે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ સામેની બે મેચ હારી ગઈ હતી. ત્યાર બાદની મેચમાં ટીમે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ પછી ટીમને હૈદરાબાદ અને રાજસ્થાન સામેની બે મેચમાં હાર મળી હતી.