Firing on Salman: બે અજાણ્યા શખ્શો સામે ગુનો, મુખ્ય પ્રધાને કરી વાત, વિપક્ષોની ટીકા
મુંબઈઃ અભિનેતા સલમાન ખાનના બાન્દ્રા સ્થિત બંગલાની બાલ્કની સામેથી જ બાઈકમાં પસાર થયેલા બે શખ્સએ ફાયરિંગ કર્યાની ઘટના બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અભિનેતા સાથે વાત કરી હતી. શિંદેએ અભિનેતાને ફોન કરી તેના હાલચાલ પૂછ્યા હતા તેમ જ યોગ્ય સુરક્ષાની ખાતરી આપી હતી. દરમિયાન વિપક્ષના નેતા સંજય રાઉતે ઘટનાની ટીકા કરી હતી. તેમણે નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરતા જણાવ્યું હતું કે તેઓ હાલમાં રાજકારણમાં વ્યસ્ત છે. વિપક્ષના નેતાઓ સામે ખોટા ગુના દાખલ કરવાનું તેમને આવડે છે, પરંતુ શહેરમાં અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે. જ્યારે પોલીસે બે અજાણ્યા શખ્શો સામે ગુનો નોંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
દબંગ અભિનેતા સલમાન ખાનના બાન્દ્રા ખાતેના ઘર ગેલેક્સી પર બહારથી ફાયરિંગ કરી નાસી છૂટેલા શખ્સનો એક કથિત વીડિયો બહાર આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં બે યુવાનો બાઈક પર અહીંથી પસાર થતા દેખાઈ રહ્યા છે. રવિવારે સવારમાં બનેલી આ ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ અહીં હાજર થયા હતા.
આ ફૂટેજમાં બન્ને બાઈકર ખૂબ જ ઝડપથી સલમાનના ઘર પાસેથી પસાર થતા દેખાય છે. ગોળીઓના છ રાઉન્ડ થયા છે. ગોળીઓ બંગલાની બાલ્કની તરફ ચલાવવામાં આવી હતી. અહીં સલમાન પોતાના જન્મદિવસે અથવા તહેવારોમાં ચાહકોનું અભિવાદન ઝીલવા આવતો હોય છે.
હાલમાં સલમાનના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.