આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

આજે ક્ષત્રિયોનું મહાસંમેલનઃ રાજકોટ ફેરવાયું કિલ્લામાં, પોલીસનો ચાંપતો બંદોબસ્ત

રાજકોટઃ એક તરફ કૉંગ્રેસે પટેલ નેતા પરેશ ધનાણીને રાજકોટની ઉમેદવારી આપી રાજકોટ લોકસભાની બેઠક રસાકસીવાળી બનાવી છે તો બીજી બાજુ આજે ક્ષત્રિયોના સંમેલનને લીધે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાયું હોવાની સ્થિતિ છે. ક્ષત્રિયોએ આજે રાજકોટથી 15 કિલોમીટર દૂર આવેલા રતનપરમાં મહાસંમેલન બોલાવ્યું છે, જેમાં એક અંદાજ પ્રમાણે 50,000થી વધારે ક્ષત્રિયો ભેગા થાય તેવી સંભાવના છે.

પોલીસ ફોર્સના વડા ડીજીપી વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સ દ્વારા તૈયારીની સમીક્ષા કરી હતી. મળતી માહિતી અનુસાર રાજકોટને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. શહેરના એન્ટ્રી એક્ઝિટ પૉઈન્ટ પર બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે આ સાથે ક્ષત્રિય સમાજના સભ્યો આખા રાજ્યમાંથી મહાસંમેલનમાં આવવાના હોય, રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને પણ સતર્ક રહેવા જણાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પહેલેથી જ 133 ચેકપોઈન્ટ્સ છે, છતાં વધારે ચેક પોઈન્ટ્સ ઉભા કરવામાં આવ્યા છે, જેથી ક્ષત્રિય મહાસંમેલનમાં આવતાજતા લોકો પર નજર રાખી શકાય.

રાજકોટના લોકસભાના ભાજપના ઉમેદવાર અને મજબૂત નેતા પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદાસ્પદ નિવેદન બાદ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. રૂપાલાએ બે વાર માફી માગી હોવા છતાં ક્ષત્રિય સમાજ રાજી ન થતા તેમણે રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માગણી યથાવત રાખી રાજ્યભરમાં સંમેલનો કર્યા છે. જોકે આ દરમિયાન ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડ્યા છે જ્યાં એક તરફ આ વિવાદને પૂર્ણવિરામ મૂકવાની અપીલ થઈ રહી છે જ્યારે બીજી બાજુ ક્ષત્રિય સમાજ માગણી પૂરી ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની જાહેરાત કરે છે. રાજ્યની ઘણી બેઠકો પર ક્ષત્રિયોનું વર્ચસ્વ છે ત્યારે આજના સંમેલન પર માત્ર રૂપાલા નહીં પણ તમામ ઉમેદવારોની નજર ટકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button