IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

KKR vs LSG: કોલકાતા હજી સુધી લખનઊ સામે નથી જીત્યું, આજે ઈડનમાં કસોટી

કેકેઆરમાં નીતિશ રાણા, હર્ષિત રાણાના કમબૅક થઈ શકે, સંભવિત પ્લેઇંગ-ઇલેવન પર કરીએ એક નજર

કોલકાતા: લખનઊ સુપર જાયન્ટ્સ હજી બે વર્ષ જૂની જ ટીમ છે અને એણે આજે ઈડન ગાર્ડન્સ પર એવી ટીમ સામે રમવાનું જે બે ટાઇટલ જીતી ચૂકી છે અને જેણે આ હોમ ગ્રાઉન્ડ પર ક્યારેય લખનઊ સામે વિજય નથી મેળવ્યો. અત્યાર સુધીના તમામ ત્રણેય મુકાબલામાં લખનઊની જ જીત થઈ છે.

શ્રેયસ ઐયરની કોલકાતા નાઇટ રાઇડર્સ (એલએસજી) ટીમની માટે આજે (બપોરે 3.30 વાગ્યાથી) કોલકાતાના વિશ્ર્વવિખ્યાત ઈડન ગાર્ડન્સમાં આકરી કસોટી થશે. લખનઊ-કોલકાતા વચ્ચે છેલ્લે રમાયેલી ઈડનની મૅચ લખનઊએ એક રનથી જીતીને કોલકાતાના લાખો-કરોડો ચાહકોને આંચકો આપ્યો હતો.


લખનઊ અને કોલકાતાની ટીમ આ વખતે લાગલગાટ ત્રણ જીત મેળવ્યા બાદ એક પરાજયનો આઘાત સહન કરીને ઈડનમાં આવી છે. શુક્રવારે લખનઊની દિલ્હી સામે અને એ પહેલાં કોલકાતાની ચેન્નઈ સામે હાર થઈ હતી. ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર 2022 તથા 2023માં લખનઊની ટીમનો મેન્ટર હતો, પણ હવે કોલકાતાનો માર્ગદર્શક છે.


ઈડન ગાર્ડન્સના મેદાન પર કોલકાતાની ટીમના ચાહકોને ખુશ કરી દે એવું દૃશ્ય ગઈ કાલે જોવા મળ્યું. વાઇસ-કૅપ્ટન નીતિશ રાણા હાથની ઈજા બાદ પાછો પ્રૅક્ટિસ કરી રહ્યો હતો, જ્યારે અસરદાર સીમ બોલર હર્ષિત રાણા ખભાની ઈજામાંથી સાજો થઈને પાછો રમવા આવી ગયો હતો.


લખનઊની ટીમમાંથી દેવદત્ત પડિક્કલ અને દીપક હૂડા સ્થાન ગુમાવવાની તૈયારીમાં છે અને લખનઊના કૅમ્પમાંથી એવા અહેવાલ મળ્યા હતા કે જુનિયર ક્રિકેટનો હીરો અર્શિન કુલકર્ણી તેમ જ યુધવીર સિંહ તથા પ્રેરક માંકડમાંથી કોઈને રમવાનો મોકો આજે મળી શકે.

આઇપીએલનો સૌથી મોંઘો 24.75 કરોડ રૂપિયાવાળો કોલકાતાનો મિચલ સ્ટાર્ક લખનઊના નિકોલસ પૂરનને બે વાર આઉટ કરી ચૂક્યો છે. જોકે કોલકાતાના આન્દ્રે રસેલ સામે પૂરનનું પ્રભુત્વ રહ્યું છે. પૂરને રસેલના 69 બૉલમાં 105 રન બનાવ્યા છે.


કોલકાતામાં આજે તાપમાન 35 ડિગ્રી જેટલું રહેશે. ઈડનનો ઇતિહાસ કહે છે કે ટાર્ગેટ આપવા કરતાં એને ચેઝ કરવાનું વધુ પસંદ કરવામાં આવે છે. આજે સાંજે કોલકાતામાં હળવો વરસાદ પડી શકે. જોકે પુષ્કળ રનની ગૅરન્ટી પણ આપી શકાય એમ છે.


બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન આવી હોઈ શકે:
લખનઊ: કેએલ રાહુલ (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ/પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, અર્શદ ખાન, નવીન-ઉલ-હક અને યશ ઠાકુર. (12મો પ્લેયર એમ. સિદ્ધાર્થ).
કોલકાતા: શ્રેયસ ઐયર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, વેન્કટેશ ઐયર, રમણદીપ સિંહ/નીતિશ રાણા, આન્દ્રે રસેલ, રિન્કુ સિંહ, મિચલ સ્ટાર્ક, વૈભવ અરોરા/હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી. (12મો પ્લેયર સુયશ શર્મા).

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button