IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

RR vs PBKS: હૅટ્સ ઑફ ટુ હેટમાયર રાજસ્થાનને જિતાડીને રહ્યો

મુલ્લાનપુર: પંજાબમાં મોહાલીની નજીકના મુલ્લાનપુરમાં યજમાન પંજાબ કિંગ્સ (147/8)ને એક બૉલ બાકી રાખીને ત્રણ વિકેટે હરાવીને રાજસ્થાન રૉયલ્સે (19.5 ઓવરમાં 152/7) પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી હતી. છમાંથી પાંચ મૅચ જીતનાર રાજસ્થાનના 10 તથા છમાંથી ચાર મૅચ હારી ચૂકેલા પંજાબના ચાર પૉઇન્ટ છે.

શનિવારે પંજાબે 148 રનનો નાનો લક્ષ્યાંક આપ્યો હતો જે રાજસ્થાને સાત વિકેટના ભોગે 19.5 ઓવરમાં મેળવી લીધો હતો. ખરેખર તો ઈજાગ્રસ્ત કૅપ્ટન શિખર ધવનની ગેરહાજરીમાં પંજાબની બૅટિંંગ નબળી સાબિત થઈ, પરંતુ એના બોલિંગ આક્રમણને કારણે રાજસ્થાન માટે નાનો ટાર્ગેટ પણ મુશ્કેલ બની ગયો હતો.


કૅપ્ટન સંજુ સૅમસન 18 રન બનાવીને રબાડાના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો ત્યારે રાજસ્થાને 40 બૉલમાં જીતવા 59 રન બનાવવાના હતા. જોકે હાર્ડ-હિટર રિયાન પરાગ (23 રન, 18 બૉલ, એક સિક્સર, એક ફોર) ટૂંકી ઇનિંગ્સમાં પોતાની અસલ ઝલક દેખાડી ગયો હતો. ત્યાર બાદ શિમરૉન હેટમાયરે (27 અણનમ, 10 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) એક છેડો છેક સુધી સાચવી રાખ્યો અને પંજાબને ગમે એમ કરીને વિજય અપાવ્યો હતો. અર્શદીપ સિંહની 20મી ઓવરમાં રાજસ્થાને જીતવા 10 રન બનાવવાના હતા. પહેલા બે ડૉટ-બૉલ બાદ હેટમાયરે 6, 2, 6ના સ્કોરિંગ શૉટ સાથે રાજસ્થાનને જીત અપાવી હતી.


યશસ્વી જયસ્વાલ (39 રન, 28 બૉલ, ચાર ફોર) પૂરો ફૉર્મમાં નહોતો આવ્યો. તેની અને તનુષ કોટિયન (24 રન, 31 બૉલ, ત્રણ ફોર) વચ્ચે 56 રનની ઉપયોગી ઓપનિંગ ભાગીદારી થઈ હતી. કોટિયન મુંબઈને રણજી ટ્રોફી અપાવ્યા પછી હવે આઇપીએલમાં નવોદિત તરીકે રમવા આવ્યો છે. પંજાબ વતી રબાડા અને કાર્યવાહક કૅપ્ટન સૅમ કરૅને બે-બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ અર્શદીપ, હર્ષલ પટેલ, લિવિંગ્સટનને મળી હતી.


એ પહેલાં, પંજાબે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 147 રન બનાવ્યા હતા. પંજાબે છેલ્લી છ ઓવરમાં 72 રન બનાવ્યા એટલે જ એનું ટોટલ સન્માનજનક સ્થિતિમાં આવ્યું હતું. પંજાબના એકેય બૅટરના નામે હાફ સેન્ચુરી નહોતી. મુખ્ય બૅટર શશાંક સિંહ ફક્ત નવ રન બનાવીને કુલદીપ સેનના બૉલમાં ધ્રુવ જુરેલને કૅચ આપી બેઠો હતો.


જોકે તેનો સાથી હાર્ડ-હિટર આશુતોષ શર્મા (31 રન, 16 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) અસલ મિજાજમાં રમ્યો હતો અને છેક છેલ્લા બૉલે આઉટ થયો હતો. વિકેટકીપર જિતેશ શર્માએ 24 બૉલમાં 29 રન, લિઆમ લિવિંગસ્ટને 14 બૉલમાં 21 રન બનાવ્યા હતા.

રાજસ્થાનના કેશવ મહારાજે અને આવેશ ખાને બે-બે વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ લીધી હતી અને એ સાથે આઇપીએલમાં તેના નામે હવે 198 વિકેટ છે. આગામી મૅચમાં તે બે વિકેટ લેશે એટલે 200 વિકેટ લેનારો આઇપીએલનો પહેલો બોલર બનશે.

શિખર ધવન નજીવી ઈજાને કારણે નહોતો રમ્યો અને પંજાબની ટીમનું સુકાન સૅમ કરૅનને સોંપાયું હતું. શિખરના સ્થાને અથર્વ ટેઇડને ટીમમાં સમાવાયો હતો. લિઆમ લિવિંગસ્ટને પણ ટીમમાં કમબૅક કર્યું હતું. રાજસ્થાનની ટીમમાં જૉસ બટલર અને આર. અશ્ર્વિન નહોતા. બન્ને પ્લેયર 100 ટકા ફિટ ન હોવાથી તેમના સ્થાને રૉવમૅન પોવેલ અને તનુષ કોટિયનને ટીમમાં સામેલ કરાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button