સરકારી મલમની કોમેડી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
કોઇ એક મામલામાં લોકોને ઇજા થઈ ચૂકી હતી અથવા એમ કહો કે ઘા થઇ ચૂક્યો હતો, પણ એ કેવી રીતે થયું? અને એવું થવાનું કારણ ગમે તે હોય, પણ જે થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. હવે વાત, ફક્ત મલમ લગાડવાની જ હતી. કારણ કે ઘા પર મલમ લગાડવો જરૂરી હતો. આવા ઘા ઘણાંને થયેલા. અનેક લોકોને થયેલા ઘા એક સમસ્યા બની ગયેલી. તો પ્રજા સામે સરકારી મલમ લગાડવો જરૂરી હતો . વળી, કેટલાક નેતાઓ કે રાજકીય લોકોનું માનવું હતું કે- ઘા એની મેળે સુકાય જશે.
આપોઆપ બલા એની મેળે ટળશે. વળી, એમને પાછો ડર એ વાતનો પણ હતો કે મલમ લગાડવાના ચક્કરમાં ઘા પાછો વકરી ન જાય…. માથા પર ચૂંટણી છે ને?!
બીજો સવાલ એ હતો કે મલમ કેવો કે શું હોવો જોઇએ? વળી મલમને લગાડવાવાળો કોણ હશે? કેટલાક નેતા લોકો, મલમ લગાડવામાં ઉતાવળ કરવાની તરફેણમાં હતા ને અમુક લોકો નહોતા. એમનું કહેવું એવું હતું કે પહેલા ઘાની પ્રકૃતિ ઓળખવામાં આવે ત્યાર પછી મલમ લગાડવાનો યોગ્ય રહેશે. રાહ જુઓ. બધું થઇ રહેશે. સરકારે આમાં બહુ પડવું નહીં. સમયથી મોટો મલમ કોઇ નથી.
પાછી સરકારની સમસ્યા એ પણ હતી કે બજારમાં ઘણા પ્રકારના મલમ હોય છે. એમાંથી કયો મલમ લગાડવો યોગ્ય રહેશે? આ નીતિ અને નૈતિકતાના પ્રશ્ર્નો હતા. કેટલાક લોકોને એ વાતનો ડર હતો કે જો અમે મલમ લગાડવામાં મોડું કરીશું તો કોઈ બીજું આવીને મલમ લગાડી જશે અને અમે ‘વાહવાહ’ લેવાથી વંચિત રહી જઈશું.
કેટલાક લોકો કહી રહ્યા હતા કે આ સમસ્યા તો સર્જરીની છે. ઘા પર માત્ર મલમ લગાડી દેવો- એ મેડિકલ દ્રષ્ટિએ એક ભૂલ છે. કેટલાક લોકોનું વિચારવું હતું કે ખાલી ઘા પર ધ્યાન આપવાને બદલે, એ લોકોને શોધવા જોઈએ, જેમના કારણે ઘા થયો છે. એ લોકો કોણ છે? આ પણ એક રાજકીય સમસ્યા છે. ઘા કરવા પાછળનું કારણ અને જેનાથી ઘા કરવામાં આવ્યા છે એ શસ્ત્રને પહેલા શોધવું જોઇએ. ત્યાર પછી જ કયો મલમ લગાડવો એનો નિર્ણય લેવો યોગ્ય છે. થોભો ને પછી મલમ વિશે વિચારો.
જ્યારે આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે જ સમાચાર આવ્યા કે ઘા રૂઝાવા લાગ્યા છે. કેટલાક લોકોએ વિચાર્યું કે જ્યારે ઘા રૂઝાવા માંડ્યો છે તો પછી મલમ લગાડવાની જરૂર જ નથી. બીજા કેટલાક લોકોનું એવું માનવું હતું કે મલમ લગાડી જ દેવો જોઇએ, જેથી ભવિષ્યમાં કોઈ એવું તો નહીં કહે કે ઘા પર મલમ લગાડ્યો જ નહોતો!
આ બધી ચર્ચા સાથે નેતાઓને એક શંકા એ પણ હતી કે જે લોકો ઘાયલ છે એ મલમ સ્વીકારશે કે નહીં? ધારો કે એ લોકો મલમને મલમ નહીં માને અને પોતાની ઉપર એક નવો ઘા જાહેર કરે તો પછી શું થશે? એ લોકો કેટલી માત્રામાં મલમની આશા રાખે છે? સંપૂર્ણ મલમ મળી ગયા પછી પણ ક્યાંક એ બીજો વધારે તો નહીં માગી બેસે ને?!
વાતાવરણમાં હજુ પણ રાહતની આશા હતી. આ બાજુ ઘામાં રૂજ આવી રહી હતી. એટલામાં એક નવી મુસીબત આવી ગઈ. જેમને ઇજા થઈ હતી, એમની પાસે કેટલાક સામાજિક કે રાજકીય લોકો સહાનુભૂતિ લઈને પહોંચી ગયા અને પેલા ઈજાગ્રસ્ત લોકોને પૂછવા માંડ્યા : શું આ સમાચાર સાચા છે કે તમને ઇજા થઈ છે?
‘હા, આ વાત સાચી છે. અમને દેખાડો, તમને ક્યાં ક્યાં વાગ્યું છે?’ જે લોકો ઇજાગ્રસ્ત હતા એમણે એમના ઘા દેખાડ્યા. નેતાએ કહ્યું: ‘જુઓ, તમે તમારા ઘાને સુકાવા દેશો નહીં. એને સતત તાજા રાખો. આશા છે કે એની પર મલમ લાગશે. અમે મલમ લગાડાવીને જ રહીશું! જો મલમ નહીં લાગ્યો તો એને નવો ઘા માનીશું. અમે ઇચ્છીએ છીએ એ જ મલમ લાગશે, પણ આ બધાં માટે તમારે ઘાને સતત તાજા રાખવા તમરે માટે બહુ જરૂરી છે.’ બસ, આટલું બોલીને એ સહાનુભૂતિ આપનાર લાલચી, ઢોંગી, પાખંડી રાજકીય લોકો જતા રહ્યા.
હવે જેમને ઘા થયા છે એમની સામે બે સમસ્યા છે: યા તો મલમ પણ લગાડવાનો કે પછી ઘાને તાજા પણ રાખવાના.
સરકાર પાસે મલમ નથી, જે છે એ સહાનુભૂતિ છે. એ જ મલમ એમને
માલૂમ છે. દરેક સમસ્યામાં આવું જ ચાલે રાખે છે. પ્રજાએ ઘા સાવવાવનો
ને મફતના મલમની રાહ જોવાની. ઘા થશે ને સંસદ કે એસેંબલીમાં ઘાના
પડઘા પડશે. બસ, આટલું જ થશે. બાકી નવા નવા ઘા તો લોકતંત્રમાં
થયા જ કરશે ને પ્રજા મલમ માટે રાહ જોયા કરશે.