ઉત્સવ

ટેબલ એપલ પેની

ટૂંકી વાર્તા -મધુ રાય

(ગતાંકથી ચાલુ)
-૨-
હરિલાલે આંખો ખોલી તો માથે બુકાની જેટલા પાટા હતા. હરિલાલને ધ્રાસકો પડ્યો કે હરામખોરે સાચેસાચ હૃત્તિક રોશન તો નથી બનાવી દીધોને? વાઇફ લોહી પી જાય કે હવે ગઢપણમાં નટીયુંના સપનાં આવે છે, રાજાજીને? વાઇફ અમુક ચીજને રાજાજી કહેતી. રાજાજી રીસાય ત્યારે હરિલાલ કહેતા, હની, કિયે છે ને કે રાજા, વાજાં ને વાંદરાં. કોઈના કહ્યામાં ન હોય.

પાટા ખોલવા બીજો ડોક્ટર આવેલો. હરિલાલે અરીસો માગ્યો, નો, નો, ફેઈસ તો આપણો જ છે, ફાઈન ફાઈન.

ટેબલ, એપલ, પેની!

યસ યસ. ખાનની રિસેપશનિષ્ટનું નામ જૂડી હતું. ને કેનેડાવાળા નાનકાના દીકરાનું નામ નીલ છે. નાનકાનું પોતાનું નામ રજત છે. એની વહુનું નામ શ્યામા છે. ઈ લોકો મિસિસાગામાં રહે છે. વનટ્વેન્ટી વેલિંગ્ટન સ્ટ્રીટ, સેક્ધડ ફ્લોર. ફોન નંબર વનનાઈનઝીરોફાઈવ ટુથ્રીટુ થ્રીથ્રીફોર ટુટુનાઈનટુ! ઢનટણણણ! હરિલાલે ઇન્કલાબ જિન્દાબાદની સાઈન કરીને પોતાની જાતને કોન્ગ્રેટ આપ્યા. ડોક્ટર વોટીઝ યોર નેમ?

ડોક્ટરે હાથ મિલાવીને કહ્યું કે ડોક્ટર ફોન્સેકા. મેં તમારી સર્જરી કરી છે. યસ, યસ, તરત હરિલાલને યાદ આવ્યું કે એમનું ઓપરેશન છાનામાના સાઉથ આફ્રિકાના કોલુમ્બિયા દેશની હોસ્પિટાલમાં થયેલું. યાદ આવ્યું કે આવતી વખતે વિમાનમાં એને મગફળીનું પડીકું વેચનાર એરહોસ્ટેસનું નામ હતું સીરીના. તમારી કાલની ફ્લાઈટ માટે રેડી? ડોક્ટરે પૂછયું.

ઓહ યસ, યસ. રેડીના કાકા. ટેબલ એપલ પેની.

ધીમે ધીમે જાણે મગજ ઉપરથી મોતિયો ઉતરાવ્યો હોય એમ હોલેન્ડ સોલ હરિલાલને બધું યાદ આવવા માંડ્યું. નુવર્ક એરપોર્ટ ઉપર ઊતરતાં જ લોકલ ટેક્સીનો ફોન નંબર મોઢે યાદ આવી ગયો.
આવતી વખતે કરેલી તે ટેક્સીના ડ્રાઈવરે લતા મંગેસકરનાં ગીત વગાડેલાં. ડ્રાઈવર ટર્કીનો હતો, નામ અલતાફ. હિન્દી ફિલ્મસોંગ ગમે છે? વ્હોટ? આઈડોન્નોવ, મને મ્યૂઝિક ગમે છે, ડ્રાઈવરે કહેલું. હરિલાલે મનોમન દાદ આપેલી. વ્હોટે ગ્રેટ આનસર. યસ, યસ. ડ્રાઈવર અલતાફની વાઈફ બ્લેક હતી, લુસિન્ડા. એની ટેક્સીનો નંબર હતો…

ફાઈન ફાઈન, હરિલાલે હરિલાલને કહ્યું. બહુ વાયડાયની જરૂર નથી. ત્યાં તો ટેક્સી આવી ગઈ. આ ટાઈમના ડ્રાઈવર જેડનની વાઈફ હતી કિયારા. એમને બે બાળકો હતાં…. સ્ટોપીટ. હરિલાલે મનોમન બૂમ પાડી. ઓક્કે, ઓક્કે, શોર્ટટાઈમ મેમોરીનો પોબલેમ સોલ થઈ ગયો છે. ઝાઝી ફિશિયારીની જરૂર નથી.

ટેબલ એપલ પેની તો ઘેર ગ્યું, પણ હવે આવું નોનસેન બધું સડસડ સડસડ યાદ આવવા માંડ્યું. હરિલાલને મુંઝારો થયો કે ગધનું ગયા જનમનું બધુંયે યાદ આવવા મંડસે કે સું? ને ગયા જનમનું યાદ આવે મીન્સ કે પછી તો કેટલા બધા જનમનું યાદ આવે? સાલું ચોરાસી લાખ જનમમાં પોતે કાંઈ કાળાં કામા કીધાં હોય તો ઈ યે બધું આખી જિંદગી યાદ આવતું રેસે? ને બ્રેઈનમાં કાંઈક લિમિટ તો હસે ને કે કેટલા ગિગાની મેમોરી છે? આહા! માણસનું ડેથ થાય ઈ ભગવાને કરેલી એક ટાઈપની જિન થેરેપી જ હસે ને?

ફરગેટીટ. હરિલાલે જાતને ટાપલો માર્યો. ડેથની વાત યાદ આવે ઈ ગઢપણની નિસાની કેવાય. તરત વાઈફની યાદ આવી. મનમાં ઉજાસ ઉજાસ થઈ ગયો. સાલું લાઈફમાં જનમભર યાદ રહી જાય એવી અમુક મજાઉં બી છે,

-૩-
વાઈફને સિક્રેટ ઈલાજની વાત કરી નહોતી. ડોક્ટરે બાય મધર લેવડાવેલા કે કોઈ કરતાં કોઈને કેવાનું નથી. વાઇફને જસ્ટ એમ કહેલું કે એને માટે બહારગામ કોક આસરમમાં અઠવાડિયું રેવા જાવાનું છે.

જિન થેરેપી કરાવ્યા બાદ હરિલાલની લાઈફ પાછી યુઝવલ રૂટિનમાં સેટ થઈ ગઈ હતી. સવારે બગીચામાં ટાઈમ પાસ થતો, બરફ પડે ત્યારે બરફ સાફ કરવામાં. બપોરે દાળઢોકળી ને પછી ક્રોસવર્ડ. સાક-બકાલું લેવા વાઈફ જતી ને મોટું સોપિંગ પોતે કરતા. ડિનર બનાવતી હોય ને હરિલાલ અડપલાં કરવા જતા તો વાઇફ ચાકુ બતાવતી. હરિલાલ ધરાર વાઇફને કિસ કરવા જાય તો ઈ હરિલાલની જાંઘ ઉપર ચીટિયો ભરતી. રાતના મોડે સુધી પાકિસ્તાની સીરિયલું જોવાતી વાઈફ સાથે. કોકવાર વાઈફના ખોળામાં પગ રાખીને હરિલાલ ચંપી કરાવતાં કરાવતાં સીરિયલ જોતા ને કોકોક વાત વળી તાન ચડે તો વાઈફના પગ દબાવી દેતા. વાઇફને કમરનો દુખાવો થયો હોય તો કમર ઉપર વહાલથી માલિસ બી એલાવ હતી. સવારે નવદસ વાગે બેય ઊઠતાં. હરિલાલ ચાનો કપ વાઇફને ધરતા. ગુડ મોરનિંગ, હની! સોસલ સિક્યુરિટી આવતીતી, વખતોવખત ગેષ્ટ હોય, વેકેસનમાં ગ્રાન્ડસન એટસેટેરા મલવા આવે, સનિરવિ સીનિયર્સ ક્લબમાં રમતગમત થાતી, ને બધું ઓલરાઈટ રીતે ચાલ્યા કરતું. પણ-
વાઈફની માથાકૂટ સું હતી કે એને ફિલ્મી ગીતો ગાવાનો સોખ હતો ને લતા મંગેસકર ઈ નોતી. એચુલી બહુ ખરાબ વોઈસ હતો વાઇફનો. રંગીલા રે… એનું ફેવરેટ સોન્ગ હતું પણ એનો આલાપ કે જી કેવાતું હોય ઈ ખેંચવાનો ટ્રાય કરે ત્યારે વાઈફનું ગળું ફાટી જતું ને હરિલાલનું મગજ ધુંવાડે જતું. કોકોક વાર વાઈફ જીદ કરતી કે તમેયે મારી ભેગા નૈંન સોં નૈંન નાંહી મિલાઓવાળું દોગાણું ગાઓ. કોન્ફિડેન્સિલયલી હરિલાલને ખબર હતી કે પોતાનો વોઈસ બેટર છે. ગીતમાં વાઈફ જ્યારે ગાતી કે ખીંચો કમાન મા…રો…જી, બા…ન. ત્યારે બહુ ત્રાસ ત્રાસ થતો. પણ ઈ દખ કોને કેવાય?

એકવાર સિનિયર્સ ક્લબમાં બધાંએ કહ્યું કે ચલો, અંતકડી રમીએ. ને એક મજીઠિયા કરીને ડોસો પંકજ મલિક ને સાયગલનાં ગીતોનો સોખીન હતો. મજીઠિયા અને વાઇફ બેય સામસામી પાર્ટીમાં લેવાણાં. જોતજોતામાં ફકત ઈ બે જણાંની જ કોમ્પીટિશન હોય તેમ ગીતોની રમઝટ ચાલી. હરિલાલે આંખો બંધ કરી દીધી પણ કાન બંધ થાય તેમ નોતા. બંધ આંખે ભ્રમણા થઈ કે મજીઠિયાએ પોતાના પગ વાઇફના ખોળામાં મૂકેલા છે ને વાઇફ તેને પોચા હાથે મજીઠિયાને માલિસ કરે છે. હરિલાલે આંખું ખોલી નાખી. ભગવાને વાઈફમાં બધાય ગુણ દીધા છે એક ગળું…

ત્યારથી હરિલાલને રહીરહીને થતું રહેતું કે વાઈફનો વોઈસ બદલાવી સકાય કે નહીં? ડાક્ટરે તો એવી વાત કરીતી કે માણસની હાઈટ બી બદલાવી સકાય. જન્મ્યાં ત્યારે મળેલું સરીર આખી જિંદગી સફર કરવાની જરૂર નથી. તો વાઈફનો વોઈસ લતા મંગેસકર જેવો થાય કે નહીં? વાઇફ વર્ઝન ૨.૦ થાય?

અને સવારે ચાનો કપ ધરતી વખતે હરિલાલે સાધારણ વાત હોય તેમ હનીને કહ્યું, કે તારે કમરનો દુખાવો રહ્યા કરે છે તો ડોક્ટર ખાનને બતાવીએ? મગજના ડાક્ટર પાસે મારે જાવું નથી, વાઈફે ડોળા કાઢીને કહ્યું. મને બધું યાદ રહે છે, ઓક્કે? મને નખમાંયે રોગ નથી. ડોક્ટર બોક્ટરની બહુ બીક હતી વાઇફને. અરે એમાં બીવાનું કાંઈ નથી. હરિલાલે કહ્યું કે તને વારેવારે કમર દુખી જાય છે તો જરાક ફોટોબોટો પડાવીને જોવા તો દે કે કાંઈ સીરિયસ નથી ને.

વાઈફને ફોસલાવી હરિલાલ લઈ ગયા ડોક્ટર ખાનની પાસે. ઓલોફે સડન તો વોઈસની વાત થાય નહીં. કમર દુખવાની વાત કરી એટલે ડાકટરે લીરિકાની ગોળી લખી આપી. બે ત્રણ વિઝિટ પછી ડાકટરને એક બાજુ લઈ જઈને હરિલાલે ઇંગલિસમાં સમજાવ્યું કે અસલ વાઈફના વોઈસનો ઈલાજ કરાવવો છે. એને ગાવાનો સોખ છે, પણ વોઈસ બેકાર છે. એટલે એનું ગળું એવું ઘોઘરું કરી દ્યો કે ગાવાની ખો ભૂલી જાય. પછી મનમાં ને મનમાં મજીઠિયાની બહેનને બેડ વર્ડ કહ્યા.

ડાક્ટર તરત સમજી ગયા. વાઇફને કહે કે કમરનો દુખાવો ગેરંટીથી ક્યોર થઈ જાય, તમારે અમુક આસરમમાં જાવાનું થાય. વાઇફએ કમને હા પાડી. હરિલાલે પ્રોમિસ આપ્યું કે ઈ પાછી આવે પછી પોતે રોજ તેની ભેગા નૈંન સે નૈંન નાંહી મિલાઓનું દોગાણું ગાસે. વાઇફે છાનોમાનો ચીટિયો ભરી દીધો હરિલાલના કુલ્લા ઉપર. વાઇફને પોતાના અંદરના રૂમમાં લઈ ગયા ડોક્ટર ખાન. હરિલાલને સમજાયું કે હવે ડાક્ટર પોતાને આપેલી ઈ હૃત્તિક રોશનવાળી સ્પીચ વાઇફને આપસે, મેગેઝિન બતાવસે, દારાસિંગ જેવા ચીનના કૂતરાની ને બ્રિટનની લાયલાની વાત કરસે. જિન થેરેપીથી માણસ કેવું નવું નક્કોર થઈ જાય ઈ સમજાવસે. હરિલાલને મોકલેલા તેમ જ હવે વાઈફને પોતાના ખર્ચે કોલુમ્બિયા મોકલસે ને અઠવાડિયામાં વાઇફ પાછી આવસે ત્યારે હરિલાલની સાથે નૈંન સોં નૈંન મિલાવવાનું થાસે પણ ગાવાની વાત ઉપર ભમરડો ફરી જાસે. હરિલાલે હરખાઈને પોતાની જાંઘે ઓલી ધોળી ઇન્ટર્ન જેવો થાપો માર્યો.

-૪-
નુવર્ક એરપોર્ટ ઉપર કડકડતી ટાઢમાં હરિલાલ ઊભા રહ્યા. અંદર હીટ ચાલુ હતી તોયે ઠંડી લાગતી હતી. બોગોતાથી સ્પિરિટ એરલાઈનની ફ્લાઈટ ફોર્ટ લોડરડેલ થઈને નુવર્ક ઉપર લેન્ડ થઈ ચૂકી હતી. ઉશ્કેરાટમાં હરિલાલે પગ પછાડ્યા. ઈમિગ્રેશન, કસ્ટમ્સ, લગેજ… હજી મુસાફરો બહાર આવ્યા જણાતા નહોતા. એરાઈવલ લાઉન્જમાં ડ્રાઈવરો પેસેન્જરોનાં નામ લખેલાં પાટિયાં સાથે રાહ જોતા ઊભા હતા. બીજી ફ્લાઈટોના પેસેન્જર પોતાનો સામાન ઢસડતા આવતા હતા. હરિલાલને ચટપટી થતી હતી કે ક્યારે વાઇફ આવે, ક્યારે ટેક્સી લઈને બંને ઘરે પહોંચે ને ક્યારે વાઇફ દાળઢોકળી બનાવે.

આખરે સ્પિરિટના પેસેન્જરો આવવા લાગ્યા. કોઈક ઈન્ડિયન દેખાય ને હરિલાલનું ડોકું ઊંચું થાય. કોઈ ધાબળો ઓઢેલાં ડોસીમા. કોઈ જર્સી પહેરેલો સ્ટૂડન્ટ. કોઈ પાઘડીવાળા સરદારજી. એક વોરા ફેમિલી. નો વાઇફ. નો પ્રોબલેમ. જેની વાટ જોતા હોઈએ તે લેટ જ આવે, કુદરતનો નિયમ છે, હરિલાલે મનમાં જાતને ધારણા આપી. ટેબલ એપલ પેની! હરિલાલ હમણાં હમણાંથી ટેબલ એપલ પેનીની ટ્રિક કરતા. એ ત્રણ વર્ડ મનમાં બોલે એટલે નોનસેન વિચારો દૂર થઈ જતા ને મગજ બીજા વિચારે ચડી જતું. અને હલ્લો! વાઇફનો રૂંછાંવાળા કોલરનો જાડો કોટ દેખાયો. વાઇફએ માથે એકસ્કિમો જેવો ટોપો પહેરેલો. મોઢા ઉપર મફલર.

વેલકમ, હની! હરિલાલે વાઈફને હગ્ગ કરીને કહ્યું. વાઇફએ સામે હગ્ગ કરીને પૂછ્યું, મને મિસ કૈરીતી, હની? આઈ સી, હરિલાલને નિરાશા થઈ, કેમકે વાઈફનો વોઈસ બદલાયો નહોતો. કદાચ ધીમે ધીમે બદલાશે?

મને કિસ કર, હની! વાઇફે ટોપો ખોલીને મોં લંબાવ્યું. વાઇફે વોઇસ નહીં બદલાવેલો, વાઇફે ચહેરો બદલાવેલો: વાઇફનો નવો ચહેરો ઐશ્વર્યા રાય જેવો હતો.*

  • હરનિશ જાનીને સાદર
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?