આમચી મુંબઈ

પાલિકાએ રેલવેને નાળાની સફાઈ યોગ્ય રીતે કરવા કહ્યું

પૂર્વ તૈયારી ચોમાસા પહેલા નાળા સફાઈનું કામ પૂરું કરવા માટે પાલિકા સજ્જ થઈ ગઈ છે. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેના સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન પર રેલવે પાટાને લાગીને આવેલી બિલ્ડિંગોને કારણે ચોમાસા દરમિયાન અડચણ થાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ રેલવે પ્રશાસનને અમુક પ્રકારની ઉપાયયોજના અમલમાં મૂકવાની સૂચના આપી છે. એ સાથે જ રેલવેની હદમાં આવતા નાળાઓની સફાઈ તેમ જ પાટાઓની આજુબાજુ રહેલો કચરો સાફ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

રેલવેની હદમાં આવેલા નાળાઓ તથા કલ્વટર્સની સફાઈ યોગ્ય પ્રકારે નહીં કરવાને કારણે દર વર્ષે ચોમાસામાં પાટાઓ પર પાણી ભરાઈ જતા હોય છે અને તેને કારણે કલાકો સુધી રેલવે લાઈનઠપ્પ થઈ જતી હોય છે, ત્યારે નવ એપ્રિલ, ૨૦૨૪ના પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ અનેક સરકારી સંસ્થા સહિત રેલવે પ્રશાસન સાથે સંયુક્ત બેઠક કરી હતી, જેમાં રેલવેની હદમાં આવતા નાળાઓ અને કલ્વટર્સની સફાઈ પર યોગ્ય પ્રકારે કરવાની રેલવેને સૂચના આપવામાં આવી હોવાનું કહેવાય છે. એ દરમિયાન રેલવે પ્રશાસન દ્વારા પશ્ર્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ, ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ તો મધ્ય રેલવેના સૅન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશનને લઈને અમુક મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.

આ મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંગીતા હસનાળેએ
શનિવારે પશ્ર્ચિમ અને મધ્ય રેલવેના સ્ટેશન પર ચોમાસા પહેલાની તૈયારીના ભાગરૂપે રેલવે પ્રશાસન સાથે સંયુક્ત રીતે વિઝિટ કરી હતી. આ દરમિયાન રેલવે પરિસરમાં રહેલા નાળાઓમાંથી કાઢેલા કાદવ, ગાળ અને કાટમાળને તાત્કાલિક હટાવવાની સૂચના પાલિકા દ્વારા આપવામાં આવી હતી. તેમ જ ઈમરજન્સી માટે કંટ્રોલ રૂમને સજ્જ રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી. તો મધ્ય રેલવેના સૅંન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશનને લાગીને આવેલી બિલ્ડિંગોનું ઈન્સ્પેકશન કરીને ચોમાસાની દ્દષ્ટિએ યોગ્ય ઉપાયયોજના કરવાની સૂચના પાલિકાએ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button