રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે
કોંગ્રેસનાં ચાર લોકસભા અને પાંચ વિધાનસભાના ઉમેદવાર જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતની હોટ સીટ બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક પર હવે ભાજપના પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે વિધાનસભાનાં પુર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઊતાર્યા છે. આ હોટ સીટ પર બન્ને મૂળ અમરેલીનાં દિગ્ગજો ટકરાશે. આ ઉપરાંત કોંગ્રેસે મહેસાણા, નવસારી અને અમદાવાદ પુર્વ બેઠકો અને પાંચ વિધાન સભાની પેટાચૂંટણીનાં ઉમેદવારો પણ આજે શનીવારે રાત્રે જાહેર કર્યા હતાં.
એક તરફ લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે કોંગ્રેસે લોકસભાની બાકી રહેલી ચાર બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કર્યા છે જેમાં રાજકોટથી પરેશ ધાનાણી, મહેસાણાથી રામજી ઠાકોર, નવસારીથી નૈષધ દેસાઈ અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં વિજાપુરથી દિનેશભાઈ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઈ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રની સાત લોકસભાની બેઠક માંથી ચાર બેઠકો ઉપર કોંગ્રેસે લેઉવા પાટીદાર સમાજના આગેવાનને ઉતાર્યા મેદાનમાં છે. પરેશ ધાનાણી નું નામ જાહેર થતાં ગઠબંધનના કારણે કોંગ્રેસને ફાળે આવેલી સાતમાંથી ચાર બેઠક ઉપર લેઉવા પાટીદાર ઉમેદવાર ચૂંટણી લડશે.
લાંબા વરસો બાદ એક જ જ્ઞાતિના ચાર આગેવાનને ટિકિટ મળી હોય તેવી આ પ્રથમ ઘટના છે. દરમિયાન ભાવનગરમાં આપના કોળી ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા છે. રાજકોટ જામનગર પોરબંદર અને અમરેલી બેઠક ઉપર કોંગ્રેસ તરફથી લેઉવા પાટીદાર સમાજના આગેવાન મેદાનમાં છે. જ્યારે જૂનાગઢમાં આહીર સમાજના અગ્રણી, કચ્છમાં દલિત સમાજના આગેવાન અને સુરેન્દ્રનગરમાં કોળી સમાજના આગેવાન કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યાં છે.