ધાતુમાં પાંખાં કામકાજો વચ્ચે મિશ્ર વલણ
મુંબઈ- આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ધાતુમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ સપ્તાહના અંતે ટીન, કોપર, બ્રાસ શીટ કટિંગ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૩નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે નિકલ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ, રૂ. ત્રણ અને રૂ. એકનો સુધારો આવ્યો હતો અને માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ટકેલું વલણ રહ્યું હતું.
આજે સ્થાનિકમાં સપ્તાહના અંતે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમાં મુખ્યત્વે ટીનના ભાવ કિલોદીઠ રૂ .૧૩ ઘટીને રૂ. ૩૦૯૭, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ .આઠ ઘટીને રૂ. ૮૪૩, કોપર કેબલ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ .પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૮૦૧ અને રૂ. ૫૪૫, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૭૯૧ અને રૂ. ૭૭૦ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૭૧૬, રૂ. ૨૪૮ અને રૂ. ૧૯૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે નિકલ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ખ્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૧૫૩૦, રૂ. ત્રણ વધીને રૂ. ૫૧૮ અને રૂ. એક વધીને રૂ. ૨૩૪ના મથાળે રહ્યા હતા.