મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં રવિવાર, 14મી એપ્રિલે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે જંગ જામશે. આઇપીએલની 17મી સીઝનમાં એમઆઇ સાતમા નંબરે અને સીએસકે ત્રીજા સ્થાને છે. પૉઇન્ટ્સ-ટેબલમાં બન્ને વચ્ચે મોટું અંતર છે, પરંતુ બેઉ સૌથી સફળ ટીમ વચ્ચે સૌથી મોટી સામ્યતા એ છે કે તેઓ હાઇએસ્ટ પાંચ-પાંચ ટાઇટલ જીતી છે અને બન્ને ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ ભરેલા છે.
જોકે ઊડીને આંખે વળગે એવી એક વાત એ છે કે એક દાયકાથી પણ વધુ સમય બાદ પહેલી વાર મુંબઈ-ચેન્નઈ વચ્ચે એવી મૅચ રમાશે જેમાં રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની કૅપ્ટનપદે નહીં જોવા મળે. એમઆઇનું સુકાન હવે હાર્દિક પંડ્યાના હાથમાં છે, જ્યારે સીએસકેનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડને સોંપાયું છે. એમ છતાં એમઆઇને રોહિત પર બહુ મોટો મદાર છે અને એ જ પ્રમાણે સીએસકે ધોનીની વિકેટકીપિંગ પર અને તેને તક મળશે તો તેની બૅટિંગ પર આધાર રાખશે.
આ પણ વાંચો: IPL 2024 MI vs RCB મેચ દરમિયાન રોહિત શર્માએ આ શું કર્યું જે કેમેરામાં કેદ થઇ ગયું?
42 વર્ષનો ધોની પહેલી વાર વાનખેડેમાં કૅપ્ટન્સીની જવાબદારી વિના રમવા આવ્યો છે. નવેમ્બર 2005 પછી તે જ્યારે પણ મુંબઈમાં રમવા આવ્યો છે ત્યારે પોતાની ટીમના કૅપ્ટન તરીકે આવ્યો હતો, પણ હવે માત્ર પ્લેયર તરીકે આવ્યો છે. આ શક્યત: તેની છેલ્લી આઇપીએલ છે.
રોહિતે 2013માં એમઆઇનું સુકાન સંભાળ્યું ત્યાર પહેલાં હરભજન સિંહ, સચિન તેન્ડુલકર વગેરે ખેલાડીઓ કૅપ્ટન હતા.
એમઆઇ-સીએસકે વચ્ચેનો છેલ્લી પાંચ મૅચનો જે રેકૉર્ડ છે એ સીએસકેની તરફેણમાં છે. એમઆઇ સામે સીએસકે છેલ્લી પાંચ મૅચમાંથી ચારમાં જીત્યું છે.
આ પણ વાંચો: IPL 2024: ધોની બેટિંગમાં આવ્યો ને રસેલને કાન કેમ બંધ કરવા પડ્યા, તસવીરો વાઈરલ
જોકે એમઆઇના બૅટર્સે ગુરુવારે બેન્ગલૂરુના બોલર્સની જે રીતે ધુલાઈ કરી એનાથી સીએસકેની ટીમ સાવચેત થઈ જ જશે. ગુરુવારે વાનખેડેમાં 197 રનનો લક્ષ્યાંક મળ્યા પછી માત્ર 15.3 ઓવરમાં ત્રણ જ વિકેટે 199 રન બનાવીને વિજય મેળવ્યો હતો. એમઆઇના બૅટર્સે કુલ 15 સિક્સર ફટકારી હતી. ઇશાન કિશને સૌથી વધુ 69 રન બનાવ્યા હતા અને સૂર્યકુમારે અસલ મિજાજમાં રમીને બાવન રન બનાવ્યા હતા.
ટૂંકમાં, એમઆઇને હોમ ગ્રાઉન્ડ પર જીતવાનું શરૂ કર્યા પછી હવે એ સિલસિલો ચાલુ રાખવો છે અને હરીફના મેદાન પર હારવાની સીએસકેની જે પરંપરા ચાલુ રહી છે એ જાળવી રાખવી છે.
વાનખેડેના મેદાનને હાર્દિક પંડ્યાએ ચેઝિંગ ગ્રાઉન્ડ તરીકે ઓળખાવ્યું છે, કારણકે અહીં છેલ્લી ત્રણમાંથી બે મૅચમાં સેક્ધડ બૅટિંગ કરનારી ટીમ જીતી છે. મુંબઈની ગયા રવિવારની દિલ્હી સામેની અને ગુરુવારની બેન્ગલૂરુ સામેની મૅચના કુલ રન ગણીએ એ બે મૅચમાં કુલ મળીને 834 રન બન્યા છે જેના પરથી સાબિત થાય છે કે વાનખેડે બૅટર્સ માટે સ્વર્ગ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને