અભિનેતા સયાજી શિંદેની તબિયત લથડી, એન્જિઓપ્લાસ્ટી બાદ આપ્યા હેલ્થ અપડેટ
મુંબઈ: બૉલીવૂડ, સાઉથ અને અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સયાજી શિંદે (Sayaji Shinde)ના છાતીમાં અચાનકથી તીવ્ર દુખાવો ઊપડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે બાદ તેમના પર એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે સયાજી શિંદેના હેલ્થને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. સયાજી શિંદેએ પોતે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેમની તબિયત બાબતે લોકોને માહિતી આપી હતી.
છેલ્લા અનેક સમયથી અભિનેતા Sayaji Shindeની તબિયત ખરાબ હતી. 11 એપ્રિલે તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના હૃદયમાં લોહીનો પુરવઠો કરતી ધમનીઓમાં 99 ટકા બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ ડૉક્ટરોએ તેમના પર તરત જ એન્જિઓપ્લાસ્ટી સર્જરી કરી હતી.
65 વર્ષના અભિનેતા સયાજી શિંદેએ એન્જિઓપ્લાસ્ટી સર્જરી બાદ ઇનસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને લોકોને તેમની તબિયત બાબતે જાણ કરી હતી. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે ‘હેલ્લો હું સાજો થઈ રહ્યો છું. દરેક ફેન્સ જે મને પ્રેમ કરે છે, જે મારી સાથે છે, તેમને ચિંતા કરવાની જરૂર નથી, હું જલદી એન્ટરટેન્મેન્ટ માટે પાછો આવીશ’. સયાજી શિંદેએ આ વીડિયો પોસ્ટ કરીને મરાઠીમાં કેપ્શન પણ આપ્યું હતું.
અભિનેતા સયાજી શિંદે ફિલ્મોમાં તેમના વિલનના રોલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. સયાજી શિંદેએ ‘શૂલ’, ‘સિંઘમ’ અને ‘અંતિમ’ જેવી સુપર હીટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ છેલ્લે મનોજ બાજપેયી સાથે વેબ સીરિઝ ‘કીલર સૂપ’માં જોવા મળ્યા હતા. આ સાથે તેમણે પોતાના અભિનયથી અનેક ફિલ્મોમાં ચાર ચાંદ લગાવ્યા છે.