મારે એટલે ટાંગો પલટી કરવો પડ્યો:મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાના પ્રચારનું વાતાવરણ મહારાષ્ટ્રમાં જામ્યું છે ત્યારે ફરી એક વખત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દોઢ વર્ષ પહેલાં રાજ્યમાં થયેલા સત્તા પરિવર્તનની વાત કાઢી હતી. તેમણે હિંગોલીમાં ત્યારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું કે તેમના આવા વર્તનને કારણે ટાંગો પલટી કરાવવો પડ્યો હતો. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શનિવારે હિંગોલી લોકસભા બેઠકના ઉમેદવાર બાબુરાવ કદમની પ્રચાર સભામાં હાજરી આપી હતી. આ સમયે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઠાકરે જૂથની ટીકા કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ટોણો માર્યો હતો કે દોઢ વર્ષ પહેલાં તેમનો ટાંગો પલટી કરવો પડ્યો હતો.
મુખ્યમંત્રી શિંદેએ કહ્યું હતું કે, હું એક એવા પક્ષનો કાર્યકર્તા છું જે 80 ટકા સમાજકારણ અને 20 ટકા રાજકારણ કરતું હતું. બાળ ઠાકરેએ અમને આ રાજકારણ શીખવ્યું હતું. સામાન્ય પરિવારમાંથી આવતો હોવા છતાં મુખ્યમંત્રી બન્યો. મારી યાત્રા બધા જાણે છે. સામાન્ય માણસ જ્યારે મોટો થાય છે ત્યારે તેને સામાન્ય લોકોની પીડા ખબર હોય છે. બાબુરાવ કદમ પણ આવા જ કાર્યકર્તા છે અને તે ઈમાનદારીથી કામ કરશે. ગઈ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જો તેઓ શિવસેનાની ટિકિટ પર ઉભા રહ્યા હોત તો હાર ન થઈ હોત. તે સમયે હું તે પ્રક્રિયામાં હતો, પરંતુ પછી ફેસબુક લાઈવ કરનારાઓએ બાબુરાવ કદમની ટિકિટ કાપી નાખી હતી.
શિંદેએ વધુમાં કહ્યું હતું કે, તેઓને જમીન પરની વાસ્તવિક સ્થિતિની ખબર હોતી નથી. તેથી અમે એક વિધાનસભ્ય ગુમાવ્યા હતા. આવી અનેક ટિકિટો કપાઈ હતી. ઘણા કાર્યકરો આગળ વધવાથી વંચિત રહ્યા હતા. તેથી જ મેં દોઢ વર્ષ પહેલાં બળવો કરવાની હિંમત કરી અને આખી દુનિયાએ તે હિંમત જોઈ. અમે શિવસેનાને બચાવવા અને સામાન્ય લોકોના જીવનમાં ખુશી લાવવા માટે આ સરકાર બનાવી છે. હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના વિચાર અને શિવસેના-ભાજપ ગઠબંધનની સરકાર બની. હકીકતમાં આવું 2019માં જ થવું જોઈતું હતું, પરંતુ પોતાના સ્વાર્થ માટે અને મુખ્યમંત્રી પદ માટે તેમણે બાળાસાહેબ ઠાકરેના વિચારો છોડી દીધા હતા, એમ મુખ્ય પ્રધાન શિંદેએ ટીકા કરતાં કહ્યું હતું.
હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાને દેખાડીને મતો માગવામાં આવ્યા હતા. તો સરકાર કોની સાથે રચવી જોઈએ? અને સરકાર કોની સાથે બની હતી?, એવા સવાલ શિંદેએ પૂછ્યા હતા. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, હવે અજિત પવાર પણ મહાયુતિમાં સાથે આવ્યા છે. મનસે પણ અમારી સાથે આવી છે. જેથી સરકાર હવે વધુ મજબૂત બની છે. તેઓ (ઠાકરે જૂથ) કહેતા હતા કે આજે સરકાર પડી જશે, સરકાર કાલે પડી જશે. પણ તેઓનો જ્યોતિષ કચરો નીકળ્યો. અમારી સરકાર સામાન્ય લોકોના સુખ-દુ:ખમાં મદદ કરવા પહોંચી જાય છે. તેથી, મારે તેમનો ટાંગો ઉલટાવી દેવાની ફરજ પડી હતી, મારે સરકારને બદલવી પડી હતી, એમ મુખ્યમંત્રી શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું.