સ્પોર્ટસ

નેપાળના બૅટરે ઓવરના છ બૉલમાં ફટકાર્યા છ છગ્ગા, યુવરાજ-પોલાર્ડની બરાબરી કરવા છતાં તેમને ઓળંગી ગયો

અલ અમારત (ઓમાન): 2004ની સાલમાં ટી-20 ફૉર્મેટનું આગમન થયું ત્યાર પછી ટી-20 ઇન્ટરનૅશનલમાં ઓવરના છ બૉલમાં છ છગ્ગા ફટકારવાની ઘટના સમયાંતરે બનતી જોવા મળી છે. મોટા ક્રિકેટ-રાષ્ટ્રો તો ઠીક, પણ હવે તો નાના દેશોના બૅટર પણ આવી અલ્ટિમેટ ફટકાબાજી કરવા લાગ્યા છે.

નેપાળના 24 વર્ષની ઉંમરના દીપેન્દ્રસિંહ એઇરીએ શનિવારે ઓમાનના મેદાન પર કતારના પેસ બોલર કામરાન ખાનની ઓવરમાં સિક્સરનો વરસાદ વરસાવ્યો હતો. દીપેન્દ્રએ કામરાનની એક ઓવરના છ બૉલમાં છ છગ્ગા (6, 6, 6, 6, 6, 6) ફટકારીને તોફાન મચાવી દીધું હતું.


નેપાળે 19 ઓવરમાં સાત વિકેટે 174 રન બનાવ્યા હતા. દીપેન્દ્ર ત્યારે 28 રન પર હતો. બન્યું એવું કે 18મી ઓવર આમિર ફારુકે શરૂ કરી હતી, પણ બે બૉલ બાદ તે ઈજા પામતાં એ ઓવર પૂરી કરવાની જવાબદારી કતારના કૅપ્ટન મુહમ્મદ તનવીરે કામરાનને આપી હતી. કામરાને બાકીના જે ચાર બૉલ ફેંક્યા એમાં ફક્ત પાંચ રન બન્યા હતા એટલે તનવીરે 20મી ઓવરની સૌથી મહત્ત્વની જવાબદારી કામરાન પર વિશ્ર્વાસ મૂકીને તેને આપી હતી. જોકે એ 20મી ઓવરમાં તેની બોલિંગ પૂરેપૂરી ધોવાઈ ગઈ હતી. દીપેન્દ્રએ પ્રથમ બૉલમાં છગ્ગાથી શરૂઆત કરી અને દરેક બૉલ પર છગ્ગા ફટકારતો ગયો અને એ સિલસિલો છેલ્લા બૉલ સુધી ચાલ્યો હતો. ઓમાનના સ્ટેડિયમમાં પ્રેક્ષકોને જલસો પડી ગયો હતો, નેપાળની ટીમના ડગઆઉટમાં અભૂતપૂર્વ સેલિબ્રેશન હતું અને કતારના ડગઆઉટમાં સન્નાટો છવાઈ ગયો હતો. દીપેન્દ્રએ 28મા રન પરથી સુપર સિક્સર્સનો સિલસિલો શરૂ કર્યો અને 21 બૉલમાં બનાવેલા 64 રને અણનમ રહ્યો હતો. તેના 64 રનમાં કુલ સાત સિક્સર અને ત્રણ ફોર સામેલ હતી. 304.76 તેનો સ્ટ્રાઇક રેટ હતો.
નેપાળે 20 ઓવરમાં સાત વિકેટે 210 રન બનાવ્યા હતા.


દીપેન્દ્ર ટી-20 ઇન્ટરનૅશનલમાં ઓવરના છ બૉલમાં છ સિક્સર ફટકારનારો યુવરાજ સિંહ અને કીરૉન પોલાર્ડ પછીનો ત્રીજો ખેલાડી છે. જોકે એક રીતે દીપેન્દ્રએ યુવી અને પોલાર્ડને પણ એાળંગી લીધા છે અને અનોખો વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો છે. દીપેન્દ્ર ટી-20 ઇન્ટરનૅશનલની ઇનિંગ્સની 20મી (અંતિમ) ઓવરમાં છ છગ્ગા ફટકારનારો પ્રથમ બૅટર છે. યુવરાજે ડર્બનમાં 2007ની 19મી સપ્ટેમ્બરે ઇંગ્લૅન્ડના પેસ બોલર સ્ટુઅર્ટ બ્રૉડના જે છ બૉલમાં છ સિક્સર ફટકારી હતી એ ભારતીય ઇનિંગ્સની 19મી ઓવર હતી. ભારતે એ મૅચ 18 રનથી જીતી લીધી હતી. 2021માં પોલાર્ડે 2021ની ત્રીજી માર્ચે ઍન્ટિગામાં શ્રીલંકાના સ્પિનર અકિલા ધનંજયાના જે છ બૉલમાં છ છગ્ગા ફટકાર્યા હતા એ વેસ્ટ ઇન્ડિઝની છઠ્ઠી ઓવર હતી. વેસ્ટ ઇન્ડિઝે એ મૅચ ચાર વિકેટે જીતી લીધી હતી. જોકે દીપેન્દ્રએ પોતાના દેશની ઇનિંગ્સ પૂરી થતાં પૂર્વેની અંતિમ (20મી) ઓવરમાં છ છગ્ગા ફટકારીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.


દીપેન્દ્ર ખરેખર તો ઓવરમાં છ સિક્સર ફટકારનારો ઇન્ટરનૅશનલ ક્રિકેટનો પાંચમા પ્લેયર છે. સાઉથ આફ્રિકાના હર્શેલ ગિબ્સે અને અમેરિકાના જસ્કરન મલ્હોત્રાએ વન-ડે મૅચમાં ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.


દીપેન્દ્ર સિક્સર ફટકારવામાં માહિર છે અને નાના દેશોમાં તે બિગ-હિટર તરીકે જાણીતો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચીનની એશિયન ગેમ્સમાં નેપાળના દીપેન્દ્રએ મોંગોલિયા સામેની ટી-20માં બે ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. એ મૅચમાં જ નેપાળે ટી-20નો 314 રનનો વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો હતો. નેપાળે મોંગોલિયા સામે એ 314 રન ત્રણ જ વિકેટના ભોગે બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button