આમચી મુંબઈમહારાષ્ટ્ર

આપખુદશાહી દેશ માટે ઘાતક: ઉદ્ધવ ઠાકરે

કેન્દ્રમાં ગઠબંધનની સરકારની કરી તરફેણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે આપખુદશાહી દેશ માટે ઘાતક છે અને તેમણે કેન્દ્રમાં ગઠબંધન સરકારની તરફેણ કરતાં કહ્યું હતું કે આવી સરકારોએ ભૂતકાળમાં સારું કામ કર્યું છે.


તેમણે એમ પણ કહ્યું હતું કે દેશનું નેતૃત્વ કરવા માટે મજબૂત નેતાની આવશ્યકતા છે, પરંતુ તેણે બધાને સાથે લઈને ચાલવું જોઈએ, એમ ઉદ્ધવ ઠાકરેએ પોતાના મુંબઈ ખાતેના નિવાસસ્થાન માતોશ્રીમાં કહ્યું હતું.


ભાજપ, ભારત રાષ્ટ્ર પાર્ટી (બીઆરએસ) અને વંચિત બહુજન આઘાડી (વીબીએ)ના જળગાંવ જિલ્લાના કાર્યકર્તાઓએ શિવસેના (યુબીટી)માં પ્રવેશ કર્યો તે પ્રસંગે બોલતાં તેમણે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં નારાજગી જોવા મળી રહી છે. દેશ માટે આપખુદશાહી ઘાતક છે. દેશમાં એક સમય એવો આવ્યો હતો કે લોકોને લાગતું હતું કે ગઠબંધનની સરકાર ન હોવી જોઈએ, પરંતુ પી. વી. નરસિંહ રાવ, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહે ગઠબંધનની સરકારો ઘણી સારી રીતે ચલાવી હતી, એમ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું.


કેટલાક અપવાદોને બાદ કરતાં દેશમાં ગઠબંધનની સરકાર સારી રીતે ચાલી હતી. આપણને એક મજબૂત દેશ જોઈએ છે અને એક ગઠબંધનની સરકાર જોઈએ છે. આપણને એક મજબૂત નેતાની આવશ્યકતા છે, પરંતુ તે નેતા એવો હોવો જોઈએ કે બધાને સાથે લઈને ચાલી શકે, એમ ઠાકરેએ કહ્યું હતું.


તેમણે કહ્યું હતું કે વિપક્ષી ઈન્ડી ગઠબંધન દેશને ગઠબંધનની સરકાર આપી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી સરકારના ઘટકપક્ષો રાજ્યમાં સંયુક્ત રેલીઓ યોજશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button