આપ સૌથી વધુ અપ્રમાણિક પક્ષ, કૉંગ્રેસ અબકી બાર, 40 પાર માટે લડે છે: અનુરાગ ઠાકુરના પ્રહારો
પાંઢુરના: કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે શનિવારે આમ આદમી પાર્ટી (આપ)ને ‘સૌથી અપ્રમાણિક પાર્ટી’ ગણાવી હતી અને એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી ‘અબકી બાર, 40 પાર’ માટે લડી રહી છે, જ્યારે ભાજપ 400 બેઠકોનું લક્ષ્યાંક ધરાવે છે.
કૉંગ્રેસના નેતાઓ છેલ્લા દસ વર્ષના ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારનો દેખાવ જોઈને ભાજપમાં આવી રહ્યા છે એમ તેમણે મધ્ય પ્રદેશના પાંઢુરના જિલ્લામાં કહ્યું હતું. લોકસભાની છિંદવાડા બેઠકનો આ એક ભાગ છે.
મધ્ય પ્રદેશની 29 બેઠકો પર 19 એપ્રિલથી 13 એપ્રિલ સુધીમાં ચાર તબક્કામાં મતદાન થવાનું છે.
સચ્ચાઈ એ છે કે આપ સૌથી અપ્રમાણિક પાર્ટી છે. તે જુઠાણાં બોલવામાં સૌથી ટોચ પર છે. જો સંપૂર્ણ અપ્રમાણિક વ્યક્તિ કોઈ હોય તો તે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ છે, એમ કેન્દ્રીય પ્રધાને આપના ભાજપ દ્વારા ઈડીનો દુરુપયોગ કરવામાં આવતો હોવાના આરોપ પર કહ્યું હતું.
કેજરીવાલ રાજકારણમાં ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે આવ્યા હતા અને એવું લાગે છે કે તેઓ પોતે જ ભ્રષ્ટાચારમાં ડૂબી ગયા છે. તેમના આરોગ્ય પ્રધાનસ, જેલ પ્રધાન, એક્સાઈઝ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન બધા જ જેલમાં છે અને અપ્રમાણિક મુખ્ય પ્રધાન કેજરીવાલ પણ જેલમાં છે. આપે અપ્રમાણિકતામાં નવો વિક્રમ નોંધાવ્યો છે અને ભ્રષ્ટાચારના બધા જ વિક્રમો તોડી નાખ્યા છે. હવે લોકોએ કેજરીવાલમાંથી વિશ્ર્વાસ ગુમાવી દીધો છે.
છીંદવાડા બેઠક પર કૉંગ્રેસના પ્રભાવના મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે તેઓ કૉંગ્રેસ કેમ છોડી રહ્યા છે? અહીં ઉલ્લેખનીય છે કે 2019માં મધ્ય પ્રદેશની 29માંથી 28 બેઠક પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે છીંદવાડાની બેઠક પરથી કમલનાથના પુત્ર નકુલ નાથનો વિજય થયો હતો. આ વખતે પણ નકુલનાથ મેદાનમાં છે. ભાજપ એવો દાવો કરી રહ્યો છે કે કૉંગ્રેસના ઘણા કાર્યકર્તાઓ આ વખતે ભાજપમાં જોડાઈ ગયા છે, ખાસ કરીને છીંદવાડામાંથી.
કૉંગ્રેસે રામ સેતુને કાલ્પનિક કહ્યો હતો, તેમણે રામન જન્મ સ્થાન અંગે પ્રશ્ર્ન ઉભો કર્યો હતો અને રામ મંદિરનો પણ વિરોધ કર્યો હતો. આ બધું કૉંગ્રેસની વિરુદ્ધ જઈ રહ્યું છે અને તેના નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે, એવો દાવો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. (પીટીઆઈ)