SOU ફરવાનો પ્લાન છે, તો આ માહિતી યાદ રાખજો
અમદાવાદઃ બાળકોનું વેકેશન હોવાથી હાલમાં લોકો ફરવાના સ્થળોએ ભીડ જમાવી રહ્યા છે. ગુજરાતે આવતા પ્રવાસીઓ માટે મહત્વનું આકર્ષણ બની રહેલા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં રોજ પ્રવાસીઓ આવે છે ત્યારે તેમના માટે સમાચાર વાચવા જેવા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે એક નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શૉ અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે તા. ૧૩/૦૪/૨૦૨૪થી સાંજના ૦૭ઃ૧૫ કલાકના બદલે ૦૭ઃ૩૦ કલાકથી લેસર શૉ (પ્રોજેક્શન મેપિંગ શૉ) શરૂ કરવામાં આવશે. તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી ૮ઃ૦૦ કલાકના બદલે સાંજે ૮:૧૫ કલાકથી શરૂ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લેસર શૉ માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેસર શૉ (પ્રોજેક્શન મેપિંગ શૉ) જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોઇ SoU સત્તામંડળના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે SoU સત્તામંડળ ના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓ બંને સ્થળોએ લાભ લઇ શકે એ માટે નિઃશુલ્ક ધોરણે બસ સુવિધા તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે,પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે અને મહાઆરતી પૂર્ણ થતા વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવામાં આયોજન કરવામાં આવ્યું છે, જેની પ્રવાસીઓ નોંધ લે તેમ રાજ્ય સરકારે માહિતી આપી છે.