
કોલકાતા: પશ્ચિમ બંગાળના કાંઠીમાંથી રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસના બે મુખ્ય આરોપીઓની ધરપકડને લઈને બંગાળમાં રાજકીય વાવાઝોડું ઊભું થઈ ગયું છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળ આતંકવાદીઓ માટે સૌથી સુરક્ષિત આશ્રય બની ગયું છે, તો બીજી તરફ મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ તેમની ધરપકડનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો છે.
કૂચ બિહારમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે મમતાએ આ બંનેની ધરપકડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બે લોકો બંગાળમાં છુપાઈને આવ્યા હતા, પરંતુ બે કલાકમાં અમે તેમની ધરપકડ કરી લીધી છે.
તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ પોલીસે NIA સાથે મળીને બંનેની ધરપકડ કરી છે. પ.બંગાળમાં છુપાયેલા લોકોને પોલીસે બે કલાકમાં શોધી કાઢ્યા હતા અને ધરપકડ કરી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે બેંગલુરુમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બંને કર્ણાટકના રહેવાસી છે.
બંગાળના લોકો નહીં. તેઓ બંગાળમાં છુપાયેલા હતા. આ પછી ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે અમે બંનેને પકડ્યા છે અને તેઓ (ભાજપ) કહી રહ્યા છે કે બંગાળ સુરક્ષિત નથી. તો પછી શું ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર સુરક્ષિત છે? સત્ય એ છે કે બંગાળના લોકો શાંતિથી જીવે છે જે ભાજપ સહન કરી શકતી નથી