સ્થાપત્ય અને શિસ્તબદ્ધતા
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
આમ તો પ્રત્યેક કળામાં શિસ્તનો ભાવ રહેલો હોય છે. સામાન્ય સમજ પ્રમાણે એમ માનવામાં આવે છે કે વિજ્ઞાન અને ઇજનેરી શાખામાં જ શિસ્ત હોય. પણ કળાનું પણ વિજ્ઞાન છે, કળાની રજૂઆતમાં પણ વૈજ્ઞાનિક અભિગમ હોય છે, કળામાં પણ નિયમો છે – કળામાં પણ શિસ્ત છે.
કળાનું એક બંધારણ હોય. જુદી જુદી શૈલી પ્રમાણે આ બંધારણમાં તફાવત હોય. આ બંધારણ તેમ જ તફાવતની શિસ્ત પ્રમાણે કળાની જે તે શૈલી નિર્ધારિત થાય અને તે શૈલી પ્રમાણે કળા સ્વીકૃત તથા અસરકારક બને. તે ઉપરાંત કળામાં વપરાતી સામગ્રીના ઉપયોગ માટે પણ નિયમો હોય છે. સાહિત્યમાં ભાષાના બંધારણની શિસ્ત હોય. લાકડામાંથી શિલ્પ બનાવતી વખતે તે લાકડાની ક્ષમતા તથા નબળાઈનું ધ્યાન રાખીને જ આકૃતિ ઊભારી શકાય. કાચ પર ચિત્રકામ કરતી વખતે કાચ તથા જે તે રંગોનું વિજ્ઞાન સમજવું પડે. જે પ્રકારનું ચિત્રકામ કાગળ પર થઈ શકે તે પ્રકારનું ચિત્રકામ કાચ ઉપર ન થઈ શકે. સામગ્રીનો ઉપયોગ પણ કળામાં શિસ્ત સાથેની આવડત લાવે છે. આ બધી બાબતોમાં સ્થાપત્ય એ એવું ક્ષેત્ર છે કે જેમાં અભિવ્યક્તિ માટે વપરાતી સામગ્રી સૌથી વધુ ભૌતિક રહે છે. આ બધી બાબતો કળા પર શિસ્તની ચોક્કસ છાપ છોડે છે.
સ્થાપત્યમાં માળખાકીય રચના મહત્ત્વની હોય છે. આ માળખાકીય ભારવાહક રચના દીવાલ, સ્તંભ કે બીમ અને સ્લેબની ગોઠવણી નિર્ધારિત થાય છે. આ બધાની ગોઠવણ પાછળના નિયમો છે. આમાં છૂટછાટ લેવી અર્થાત મકાનના અસ્તિત્વ બાબતે પ્રશ્નો ઊભા કરવા. સ્થાપત્યમાં નિર્ધારિત થતાં સ્થાનોની – ઓરડાઓની ઉપયોગીતા તેમાં પ્રકાશ તથા હવાની ગુણવત્તા અને હાજરી પર આધાર રાખે છે. પ્રકાશ તથા હવાનું એક વિજ્ઞાન છે. આ વિજ્ઞાનને અનુસરવાથી જ જે તે ઓરડામાં જરૂરી માત્રામાં હવા ઉજાસ આવી શકે. સ્થાપત્યમાં આનાથી પણ એક પ્રકારની શિસ્ત આવી જાય. વળી મકાનમાં પાણી પુરવઠાની વ્યવસ્થા હોય કે ગંદા પાણીના નિકાલની યોજના, વરસાદી પાણીના સંગ્રહનું આયોજન હોય કે ભેજની માત્રા ઓછી કરવાની વ્યવસ્થા; આ બધામાં પણ નિયમબદ્ધ તકનીકી આયોજન જરૂરી છે.
મકાનના બાંધકામ પર લાગુ પડતા સ્થાનિક કાયદાઓથી પણ મકાનની રચનામાં ચોક્કસ પ્રકારની શિસ્ત વણાઈ જાય. આગળ – પાછળ – બાજુમાં – વચમાં બાંધકામ મુક્ત જમીનની જરૂરિયાત, મંજૂરી પામે શકે તે પ્રકારનું બાંધકામ તથા તેનું ક્ષેત્રફળ, જુદી જુદી સવલતોના સમાવેશ માટેના નિયમો, ન્યૂનતમ ધારાધોરણનું માળખું, મકાનની ઊંચાઈ બાબતે લાગુ પાડવામાં આવતી મર્યાદા – આ અને આ બધી બાબતો પણ મકાનમાં શિસ્તબદ્ધતા લાવે છે.
મકાનમાં શિસ્ત લાવનાર આવી બાબતો હોવા છતાં સ્થાપત્યના ક્ષેત્રમાં જે વિવિધતા જોવા મળે છે તે સામાન્ય જન માનસ પર આગવી અસર છોડી જાય છે. આ વિવિધતા પાછળ મુખ્યત્વે સ્થપતિની વ્યક્તિગત સંવેદનશીલતા તથા સર્જનાત્મકતા ભાગ ભજવી જાય છે. એક જ પરિસ્થિતિને જુદા જુદા સ્થપતિ પોતાની રીતે મૂલવે છે તેને પ્રતિભાવ આપે છે. સ્થપતિની વિચારધારાને કારણે પણ વિવિધતા ઉદ્ભવતી હોય છે. તે ઉપરાંત મકાનના લાભાર્થી પણ ક્યાંક પોતાની અભિવ્યક્તિ મકાન સાથે સાંકળી લે છે. વળી બાંધકામની પ્રાપ્ય સામગ્રી તથા તેના ઉપયોગમાં રહેલી વિવિધતાને કારણે પણ સ્થાપત્યમાં એક પ્રકારની શિસ્ત હોવા છતાં વિવિધતા શક્ય બને છે.
સ્થાપત્યની રચનામાં સ્થાનિક શૈલીને પ્રાધાન્ય આપવાનો આગ્રહ રખાતો હોય છે. જે તે સ્થાન તથા સમયની સાંસ્કૃતિક, સાંજોગિક અને પરંપરાગત બાબતોને પ્રતિબિંબિત કરવાથી સ્થાપત્યની સ્થાનિક શૈલી – ઓળખ બંધાય છે; જે અન્ય ઓળખથી ભિન્ન હોવાની. આબોહવાની વિવિધતાને હકારાત્મક પ્રતિભાવ આપવાથી પણ સ્થાપત્યમાં વિવિધતા આવી જાય. મકાનની રચના ચોક્કસ નિર્ધારિત સમયગાળા સુધીના ઉપયોગ માટે કરાતી હોય છે. આ સમયગાળામાં બદલાવ આવે તો સ્થાપત્યની રચનામાં પણ બદલાવ સંભવી શકે.
વિવિધતા પાછળની આ બધી સંભાવના પાછળ એક વાત સમજી લેવા જેવી છે. માનવી, માનવીની ક્ષમતા તથા તેની સંવેદનશીલતામાં એક પ્રકારનું સાતત્ય જોવા મળતું હોવા છતાં દરેક વ્યક્તિ વિવિધતા માટે આગ્રહી હોય છે. માનવીની ક્ષમતા સમાન હોય તો પણ તેમના સપનામાં ભિન્નતા રહેલી હોય. સમાન જરૂરિયાત વાળી વ્યક્તિ પણ પોતાની આગવી ઓળખ ઊભી કરવા પ્રયત્ન કરે. વ્યક્તિ સામાજિક પ્રાણી હોવા ઉપરાંત વ્યક્તિગત ઓળખ પણ તેની માટે મહત્ત્વની છે .
સમાજ એટલે શિસ્તબદ્ધતા. એક માનવી અન્ય સાથે કેવો વર્તાવ કરે તેના નિયમો હોય છે. આવું જ મકાન માટે પણ કહી શકાય. એક મકાન બીજા મકાનના અસ્તિત્વને કઈ રીતે અનુકૂળ બની રહે છે તે સમજવું જરૂરી છે. સ્થાપત્ય રૂપી સમાજમાં પણ પરસ્પર સંવેદનાઓ હોય. મકાન અલાયદું અસ્તિત્વમાં ન આવી શકે, કાં તો તે અન્ય મકાનોની વચ્ચે હોય અથવા કુદરતી માહોલ સાથે ગોઠવાયું હોય. બંને સંજોગોમાં પ્રતિભાવ તો હકારાત્મક હોવો જોઈએ.
આ સમય વૈશ્વિક પરિબળોનો છે. આજના સમયમાં બધું જ વૈશ્વિક સ્તરે અને વૈશ્વિક ધોરણે જોવાય છે. સ્થાનિક પરિબળો ક્યાંક નજર અંદાજ થતા જાય છે જે ઇચ્છનીય નથી. આજે વપરાતી મોટાભાગની ચીજ વસ્તુમાં સ્થાનિક સાંસ્કૃતિક કે પરંપરાગત મૂલ્યો જણાતાં નથી અને વૈશ્વિક બાબત અગત્યની બની રહે છે. વિશ્વ એક વિશાળ સમાજ તરીકે ઊભરી રહ્યું છે જ્યાં બધું એક જ ધારાધોરણ પ્રમાણે નિર્ધારિત થતું જાય છે. માનવી એક વિશાળ વ્યવસ્થાનો ભાગ બની રહ્યો છે, જેના કારણે તેમની વ્યક્તિગત સંવેદનશીલતા પ્રત્યે ઉદાસીન વલણ લેવાતું જાય છે. એમ જણાય છે કે હાલના તબક્કે માનવી નહીં પણ વિશાળ માનવ-સમૂહ કેન્દ્રમાં છે. જોકે આનાથી સ્થાપત્યમાં વૈશ્વિક કક્ષાની શિસ્ત વણાતી જાય છે. આવી હવે વૈશ્વિક ડિઝાઇન મહત્ત્વની બની રહી છે – હાવી થઈ રહી છે. મકાનો પણ મોબાઇલની જેમ એકધારા – શિસ્તમય બનાવાઈ રહ્યા છે.