કૃષ્ણલીલા
ટૂંકી વાર્તા -રમણ મેકવાન
કૃષ્ણકાંત હમણાં જ ગ્રેજ્યુએટ થઇને, ગામ આવ્યો હતો.
કૃષ્ણકાંત ગરીબ વિધવાનું એકનું એક સંતાન હતું. સરકારી મદદથી ગ્રેજ્યુએટ થયો હતો. અને હવે નોકરી મળે, ત્યાં સુધી મા સાથે ગામમાં રહી, માને ખેતીકામમાં મદદ કરતો હતો. ગામની નજીક, દોઢેક વીઘું જમીન હતી, કૃષ્ણકાંત અને એની વિધવા માની જીવાદોરી હતી, આ જમીનનો ટુકડો. એના સંઘોડી ત્રણ વીઘા ગામના મુખી જશભાઈની જમીન હતી. એમાં મુખીએ કૂવો કર્યો હતો, કૂવા પર પંપ હતો, પંપ માટે મઝાની સુંદર ઓરડી હતી, ઓરડી આગળ ઘટાદાર રાયણનું ઝાડ હતું. કાળા ઉનાળામાંય અહીં શીતળ વાતાવરણ રહેતું. નવરાશમાં મુખી અહીં આરામ અને મોજમજા કરતા. કૃષ્ણકાંતની મા વહેલો-મોડો વરસાદ થાય, ત્યારે મુખીના કૂવાનું પાણી લઈ, ઊભા પાકને હરિયાળો રાખતી, અને મુખી પણ પાણી માટે એને કદી આઘીપાછી કરતા નહીં. વિધવા સાથે સારા સંબંધ બની રહે, એવા પ્રયત્ન કરતા. ઘણીવાર કૃષ્ણકાંતની મા એના ખેતરમાં કામ કરતી જોઈ, મુખી એની પાસે આવી બેસતા, વાતે વળગતા. આમ તો, એ વિધવા ગંગા હલકી વણ્યની હતી, અને એની સાથે વાતો કરતાં મુખી નનાપો અનુભવતા, કોઈ જોઈ જશે તેનો ભય ગંગા સાથે વાત કરતાં મુખી અનુભવતા. છતાં સાવધાની રાખી, ગંગા સાથે વાતો કરવા આવતા. પણ એમાં મુખીનો સ્વાર્થ હતો. મુખીના સંઘોડે ગંગાની દોઢ વીઘું જમીન હતી, મુખી એને લઈ લેવા માગતા હતા, આ અંગે એમણે ગંગાને દાણો ચાંપી જોયો હતો, પણ ગંગા એમ જમીન આપે, એવી શક્યતા ખૂબ ઓછી જણાતાં મુખીએ ગંગાને બીજી રીતે સમજાવવા પ્રયત્ન કરવા માંડ્યા. ‘હવે તો, ગગલી, તારો છોકરો ભણી રહ્યો, હવે નોકરીએ લાગશે, પછી તો, દર મહિને ગજવું ભરીને એને પગાર મળશે, પછી ખેતી કોણ કરશે? તારો ભણીને સાહેબ બનેલો છોકરો હવે થોડો અહીં ખેતી કરવા આવવાનો છે?’
‘મુખી મોટા, છોકરો ભણ્યો, અને મોટો સાહેબ થશે, પણ આની વડેને! આ અમારી જીવાદોરી છે, એણે અમને જીવાડ્યાં છે, છોકરાને ખેતી કરવી હશે તો, કરશે, પણ હું તો છુંજને! હું જીવીશ, અને મારા ટાંટિયા મને અહીં દોરી લાવશે, ત્યાં સુધી આ મારું ખેતર વેચવાની નથી.’ ગંગાએ કહ્યું, મુખીને આમાં એમનું અપમાન લાગ્યું. પણ બીજો કોઈ રસ્તો નહોતો, બળજબરીથી ગંગા પાસેથી આંચકી લેવા જેટલી મુખી હિંમત કરી શકે, એમ નહોતા. લોકોનો, અને હવે સરકારી કાયદાનો ડર હતો. પણ ચોરામાં બેસતા મુખીના હજૂરિયા દરરોજ મુખીને પીન મારતા, વિધવા ગંગાનું ખેતર પડાવી લેવા ચઢાવતા. અને મુખીને શૂરાતન ચઢી જતું, પણ પાછો બીજો ડર મનને સતાવતો, મુખી વિચારતો હવે ગંગાનો કિશનિયો શહેરમાં રહીને ભણ્યો, ખાસ્સું ભણ્યો છે, આથી કાયદા-કાનૂનની સમજણ મારા કરતાં એને વધારે, અને સરકારમાં પણ એનું ભણેલાનું વધારે ઉપજે. ગંગા રાજીખુશીથી જમીન આપી દે તો, ઠીક, પણ બળજબરી નથી કરવી, ભલે જેને જે કહેવું હોય, એ કહે. અને ગંગાની જમીન મેળવવાનો વિચાર જ મુખીએ મનમાંથી કાઢી નાખ્યો.
નોકરી માટે ખૂબ પ્રયત્ન છતાં ઠેકાણું ના પડ્યું, નોકરી મળતી, ઘણે દૂર અજાણ્યા વિસ્તારમાં, એવા કે, કદી નામ પણ સાંભળ્યું ના હોય, કૃષ્ણકાંત જવા તૈયાર થતો, પણ એની મા એને જવા દેતી નહીં, ‘ભાઈ, એટલે આઘે નથી જવું, ત્યાં તું એકલો, અહીં હું, તને ત્યાં કંઈ થઈ જાય તો… નથી જવું અહીં નજીકમાં મળશે, તું સવારમાં જા, અને સાંજે મને તારું મોં જોવા મળે, એવી નોકરી મળે, ત્યારે જજે.’
કૃષ્ણકાંત ખેતરમાં એની મા, ગંગા સાથે ડાંગરમાં નીંદતો હતો, ચોમાસામાં દિવસો હતા, થોડા દિવસોથી વરસાદ થંભી ગયો હતો, આખી ધરતી નવોઢા જેવી લીલી ચૂંદડીમાં સોહતી હતી, ચોતરફ હરિયાળી નજર આવતી હતી, કૃષ્ણકાંત લાંબો સમય શહેરના ધમાલિયા, ઘોંઘાટિયા વાતાવરણમાં તંગ આવી ગયો હતો, અને હવે ગામડાના શાંત, ચોખ્ખા મનભાવન વાતાવરણને મનભરીને માણવાની મઝા લૂંટતો હતો, એક વિચાર એને એવો પણ થતો હતો, નથી જવું કશેય, નથી કરવી નોકરી-બોકરી, બસ અહીં, મા સાથે ધરતીમાતાની ગોદમાં જ રહેવું છે.
‘અલ્યા ફાવે છે, ખેતરાંનું કોમ?’ અવાજ આવ્યો, કૃષ્ણકાંતના વિચાર તૂટ્યા, અવાજની દિશામાં જોયું, મુખી સામા શેઢે ઊભા હતા, એમની આંગળી પકડી સોળ-સત્તર વર્ષની એક છોકરી પણ સાથે હતી, સાથે કામ કરતી ગંગાએ એના કાનમાં ધીમેથી કહ્યું ‘મુખીની છોકરી છે લીલા, ગાંડી.’
કૃષ્ણકાંતને કંઈ સમજણ ના પડી, છોકરી સામે જોઈ રહ્યો. છોકરી થેકડા ભરતી હવામાં આમતેમ હાથ વીંઝતી ચપટી વગાડતી હતી. કુતૂહલભરી નજરે કૃષ્ણકાંત છોકરીને જોઇ રહ્યો. મુખી એનું ધ્યાન ખેંચતાં ફરી બોલ્યાં ભણેલો ગણેલો, અને આવી ધૂળ ઉલેચવી ગમે છે?’ પણ કૃષ્ણકાંત પેલી છોકરી જોવામાં તલ્લીન હતો, સાંભળ્યું ના સાંભળ્યું કર્યું, આથી ગંગા બોલી ‘નોકરી ના મળે, ત્યાં સુધી ઘેર બેસી રહે પાલવે મોટા! પેટ ટાઇમે માગેજને! કશી નોકરી મલશે પછી ધૂળ ઉથામવી બંધ થઈ જશે.’ પણ ગંગાનું બોલેલું મુખીને ખૂંચ્યું કે, કૃષ્ણકાંત એમની છોકરીને જોઈ રહ્યો હતો, એ ખૂંચ્યું કે, મુખી છોકરીને ખેંચીને ચાલતા થયા, જતી છોકરીને કૃષ્ણકાંત જોઈ રહ્યો હતો. છોકરી ધબધબ પગ પછાડતી, એક ઉત્તરમાં, બીજો દક્ષિણમાં નાખતી એના બાપ પાછળ ઢસડાતી જતી હતી.
‘મુખીની છોકરી ગાંડી છે, મા?’
‘ગાંડી જ છેને! જનમથી એવી જ છે, પહેલાં તો, એને લૂઘડાંનુંય ભાન રહેતું નહોતું. હમણાં જરીક સુધારો થયો.’ ગંગાએ કહ્યું.
‘મુખી કશી દવા-બવા કરાવતા નથી?’ ‘ભગવાન જાણે ભઈ, દવાબવા, કરાવે છે કે નથી કરાવતા.’ ગંગાએ કહ્યું ‘છોકરી ખરીને! આથી મોટી થાય, અને પરણાવે ત્યારે દહેજમાં કેટલાય રૂપિયા અને અધમણ જેટલું સોનું આપવું પડે, આથી મરી જાય તો, મુખીને ટાઢા પાણીએ ખસ જાય, આથી છોકરી જીવે, એટલું ખરું, મરી જાય તો, મરી જાય, એમને કશી અસર ના થાય.’
માના મોંએ છોકરી માટે મુખીનો વર્તાવ જાણી, કૃષ્ણકાંત ખિન્ન થઈ ગયો. એણે આજે મુખીની એ છોકરીને જોઈ, જતાં જતાં છોકરી એની સામે હસી હતી. ખૂબ નિર્દોષ લાગતી હતી, રૂપાળી હતી, સામાન્ય ઘાટીલી, માંજરી આંખો, ટૂંકા ગરદન પર ઝૂલતા માથાના વાળ, ઢીંચણ ઢાંકતું એણે ફરાક પહેર્યું હતું. થેકડા મારતાં ફરાકની ફડક એના સાથળ સુધી ઊંચે ચઢી ગઈ હતી, એના ઉજળા સુંવાળા સાથળ પર કૃષ્ણકાંતની નજર ચોંટી ગઈ હતી. એ મુખીની નજરે ચઢી ગયું હશે, આથી છોકરીને લઈને ચાલ્યા ગયા. છોકરી કૃષ્ણકાંતના મનમાં વસી ગઈ, બીજા દિવસે ગમે એ, હિસાબે એણે છોકરીને એકલા મળવાનું મનથી નક્કી કરી નાખ્યું.
બીજા દિવસે એની મા ગંગાને શરીરમાં સારું લાગતું નહોતું, આથી ગંગાએ જ એને ખેતરે મોકલ્યો. ‘ભઈ! ડાંગરમાં જોઈ લેજે, વરસાદ ખેંચાયો છે, આથી પાણી લેવું પડશે? લેવું પડે એવું લાગે તો, મુખીને કહી પંપ ચાલુ કરાવજે.’ એ ઘરમાંથી નીકળતો હતો, અને માએ કહ્યું. મુખીના પંપે જવાનું બહાનું મળી ગયું, પણ ડાંગરમાં પાણીની જરૂર છે, એની ખબર કેમની પડશે? એ ખેતરના રસ્તે પડ્યો, ત્યાં સુધી મન પર આ જ વિચારે કબજો જમાવી રાખ્યો, એમાં મુખીની છોકરીને મળવાની તાલાવેલી મંદ પડી ગઈ. છેક ખેતરના છીંડામાં દાખલ થયો, ત્યારે મુખીની છોકરી યાદ આવી ગઈ, ‘કદાચ છોકરીને બોલાવવાની તક મળે, તો એને શું કહીને બોલાવું? એના નામની તો ખબર નથી, કાલે ખેતરમાં માએ એનું નામ કહ્યું હતું પણ અત્યારે યાદ આવતું નથી.’ વિચારતો એ મુખીની છોકરીનું નામ યાદ કરવાની માનસિક કસરતમાં પડ્યો, ખાસ્સી મગજમારી કરી પણ છોકરીનું નામ યાદ ના આવ્યું, અને નામ યાદ કરતો, કરતો એના ખેતરમાંથી મુખીના ખેતરમાં ક્યારે આવી ગયો, એની ખબરેય ના પડી.
ઓરડી આગળ રાયણના ઝાડ નીચે નાખેલી ખાટલી ખાલી હતી, અને પંપની ઓરડીનું બારણું બંધ હતું. એ હતાશ થઈ ગયો. એણે મુખીના રખાની તપાસ કરી, મુખીએ પંપ અને ખેતરની રખેવાળી માટે, ગોરધન નામે એક માણસને રાખ્યો હતો, પણ એ પણ હાજર નહોતો. નિરાશ થઈ, કૃષ્ણકાંત પાછો એના ખેતર તરફ વળ્યો, ખેતરમાં આવી, ડાંગરના ચાસે ચાસે ફરવા લાગ્યો, એની મા ગંગાએ ડાંગરમાં પાણીની જરૂર છે એ જોઈ મુખીને પાણીનું કહેવાનું કહ્યું હતું, આથી ચાસે ચાસે ફરી, ડાંગરને પાણીની જરૂર છે કે, કેમ? એ જોતો હતો. અરધા ખેતરમાં ફર્યો, અને મુખી એમની છોકરીને આંગળીએ તેડી, એમના ખેતરના શેઢે ઊભા રહેલા એણે જોયા. મુખીની છોકરીને જોઈ, એ હરખાઈ ઊઠ્યો, એની પાસે જવાની, મનમાં જાગેલી બળવતર ઇચ્છાને પરાણે દબાવવાનો પ્રયત્ન કરતાં એણે ખેતરના ચાસે ચાસે ફરવાનું ચાલુ રાખ્યું.
‘અલ્યા કશના! આ શું મોંડ્યું સે, હવારહવારમોં?’ મુખીએ મોટેથી બરાડા પાડીને કહ્યું. એનું નામ કૃષ્ણકાંત હતું, પણ એ હલકી વણ્યનો હતો, આથી કૃષ્ણ ભગવાનનું નામ એને ના હોય, એને શોભતું નથી, મનથી મુખી એવું માનતા હતા, આથી એને ‘કશનો’ કહી બોલાવતા. મુખીના બરાડાથી એ હબકી ગયો, મુખી સામે જોઈ રહ્યો. મુખીએ હાથોલિયું કરી એને બોલાવ્યો. ઝડપથી એ, મુખી પાસે ગયો. ‘લ્યા શોના ઓંટા મારતોતો, ડોંગેર નેંઘલમોં આયી, એ જોતોતો?’
‘ના… કાકા!’ નરમ અવાજે એ બોલ્યો.
‘તાર! તાર શું જોતોતો, ચાહેચાહે ફરીન?’ મુખીએ વ્યંગમાં પૂછ્યું.
‘મારી માએ કહ્યું છે કે, ડાંગરને પાણીની જરૂર હોય તો, જોજે, જરૂર હોય તો, મુખીકાકાને પાણીનું કહેજે.’ એણે કહ્યું એ સાથે મુખી ખડખડાટ હસ્યા, એમને, હસતા જોઈને એમની છોકરી પણ હસવાએ ચઢી ગઈ, એ ભોંઠો પડી ગયો.
‘જમીનની વરાપ પારખતાં શીખો, પછી ખેતી કરો. પાકને ક્યારે પાણીની જરૂર છે, એની ગતાગમ પડતી નથી, અને ખેતી કરવા નીકળી પડ્યા.’ મુખી રોષમાં બોલ્યા. પછી કૃષ્ણકાંતને સમજાવતા હોય, એમ ધીમા અને મીઠા અવાજે બોલ્યા ‘જો ભાઈ, ખેતી હવે, પહેલાં જેવી રહી નથી, ઊપજ કરતાં ખર્ચ બમણો થાય છે, આથી મારી તો તમને સલાહ કે, બે પૈસા મળતા હોય તો, વેચી દો, જમીન. તારી માને પૂછજે બજારભાવ કરતાં હું પાંચપચ્ચી વધારે આપીશ.’ કૃષ્ણકાંત કંઈ બોલ્યો નહીં, મુખીની છોકરી એને જોઈ રહી હતી, એ છોકરી સામે હળવું હસ્યો, છોકરી પણ હસી. ‘તારું નામ શું છે?’ છોકરીએ પૂછ્યું, ‘કૃષ્ણકાંત.’ એ બોલ્યો. પછી છોકરીને પૂછ્યું ‘તારું નામ શું છે?’
છોકરી નામ કહેવાના બદલે એના બાપ સામે જોઈ રહી, પછી બોલી ‘બાપુ આને મારું નામ કહું?’
‘ના! શું કામ છે, તારે આનું નામ જાણીને?’ મુખી કૃષ્ણકાંત સામે જોઈ, ગુસ્સામાં બોલ્યા. કૃષ્ણકાંત શિયાંવિયાં થઈ ગયો. એના ખેતર તરફ ચાલ્યો.
મુખીની છોકરી સાથે વાત કરવાની એને ખૂબ ઈચ્છા હતી, પણ એની ઈચ્છા બર ના આવી, વાત કરવાની તો, ઠીક એનું નામ જાણવામાંય સફળતા ના મળી. ઘેર જઈ, એની માને મુખીએ જે વાત કરી એ કહી. ‘બેટા, મુખીની દાનત આપણું ખેતર પડાવી લેવાની છે.’ મા માત્ર એટલું જ બોલી અને ઊંડો નિ:સાસો નાખ્યો. એણે તરત પૂછ્યું ‘મા! મુખીની પેલી છોકરીનું નામ શું?’
‘એ ગાંડીનું નામ જાણીને તારે શું કામ છે? લીલા એનું નામ. કેમ કશું થયું, એની સાથે?’
‘ના, ના.! કંઈ થયું નથી, પણ તું કહે છે, છોકરી ગાંડી છે, પણ ગાંડી નથી લાગતી, સરસ વાતો કરે છે, અને’
‘કેમ ગાંડાના માથે શિંગડા ઉગે છે ભાઈ, એના મા-બાપ, અને આખું ગામ એને ગાંડી કહે છે, પછી તારા કહેવાથી એ ડાહી થઈ જશે?’ મા અકળામણ કાઢતાં બોલી. એ ચૂપ થઈ ગયો.
એ પછીના એક દિવસે, કૃષ્ણકાંત એની મા સાથે ખેતરમાં કામ કરતો હતો, કામ કરતાં, એની નજર મુખીના ખેતર તરફ ગઈ, એના આશ્ર્ચર્ય વચ્ચે, મુખીની છોકરીને હાથમાં વામ લાંબી, સોટી આમતેમ વીંઝતી, એની તરફ આવતી જોઈ, કૃષ્ણકાંત મનમાં હરખાયો, છોકરી, એની પાસે આવી, ડાંગરના છોડ પર સોટી વીંઝવા લાગી. ડાંગર પર કણસલાં આવ્યાં હતાં, સોટીના પ્રહારથી, કણસલાંના દાણા ખરી પડવા લાગ્યા, ગંગાનો જીવ બળી જતો હતો, એણે ધીમેથી છોકરીને કહ્યું, ‘લીલા બેન, છોડવાને સોટી ના મારશો, દાણા ખરી પડે છે.’ ‘સારું બા, હવે નહીં મારું બસ!’ બોલતી લીલા કૃષ્ણકાંત પાસે ગઈ, એની સામે હસી. કૃષ્ણકાંત પણ હસ્યો, ‘કેમ લીલા, આજે એકલી આવી? તારા બાપુજી ક્યાં, નથી આવ્યા?’ લીલા જવાબ આપવાના બદલે હસી, એવું હસી કે, કૃષ્ણકાંતને અંદર શુંનું શુંય થઈ ગયું. ‘તારું નામ શું છે?’ લીલાએ હાથમાંની સોટી, કૃષ્ણકાંતના બરડે થપથપાવતાં પૂછ્યું. કૃષ્ણકાંત હબકી ગયો, ‘ઝાપટી દેશે?’ ના ભયમાં થરકતી આંખે લીલા સામે તાકી રહ્યો. બોલને! નામ શું છે તારું?’ લીલાએ ફરી સોટી કૃષ્ણકાંતના બરડે ઘસતાં પૂછ્યું. ‘લ્યા! એ ગાંડીને નામ કહી લપ ટાળને?’ ગંગા અકળાતી બોલી.
‘બા! હું તમને ગાંડી લાગુ છું?’ લીલા ગંગા સામે જોઈ, લાચારીમાં બોલી. ગંગા ગળગળી થઈ ગઈ, ‘ના બેન, તમે તો, ડાહ્યાં છો, લોકો ખોટા છે, તમારાં ઘરવાળાં જ તમને ગાંડાં કહે છે બોલો!’
‘બોલને તારું નામ, મને તારું નામ કહેને?’ કૃષ્ણકાંત પાસે જઈ, લીલા બોલી. ‘તું પહેલાં, આ સોટી ફેંકી દે, પછી કહું.’
‘ના, સોટી ના ફેંકું. આ સોટી નથી, પણ વાંસળી છે, કૃષ્ણ ભગવાન વગાડતા હતા ને!’ બોલતાં એણે પગની આંટી મારી, સોટીને વાંસળીની જેમ હોઠ આગળ આડી રાખી, વાંસળી વગાડતી હોય, એમ લીલા સોટી પર હાથનાં આગળાં ફેરવવા લાગી. કૃષ્ણકાંત મુગ્ધભાવે એને જોઈ રહ્યો. મનોમન બબડ્યો. ‘આને કોણ ગાંડી કહે? આ ગાંડી છે કે, એને ગાંડી કહેનાર ગાંડાં છે?’
‘કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા, અને ગોપીઓ નાચતી હતી.’ લીલા અસલ સ્થિતિમાં આવી જતાં બોલી. પછી હાથમાંની સોટી, કૃષ્ણકાંત તરફ લંબાવતાં બોલી ‘લે, તું વાંસળી વગાડ, હું નાચું’. કૃષ્ણકાંત બાઘો બની લીલા સામે જોઈ રહ્યો. લીલા એની નજીક આવી, બોલી ‘તું કૃષ્ણ, હું લીલા.’ પછી કૃષ્ણકાંતની છાતી પર લીલા એનો હાથ મૂકતાં બોલી કૃષ્ણલીલા. કેવું લાગે, હેં!’ અને ખીખી હસવા લાગી. કૃષ્ણકાંત આભો બની ગયો.
‘લ્યા ભાઈ લે, ચાલ મોડું થશે, પેલો એનો બાપ આવી જશે તો, ભવાડો કરશે.’ ગંગા કૃષ્ણકાંતને ટપારતાં બોલી.
‘બા, મારા બાપુ, આજે ઘેર નથી, બહારગામ ગયા છે, આથી હું આ કૃષ્ણને મળવા જ આવી. તમે ચિંતા ના કરશો.’ લીલા બોલી.
‘બેન, આવું ના બોલશો, તમારા બાપુ જાણશે, તો તમને તો, કશું કરતાં કરશે, પણ પહેલાં મારા આ છોકરાને, અને મને અમને બેયને જીવતાં સળગાવી મૂકશે’ ફફડતા અવાજે ગંગાએ કહ્યું.
‘તમારી ભેગું હું પણ સળગી મરીશ.’ લીલા સ્વસ્થ સ્વરે બોલી. ગંગા ભય અને ગ્લાનિ મિશ્રિત, આશ્ર્ચર્યભાવે લીલાને જોઈ રહી.
‘મારાં માબાપને દહેજમાં મોટી રકમ અને સોનું આપવું પડે, આથી મને ગાંડી બનાવી દીધી. ગાંડી ગાંડીથી મને વગોવી, મને પરણાવાનું ટાળી દીધું. મારી મા અમારા ખેતરના રખેવાળ પાસે ક્યાંકથી કશી વનસ્પતિનાં પાંદડાં મંગાવી મને ખોરાક-પાણીમાં અમુક દિવસે આપે છે, એની અસરમાં હું મારી જાત પરનો કાબૂ ગુમાવી દઉં છું, અને મારી ચાલમાં, બોલવામાં અને બીજા હાવભાવમાં એની અસર થાય છે, અને એ જ વખતે મારા બાપુ મને ગામમાં કે, ખેતરમાં ફરવાના બહાને લાવે છે, જેથી જોનારા મને ગાંડી સમજે.’ લીલાએ કૃષ્ણકાંતને કહ્યું. સાંભળી કૃષ્ણકાંત સ્તબ્ધ થઈ ગયો. ‘આવું વધારે વખત ચાલશે તો, કાં તો હું બિલકુલ પાગલ થઈ જઈશ, અથવા જીવથી જઈશ.’ વ્યથિત અવાજે લીલા આગળ બોલી.
‘પણ મને આ બધું કહેવાનો મતલબ? મને કેમ તેં કહ્યું?’
‘મેં તને પ્રથમવાર જોયો, ત્યારથી તું મારા મનમાં વસી ગયો છે, મને તારી પર ભરોસો છે, તું મને આ દોજખમાંથી ઉગારી લઈશ, હિંમત રાખી, તું આગળ વધ, તું જ્યાં લઈ જઈશ, ત્યાં હું તારી સાથે આવીશ’ લીલા બોલી. કૃષ્ણકાંત ફફડી ગયો. ‘તું જાણે છે, મારા માટે આ આગ સાથે રમવાનું સાબિત થશે, એમાં બચવા કરતાં સળગી મરવાની શક્યતા વધારે છે, લીલા મારાથી આ નહીં બને.’
‘તો હું આમ દિવસે દિવસે મોતના મોંમાં ધકેલાતી રહું, એવું તું ઈચ્છે છે? મેં તને મારો કૃષ્ણ માન્યો છે, કૃષ્ણ એટલે કોણ, એની તો તને ખબર છેને?’
‘મને બધી ખબર છે, અને તને ખબર છેને તારી અને મારી વચ્ચે ધરતી-આસમાન જેટલો ફરક છે? જે દિવસે તારા બાપને ખબર પડે કે, આપણી વચ્ચે પ્રેમસંબંધ છે, અને આપણે ભાગી જવાનાં છીએ કે, તરત મને અને મારી માને તારો બાપ જીવતાં સળગાવી દે. ના, ના, બીજી કોઈ મદદ તારે જોઈતી હોય તો, હું તૈયાર. ‘પણ’.
‘બસને, બેસી ગયોને પાણીમાં? સારું એટલું કહે હું તને ગમું છું?’
‘હાઆઆઆ….!’
‘તું મને પ્રેમ કરે છે?’
‘હા, પણ અત્યાર સુધી એકતરફી હતો. મનોમન મેં તને મારી સ્વપ્ન સુંદરી માની હતી.’ કૃષ્ણકાંત સ્ફૂર્તિથી બોલ્યો.
‘પણ હવે તો, તને તારો પ્રેમ એકપક્ષીય નથી લાગતોને? મારામાં વિશ્ર્વાસ રાખ, હું તને પૂરા દિલથી ચાહું છું, અને દુનિયાની કોઇ તાકાત મને તારી ચાહતમાંથી અલગ કરી નહીં શકે.’ લીલા મક્કમ અવાજે બોલી. કૃષ્ણકાંત નિ:શબ્દ લીલા સામે જોઈ રહ્યો. થોડીવાર પછી બોલ્યો પણ ધાર કે, તારા બાપુને આપણા સંબંધની જાણ થઈ જાય, અને ક્રોધમાં સળગતા, બંધૂક, લઈ આવી ચઢે, પછીના પરિણામને કલ્પના કરી છે તેં?’
‘હત્ રે ગાંડા, લોક મને ગાંડી કહે છે, પણ ખરેખર ગાંડો તો તું છે. ખાણિયામાં માથું મૂક્યા પછી એના ધમકારથી ડરી જવાતું હશે? મારા બાપુ પાસે બંધૂક છે, અને આપણા સંબંધની જાણ થતાં, અહીં બંધૂક લઈને આવે તો, પહેલી ગોળી મારી છાતીમાં વાગશે.’ લીલા બોલી.
બન્ને હવે નિયમિત મળવા લાગ્યાં. મુખીના ખેતરના એક ખૂણે ઘટાદાર આંબાની ઓથે, બન્ને કલાકો સુધી એકબીજામાં ખોવાઈ જતાં. અહીં કોઈ, એમને જોનાર-ટોકનાર ન હતું. આંબાના વિશાળ થડની ઓથે, લીલા કૃષ્ણકાંતના ખોળામાં માથું મૂકી, કૃષ્ણકાંતની આંખોમાં ટગરટગર જોઈ રહેતી. ‘શું જોઈ રહે છે, આમ મને?’ કૃષ્ણકાંત પૂછતો. ‘તને, મારા પ્રેમને!’ લીલા કહેતી. ‘મને લાગે છે, ગયા જનમમાં આપણે જીવનસાથી હોઈશું, તને નથી, લાગતું?’
‘લાગે છે, બધુંય લાગે છે, અને હવે થાય છે કે જખ મારે છે દુનિયા, તારા બાપુનેય જે કરવું હોય એ, કરી લે, પણ હવે મને જિંદગીમાં મળેલી આ અણમોલ ચીજ મારે ખોવી નથી.’ બોલતાં કૃષ્ણકાંતે લીલાનો ચહેરો હાથમાં લઈ, ચૂમી લીધો. લીલા આવેશમાં બેઠી થઈ, કૃષ્ણકાંતને વળગી પડી. હવે, તારામાં હિંમત આવી, હવે મને પાકી ખાત્રી થઈ, મારી પસંદગી એળે નથી જવાની.’ લીલા કૃષ્ણકાંતનો ચહેરો ચૂમી લેતાં કહ્યું.
‘તારા પ્રતાપે, લીલા. તેં મને હિંમત અને હૂંફ આપી ના હોત તો, મારી જીગર ક્યાં હતી, વાઘની બોડમાં હાથ નાખવાની!’
‘તો, ચાલ આપણે ભાગી જઈએ, અહીંથી દૂર, દૂર જ્યાં કોઈનો ભય ના હોય, આપણી વચ્ચે કોઈની દખલ ના હોય, ચાલ ઊઠ.’ લીલા ઊભી થઈ કૃષ્ણકાંતનો હાથ પકડી ખેંચતાં બોલી.
‘અરે! આમ ઊઠ્યાં ઊઠ્યાં જવાતું હશે? થોડી ધીરજ ધર, હું નોકરીની તપાસમાં છું સારી નોકરી મળે કે, તરત.’
કૃષ્ણકાંત એનું વાક્ય પૂરું કરે, એ પહેલાં જાણે હવામાંથી પ્રગટ થયા હોય, એમ મુખી કૃષ્ણકાંત સામે બંધૂક તાણી ઊભા રહ્યા. કૃષ્ણકાંત આખા શરીરે ધ્રૂજી ઊઠ્યો. ‘સાલ્લા, હરામી!’ મુખી બરાડ્યાં, આવેશમાં ટ્રિગર પર આંગળી મૂકી, ટ્રિગર દબાવે એ પહેલાં લીલા ધસી આવી, કૃષ્ણકાંત આગળ કૃષ્ણકાંતની ઢાલ બની ઊભી રહી, બોલી ‘બાપુ મારા કૃષ્ણને ગોળી મારતાં પહેલાં મને મારો. કૃષ્ણ વગર લીલા અધૂરી ગણાશે, કૃષ્ણને મારશો તો, એની પાછળ લીલા પણ ઝૂરીઝૂરીને મરી જશે.’ લીલા બોલી. મુખી સ્તબ્ધ થઈ ગયા. ‘તું લીલા મારી દીકરી, બેટા તું ગાંડી હતીને? તારામાં આવું ડહાપણ ક્યાંથી.’
આ કૃષ્ણના પ્રતાપ બાપુજી. એણે મને પ્રેમ આપ્યો, હૂંફ આપી, અને તમે મારાં માવતર છતાં મને ઇરાદાપૂર્વક, તમારે દહેજનો ખર્ચ કરવો ના પડે, આથી મને ગાંડી બનાવી, બધાંને ગાંડીથી જ મારી ઓળખ આપી.’ લીલી બોલી ગઈ, મુખીએ હાથમાંની બંધૂક ફેંકી દીધી, કૃષ્ણ લીલા પાસે આવ્યા, બંનેને બગલમાં દબાવતાં બોલ્યા. ‘તમે આજે મારી આંખ ઉઘાડી. સમાજની ઊંચનીચની બદીમાં કેટલાંય કજોડાં બને છે, અને એમાં ઘણી બદી જન્મ લે છે. પણ તમે કહેવાતા સવર્ણ સમાજને જાગૃત કરવાનું ઉમદા કામ કર્યું છે. હું તમને બેમાંથી કોઇને મારવા કે, મારી નાખવા આવ્યો નથી.’ બોલતાં મુખીએ બૂમ પાડી, ગોરધન રખાને બોલાવ્યો, ગોરધન આવ્યો એની પાસેની બેગ લઈ લીલાને આપતાં મુખી બોલ્યા ‘બેટી, મારે તને દહેજમાં જે કંઈ આપવાનું હતું, એ આ લે, એમાં થોડા રૂપિયા અને સોનાના દાગીના છે,’ પછી કૃષ્ણકાંત સામે જોઈ મુખી બોલ્યા તમારે નોકરી મળે, ત્યાં સુધી રાહ જોવાની નથી, જાવ તમને નજીકના રેલવેસ્ટેશને મારી કારમાં ગોરધન મૂકી જશે, જાવ બંને સુખી રહો.’
બંને ગળગળાં થઈ ગયાં, મુખીના પગમાં પડ્યાં, મુખીએ બંનેને ઊભા કરી આશિષ આપી, વિદાય કર્યાં.