વીક એન્ડ

પક્ષી નિરીક્ષકોને મૂર્ખ બનાવવામાં પાવરધું પંખી – કાબર

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

કિશોરાવસ્થામાં પક્ષી-નિરિક્ષણના પાગલપનના કારણે અનેક પંખીઓ ઓળખતા તો આવડી ગયેલું, પરંતુ પછી પંખીડાઓને તેમના અવાજ એટલે કે બર્ડકોલના આધારે ઓળખતા શીખવાનું ઝનૂન પણ ચડેલું. કાળા બપોરે ઘરમાં અભ્યાસક્રમના પુસ્તક વચ્ચે સંતાડેલું અરેબિયન નાઈટ્સ વાંચતો હોઉ અને બહારથી કાળિયો કોશી બોલે એટલે દોડીને બહાર જાઉ. તો પાણીની નિકના લીધે ભીની થયેલી માટીમાંથી કાબર અળસીયા ખાતી હોય. માંડ ઘરમાં જાઉ અને દૈયડનો અવાજ સાંભળીને ફરી દોડું તો એક બે હોલા અને કાબરો સિવાય કોઈ ન દેખાય. પછી ખબર પડી કે કાબરબેન મોજમાં હોય તો કેટલાંય પંખીડાઓના અવાજની આબેહૂબ નકલ કરી જાણે. કાગડાના હુમલાથી બચાવેલું કાબરનું એક નાગુંપૂગું બચ્ચું અમારે આશરે ઉછરીને મોટું થયેલું. તેની સાથેના સંભારણા આજે પણ અમારી આંખો ભીની કરી દે છે.

પ્રાથમિક શાળામાંથી સાતમું પાસ કરીને આઠમા ધોરણમાં અમે હાઈસ્કૂલમાં બઢતી પામ્યા ત્યારે રસ્તામાં આવતા એક ઘર બહાર એક ડોસીમા કાયમ છોકરીઓનું ટોળું નીકળે ત્યારે બબડે આ “કાબરું હાલી નિહાળે અને પાછળ પાછળ છોકરાઓના ટોળાં માટે કહે આ ‘કાગડા’ય ઉપડ્યા. છોકરીઓનાં જૂથનો વાર્તાલાપ સૌએ સાંભળ્યો જ હશે પરંતુ કાબરોનો કલરવ સાંભળો ત્યારે સમજાય કે આ સમાનતા કેવી છે. પરંતુ આજે આપણે કાબરના કલરવ કે કકળાટની જ વાતો નથી કરવાની, પરંતુ કાબર વિષેના થોડા વાસ્તવિક મુદ્દાઓને જાણીએ. વિશ્ર્વમાં કાબરોની લગભગ ચાલીસેક જેટલી જાતિઓ છે, અને આશ્ર્ચર્ય થશે કે માત્ર ભારતમાં જ કાબરોની કુલ બારેક જેટલી જાતિઓ છે. બોલો, આપણે મન તો કાબર એટલે કાબર . . . પણ ના દોસ્તો કાબર એ સ્ટારલિંગ’ જાતિનું જ એક પક્ષી છે. હવે આપણને થાય કે આ કાબર તો જાણે સમજ્યા, પરંતુ સ્ટારલિંગ કોણ આહે? તો આપણે ઘણીવાર સૂરજ આથમવાના સમયે હજારો પક્ષીનાં ટોળાને એકસાથે ઝૂંડમાં લયબદ્ધ રીતે ઉડતાં જોઈને વશીભૂત થઈ જઈએ છીએને . . . બસ એ પક્ષી એટલે સ્ટારલિંગ. સ્ટારલિંગનું ગુજરાતી નામ છે ‘વૈયું’. આ વૈયા, આંગણે મળતી કાબર અને મસ્ત મજાની ચોટલી વાળી લટકમટક ચાલતી ઇસ્ટાઈલીશ કબર જેને આપણે બ્રાહ્મણી મૈના કહીએ છીએ તે સૌ એક જ કુળનાં પંખીડાં છે. ભારતના જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી જાતિની કાબરો જોવા મળે છે. (૧) કોમન સ્ટારલિંગ (વૈયું), (૨) કાબર, (૩) બ્રાહ્મણી મેના, (૪) રોઝી સ્ટારલિંગ -વૈયાની બીજી જાત, (૫) ચેસ્ટનટ ટેઈલ્ડ સ્ટારલિંગ, (૬) આંદામાનમાં જોવા મળતું સફેદ માથા વાળુ સ્ટારલિંગ, (૭) માલાબાર સ્ટારલિંગ, (૮) ઇન્ડિયન મેના, (૯) એશિયન પાઈડ મેના, (૧૦) કોમન હિલ મેના, (આ હિલ મેનાને જોખમ હોવાથી તેને પાળી શકાતી નથી), (૧૧) બેન્ક મેના (ઉત્તર ભારત અને દક્ષિણ એશિયા), (૧૨) વ્હાઈટ વેન્ટેડ મેના (બુલબુલનું પાછવાડું લાલ હોય એમ આ કાબરનું પાછવાડું સફેદ હોય છે).

મેના શબ્દનો અર્થ થાય છે નટખટ અથવા મોજીલું પંખી. આ પક્ષી એશિયા અને ભારતનું મૂળનિવાસી હોવાથી આપણા વાતાવરણમાં ગોઠવાઈને પોતાનું કાર્ય કર્યા કરે છે. તેના બે ત્રણ મુખ્ય કામ છે, ફૂલોની પરાગરજનું વહન કરવું અને માખી, તીડ જેવી અનેક પ્રકારની જીવાતનું ભક્ષણ કરીને પેસ્ટ કંટ્રોલરની નોકરી પણ કાબરબાઈ વગર પગારે કરે છે. હવે એક અચરજભરી વાત જાણીએ. સન ૧૮૮૦માં ઓસ્ટ્રેલિયામાં તીડનું મહાઆક્રમણ થયેલું. ત્યારે ભારતથી કાબરોને લઈ જઈને ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં છૂટી મૂકેલી, અને ત્યાં તીડને મારવાનો અખતરો સફળ થતાં બાદમાં ક્વીન્સલેન્ડમાં બિટલ્સ અને તીતીઘોડાને નાથવા માટે લઈ જવાઈ હતી. પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ માટે આપની નાનકડી કાબરબાઈઓ માથાનો દુખાવો બની ગઈ હતી. છે ને કાબરો જબરી ?

કાબરોનાં થોડા મજેદાર ભારતીય નામો જાણવાં જેવાં છે.

કલહપ્રિયા – કકળાટ જેને પસંદ છે તેવું પક્ષી
ચિત્રનેત્રા – જેની આંખો ખૂબ સુંદર છે તેવું પક્ષી
પિતનેત્રા – જેની આંખો પીળી છે તેવું પક્ષી
પિતપાદ – જેના પગ પીળા છે તેવું પક્ષી
અંતે સ્વ. નિબંધકાર શ્રી જનક ત્રિવેદીના નિબંધની (અમારા સૌના આશરે મોટી થયેલી) કાબરના લાલિત્યને માણીએ . . .

“ખરી બપોરે કોસ છટ્યા પછી પીંપર, આમલી અને લીમડાને છાંયે કૂવાના થાળાનાં ખાબોચિયાંમાં નાહવા માટે પોપટના જૂથ સાથે બાધેડુ પડોશણની જેમ ઝઘડતી કાબરો જેમણે નથી જોઈ તેમણે કુદરતની કેટલીક ઉમદા ક્ષણો માણવાનો આનંદ ગુમાવ્યો છે. જોકે એ મજાનાં દૃશ્યો હવે જોવા મળવાનાં નથી. કોસ અને ધોરિયા જ કયાં રહ્યા છે કે ધોરિયાનાં ખાબોચિયાંમાં છબછબિયાં કરતી અથવા ધોરિયાની પોચી માટીમાંથી અળસિયાં ખેંચી કાઢી ઑહિયા કરતી જતી કાબરો જોવા મળે! ગાય-ભેંસ સાથે મલપતી ચાલે ચાલી જતી કે ભેંસની પીઠ પર પ્રયાસ કરતા કાબરનો ઠરસો તો વળી ઓર હોય.

બપોરે વૃક્ષની ડાળે (વૃક્ષમાંયે ખાસ તો લીમડો જ એને પ્રિય) નિરાંતવા એકલી બેઠી કો ખાંસાહેબની અદાએ અવનવા સ્વરોમાં રાગસંગીત આરંભી, એક રાગમાંથી બીજા રાગમાં તાનપલટા અને રાગમિશ્રણ કરતો અને ઝીણા સ્વરે કેટલાંય પંખીઓના અવાજની નકલ કરતી કાબરના ગળાની મીઠપ અને ઠાવકાઈ તો એની જ. જાણે કહેતો હોય જુઓ, માત્ર કકળાટ જ નથી કરતી, નિરાંત રહેવા દો તો ગીતોય કેવાં મજાનાં ગાઈ જાણું છું ! ગામડામાં બોલકણી છોકરીને ‘કાબર’ના ઉપનામે બોલાવાય છે.

કઈ કાબર સાચી – ઝઘડાખોર કર્કશા કાબર કે આ મજાનું, ગાતી કાબર ? પંખીનેય વળી આંતર-બાહ્ય ! – એમ વિચારતા હોઈએ ત્યાં તો કાબરબાઈ એનાં ગીત લીમડાની ડાળે લટકાવી ઊડી ગયાં હોય. પંખીને ઓળખવું આમેય સહેલું નથી. તેમાંયે કાબરની વાત જ જુદી. પુસ્તકોમાં ચીતરેલી ને વર્ણવેલી કાબર અથવા બાઈનોક્યુલરમાં દેખાતી કાબર તો ચિત્રકારે ચીતરેલી અથવા પક્ષીવિદે ડિફાઈન કરેલી કાબર – રંગીન પાંખ-પીછાંવાળું કાબર નામનું પંખી માત્ર. તેમાં કજિયાળી – ગીતડાં ગાતી અલ્લડ છોકરી સરખી કાબરબાઈ નો આત્મા ક્યાં હોય છે ! પંખીના આત્માને અનુભવવો હોય તો પંખી સરખું હૈયું રાખી તેને આપણો વિશ્ર્વાસ કરતાં કરવાં પડે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ