વીક એન્ડ

હેં…ખુરશીની ખેતીમાં લાખના કર્યા બે હજાર.? !

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘આ વાત ગળે ઊતરતી નથી. ભલે એ શીરા જેવી મુલાયમ કે પોચી હોય!’ આટલું કહી અમારા રાજુ રદીએ બે હાથથી માથું પકડ્યું પછી માથું નકારમાં જોરથી હલાવ્યું. કદાચ ટ્રેનની જેમ માથું ખડી જશે કે શું?રાજુની દશા ટુ બી ઓર નોટ ટુ બી’ જેવી હતી. રાજુ દ્વિધાનું પોટલું બની ગયો હતો.

‘રાજુ, આપણે રશિયાને લાલ આંખ કરીને કહ્યું છે. ઇનફ ઇઝ ઇનફ.. બાળકો ઘર ઘર રમે એમ યુદ્ધની રમત બહુ થઇ. ડાહ્યાડમરા થઇ સમાધાન કરી લો. યુદ્ધ એ કોઇ પણ સમસ્યાનું સમાધાન નથી. આમાં ન માનવા જેવું શું છે?’ વિપક્ષની જેમ મેં રાજુને કાઉન્ટર કવેશ્ચન-પ્રતિ પ્રશ્ર્ન કર્યો. ‘ગિરધરભાઇ,હું એની વાત કરતો નથી. મારું કહેવાનું અલગ છે.’ રાજુએ સ્પષ્ટતા કરી. ‘રાજુ, પાકિસ્તાનની ચૂંટણીમાં સૈન્યે જીતેલ ઉમેદવારને હરાવ્યા,હારેલ ઉમેદવારને જીતાડ્યા. અપક્ષો બહુમતીમાં હોવા છતાં સૈન્યની કઠપૂતળી એવા શાહબાજ શરીફને પ્રધાનમંત્રી બનાવ્યા. ઇમરાન જેલમાં હાથ ઘસતો રહી ગયો.’ મેં આત્મવિશ્ર્વાસથી છલકાતા અવાજે કહ્યું.

‘અરે ઓ મેકિયાવેલી. ઓ એરિસ્ટોટલ, પ્લુટો! હું એની પણ વાત કરતો નથી.’રાજુ મારા પર જોરથી બરાડ્યો. ‘રાજુ , તું સવાલ કરે છે અને તું જવાબ કરે છે. તું રોબોટ છે કે શું?પહેલિયા બુઝાવ્યા વિના જે કહેવું હોય તે સ્પષ્ટ કહે મને ઉખાણાં-બુખાણામાં રસ નથી.’ મેં રાજુને પાણીથી પાતળો કરી નાખ્યો.

‘ગિરધરભાઇ, મોસમ છલકેની માફક ચૂંટણી છલકી રહી છે. પિતળ પર સોનાનો ગિલેટ ચડાવે છે. સ્ટીલ પ્લેટિનમની માફક ચમકી રહ્યું છે.દરેકને સેવા કરવાની ચળ-ખંજવાળ ઊમટી છે એટલે વચનોથી પ્રજાને વલૂરી રહ્યા છે. શ્ર્વાન હાડકું ચૂસે તેમ સત્તાને બોટવાની હોડ મચી છે.સેવા-મેવા માટે ચૂંટણીની વૈતરણી પાર ઉતરવી પડે છે. લગ્નના વરરાજાની જેમ સજીધજીને ઘોડા,બગી, બળદગાડું , હાથી ,સાઇકલ જે વાહન મળે તે લઇને રાજપૂત યોદ્ધાની માફક ચૂંટણીયા કરવા દોડે છે! ‘ચુનાવસ્ય કથા રમ્યા:’ એમ રાજુએ સમજાવ્યું, ‘રાજુ, ખુરશીદેવીને પામવા જે ચૂંટણીબંકાંઓ ઝંપલાવે છે તે ‘નો યોર કસ્ટમર’ એટલે કે ‘કેવાયસી-ગ્રાહકને ઓળખો ઝુંબેશ’ હેઠળ વ્યવસાય, અભ્યાસ ( કયા ધોરણમાં કોના લીધે કેટલી ડાંડી મારી તેની વિગતો પણ વિગતવાર કહેવી પડે!) પત્ની ,પતિ, મિલકત, ઘરેણા, જમીન, મકાન( દુકાન, ફલેટ, શેર, ડિબેન્ચર, ધંધા, ખેતી, વ્યવસાય વગેરેની માહિતી ઉમેદવારીપત્રમાં આપવી પડે. જમીનની બજાર કિંમતને બદલે જંત્રી કિંમત દેખાડી મિલકતની રકમમાં ઘટાડો કરી શકે. ઘણા ઉમેદવારોના કિસ્સામાં એક ચૂંટણી લડ્યા પછી બીજી ચૂંટણી લડે તે ગાળામાં ઘરવાળીની સંખ્યામાં ધરખમ વધારો થાય. કેટલાકના કિસ્સામાં ખરતા તારાની જેમ ઘરવાળી પણ ખરી પડે…’ ઉમેદવારે ચૂંટણી લડવા માટે શું શું રજૂ કરવાનું તેની યાદી મેં સંભળાવી. ‘ગિરધરભાઇ,ચૂંટણીના ફોર્મમાં મિલકતોની વિગતે રજૂ કરવામાં આવે છે.એમાં દર પાંચ વરસે સતત વધારો જ થતો હોય છે. માનો કે રાજા શાહીની રાજકુમારી.રાતે વધે નહીં તેટલે દિવસે વધે. અત્રે કચરાનું ઉદાહરણ પણ તમને ગમશે નહીં. રાજકુમારી અસાધારણ રીતે વધે એ તો સમજ્યા ભૈ! કોઇ વાર્તામાં રાજાનો કુંવરને આ રીતે વધતો દેખાડતા નથી તો એનો વિકાસ નહીં થતો હોય? રાજુ રદીએ સટીક સવાલ કર્યો. ‘રાજુ,આજ સુધીમાં ઉમેદવારના પરિવારની આવકમાં તોતિંગ વધારો થાય છે. ક્યારેય રતિભાર ઘટાડો થતો નથી. શેરબજારની ભાષામાં શેરબજાર તૂટે ત્યાર અબજો-કરોડો રૂપિયાની સંપત્તિ ધોવાઇ જતી હોય છે. એક ચૂંટણી બાદ બીજી ચૂંટણી દરમિયાન એક પણ ઉમેદવારની સંપત્તિ કૃષ્ણ પક્ષના ચંદ્રકળાની જેમ ઘટતી નથી! ઉમેદવારની પાંચે ( વાસ્તવમાં ચાર આંગળી હોય છે. પાંચમી આંગળી નહીં પણ અંગૂઠો હોય છે. જે ઠેંગો બતાવવાનાં કામમાં આવે છે. ઠેંગો બતાવવા માટેના કામમાં આંગળી કેમ કામ આવતી નથી તે મોટો પ્રશ્ર છે!) ઉમેદવારની પાંચે આંગળી ઘીમાં નહીં, પણ પનીરમાં હોય છે!કેમ કે, રાજકારણ મૂડી રોકાણ વગરનો પારકી મૂડીને પોતાની સમજીને લૂંટવાનો ધંધો છે. જેમાં હંમેશાં મુનાફા હી મુનાફા હૈ, કયા સમજે, ભીડું?’ મેં રાજુને ધંધાકીય રહસ્ય શેર કર્યું! ‘ગિરધરભાઇ, ગજબ થઇ ગયો. નામુમકીન, મુમકીન થઇ ગયું .લૂંગી ફાડ કે રૂમાલ નહીં, પણ રૂમાલ જોડ કે જોડ કે લૂંગી થઇ ગઇ! આપણા એક ઉમેદવારની ૨૦૧૭ની આવક સામે ૨૦૨૨ માં આવકનું ધોવાણ થઇ ગયું .આવક મીણબત્તીની જેમ પીગળી ગઇ!એક,બે, ત્રણ નહીં પણ સાડા અગિયાર કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું .લાગે છે કે કળયુગનાં વળતા પાણી છે અને સતયુગ પાછલા પગે-ચોરપગલે આગમન કરી રહ્યો છે!’રાજુએ વૃતાંત નિવેદક( ટપ્પો ન પડ્યો?ગુજરાતીમાં ન્યુઝ રિપોર્ટર!)ની જેમ અહેવાલ આપ્યો. ખેતી કે ધંધામાં લોકોની ગણતરી ખોટી પડે તો લાખના બાર હજાર થયા એવું કહેવાય છે. આ તો ખુરશીની ખેતીમાં લાખના બે હજાર કર્યા… શું કહો છો તમે ?આવા ઉમેદવારની સંખ્યા વધવી જોઇએ કે ઘટવી જોઇએ એ વિચારમાં રાજુ સ્વગૃહ જવાને બદલે ફરી પાછો મારા ઘરે ટપકી પડયો…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો